Business

જસ્ટીન ટ્રુડોના સ્વાર્થી રાજકારણે ભારત સાથેનારાજદ્વારી સંબંધોનો દાટ વાળ્યો?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતને સળી કરીને રાજદ્વારી સબંધો બગાડવાની ચળ ઊપડતી હોય એમ લાગે છે. કેનેડામાં રહેનારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે એટલું જ નહીં પણ ભારતીય રાજદ્વારીઓ તેમાં સામેલ છે એવા આક્ષેપ કેનેડાએ કર્યા અને ભારતે તેને આકરી રીતે નકારીને કહ્યું કે આવું કંઇ હોય તો કેનેડાએ પુરાવા આપવા જોઇએ. લોરેન્સ બિશ્નોઇ જેવી ગેંગની મદદ લઇને ભારતીય એજન્ટો કેનેડામાં રહેતા ખાલિસ્તાની ટેકેદારોને ટ્રેક કરીને તેમની હત્યા કરાવે, તેમને ટાર્ગેટ કરે છે એવા આરોપ એક દેશના વડા, બીજા દેશ પર મૂકે એટલે સ્વાભાવિક છે આ હોબાળામાંથી હોળી જ થાય. જસ્ટિન ટ્રૂડોના વાણી વિલાસને પગલે કેન્દ્ર સરકારે સોમવારે 6 કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને કેનેડાથી ભારતીય હાઇ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી. આ બધી રાજકીય વિધાનોની અફરાતફરી વચ્ચે જસ્ટિન ટ્રુડોએ બુધવારે એમ સ્વીકાર્યું કે નિજ્જરની હત્યાના વાસ્તવિક પુરાવા કેનેડાની સરકારે ભારતને નથી આપ્યા, માત્ર અમુક ગુપ્ત માહિતી જ આપી હતી.
આટલું ઓછું હોય એમ શીખ ફોર જસ્ટિસ, ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુ, જે પોતે U.S.A.માં છે તેણે કેનેડાના મીડિયામાં એમ કહ્યું છે કે તે પોતે બે-ત્રણ વર્ષથી કેનેડાના વડાપ્રધાનના કાર્યાલયના સંપર્કમાં છે અને ટ્રુડોની ઑફિસને ભારતીય ગુપ્તચર એજન્ટ વિશે તેણે માહિતી આપી છે. વળી પન્નુએ તો છાતી ઠોકીને એવું ય કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી જાસૂસી નેટવર્ક અટકવાનું નથી. પન્નુએ કેનેડામાં રહેતા ભારતીયોની ભારત પ્રત્યેની વફાદારીની ટીકા કરી અને એવા અર્થનું વિધાન કર્યું કે કેનેડામાં રહેતા ભારતીયોએ ત્યાંના બંધારણને વફાદાર રહેવું જોઇએ, ભારતના નહીં.
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબધોની હોળીની ઝાળ આસમાને ચઢી છે ત્યારે બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોથી માંડીને ત્યાં ભણનારા લાખો છોકરાંઓના ભવિષ્ય પર તલવાર તોળાઇ રહી છે. કેનેડાએ અધિકૃત અને અનાધિકૃત રીતે અમુક બાબતો જાહેર કરી છે, અમુક નામો જાહેર કર્યા છે જે કેનેડામાં અરાજકતા ફેલાવે છે, ગેરકાયદે કામગીરી કરે છે. આ યાદીમાં આપણા ડિપ્લોમેટ્સ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહનું પણ નામ છે. કેનેડા અને ભારતના સંબંધોમાં ‘રિશ્તોમેં દરાર આઇ’ વાળો તબક્કો આવી ગયો છે ત્યારે આપણે અમુક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ; જેમ કે કોને લીધે કેનેડા અને ભારતના સંબંધો વણસ્યા?, ટ્રુડોને ફટકાર પડે છે છતાં પણ ભારત સામેનું તેનું વલણ વારંવાર ઉગ્ર કેમ થઇ જાય છે? શું કેનેડાના દાવાઓમાં જરા સરખું પણ સત્ય છે? આવા આક્ષેપો તો અમેરિકાએ પણ ભારત પર કર્યા છે તો ત્યારે આપણે કેમ ચૂપ રહીએ છીએ?
ભારત સરકારનું કહેવું છે કે કેનેડાના વડા પ્રધાન આ રીતે મત ભેગા કરવાની ફિરાકમાં છે. એટલું જ નહીં જો કેનેડિયન સરકાર ભારત વિરોધી અલગાવવાદીઓ અને કટ્ટરપંથીઓને મદદ કરવાનું ચાલું રાખશે તો ભારતે આકરા પગલાં લેવા પડશે. આ કટ્ટરવાદીઓ એટલે ખાલિસ્તાનીઓ. ખાલિસ્તાની ચળવળ ભારતમાં તો દાયકાઓ પહેલાં ખતમ થઇ ગઇ છે પણ કેનેડાના રાજકીય વર્તુળમાં હજી તેનો પ્રભાવ છે, ત્યાંના કેટલાક શીખો હજી તેની તરફેણમાં છે. આ વર્ગના મત ટ્રુડોની સત્તા ટકાવી રાખવા માટે અનિવાર્ય છે અને માટે કેનેડામાં રહેતા કટ્ટરવાદી શીખ, જે ભારતના વિરોધીઓ છે તેમને ગમતા અને ગોઠતા નેરેટિવ્ઝ ટ્રુડો ચલાવે છે. ટ્રુડોની સત્તાનું સિંહાસન ડગમગી રહ્યું છે એટલે તેણે આ નેરેટિવનું તરણું ઝાલ્યું છે. અનિયંત્રિત ઇમિગ્રેશન, સત્તામાં રહેવાનો મોહ, ફુગાવો અને સંદિગ્ધ બનતી ઓળખ– આ ચારેય મુદ્દા ટ્રુડોની સત્તાને હચમચાવી રહ્યા છે. હવે ઘરમાં જ્યારે આટલી બધી હાંડલા-કુસ્તી ચાલતી હોય ત્યારે જો આંતરરાષ્ટ્રીય વિવાદ ખડો કરી દેવાય તો સ્થાનિક કટોકટી પરથી લોકોનું ધ્યાન ખસી જાય અને પોતાની સત્તા બચી જાય એવી ટ્રુડોની ગણતરી હોઇ શકે છે. કેનેડાની ચૂંટણીમાં ચીને કરેલો ચંચુપાત સંભાળવામાં ટ્રુડોને સરિયામ નિષ્ફળતા મળી છે ત્યારે ખાલિસ્તાની મુદ્દાને ઉછાળવું ટ્રુડોને સહેલું લાગે છે. ચીન સાથે ઝિંક ઝીલવા કરતા ભારત પર દોષારોપણ એ ટ્રુડો માટે સહેલું હથિયાર બની ગયું છે એમ કહી શકાય. ચીન અને U.S.A. સચવાય એ ટ્રુડોને માટે વધારે અગત્યનું છે. ટ્રુડો આ બધો હોબાળો કરીને ચીન સાથે સંબંધો સુધારવા માગે છે જેથી ઘર આંગણે આવી પડેલા રાજકીય પડકારોમાં તે સંતુલન મેળવી શકે. વળી જગમીત સિંઘની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો ટેકો મળે તો ટ્રુડોની સત્તા કેનેડામાં સચવાઇ જાય. કેનેડાએ ભૂતકાળમાં પણ રાજકીય દબાણને કારણે ક્યારેય કટ્ટરવાદને નાથ્યો નથી, ખાસ કરીને ખાલિસ્તાની તત્વોને (જે કેમ ખાલિસ્તાનના નામની માળા જપે છે એ સમજાતું નથી કારણકે એ ચળવળનો અંત વર્ષો પહેલાં આવી ગયો છે)અને હવે એ સત્તા સાચવવા માટે અનિવાર્ય અનિષ્ટ બની ગયા છે. કેનેડાનું અર્થતંત્ર એક બહુ મોટું પાસું છે જે પાખું થઇ રહ્યું છે. 2008ની વૈશ્વિક મંદીમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢનારા દેશોની વાત થાય ત્યારે કેનેડાના વખાણ થતા. જો કે ‘બિગ ટેક’ની રેસમાં કેનેડા પાછળ રહી ગયું અને કોરોનાવાઇરસ રોગચાળા પછી કેનેડાનો GDP સંકોચાતો રહ્યો છે. અત્યારે પણ કેનેડા પાસે ન તો કોઇ મોટી ટેક કંપની છે કે ન કોઇ મોટા બિઝનેસ છે. માત્ર રિયલ એસ્ટેટ પર અર્થતંત્ર ન ચાલે, ખાનગી ક્ષેત્રોમાં વ્યવસાય કે ઉદ્યોગના ઠેકાણાં નથી. ગણીગાંઠી સરકારી રોજગારીને આધારે અર્થતંત્ર મજબૂત છે એવું ન કહેવાય. લોકો ટ્રુડોથી નારાજ છે અને માટે જ મતદાતાઓનું ધ્યાન બીજે દોરવા આંતરરાષ્ટ્રીય મુદ્દો ઉખેળવાની જુની અને જાણીતી તરકીબ ટ્રુડોએ વાપરી છે.
આ તરફ કેનેડાની પોલીસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણી ખંડણી અને હત્યાની ઘટનાઓમાં હોવાની વાત કરાઇ અને ટ્રુડોએ પણ એ બાબતે હકાર કર્યો. વળી આ બધું દેખાય છે એટલું સહેલું નથી. તમે રાજદ્વારી પદ પર હો ત્યારે તમને સુરક્ષા કવચ મળ્યા હોય, કેનેડા સરકાર ચાહે એટલે પૂછપરછ કરીને આક્ષેપો ન મુકી શકે. સ્વાભાવિક છે કે ભારત સરકારે પોતાના અધિકારીઓને સલામત રાખ્યા અને એટલે ‘પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ’ની યાદીમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓના નામ જાહેર કર્યા જેને કારણે મામલો બિચક્યો. કેનેડાએ ભારતને એવી ધમકી પણ આપી કે જો તપાસમાં મદદ નહીં કરે તો તે G7 અને 5Ys સંગઠનના સાથીઓને ભારત વિરુદ્ધ કરી દેશે. ભારત અને કેનેડા વચ્ચેના વહેવારો પર પ્રતિબંધ આવી જવાની પણ વકી છે.
ભારત સ્વાભાવિક રીતે એમ ઇચ્છે કે ભારત વિરોધી નાગરિકો અને આતંકવાદી કે કટ્ટરવાદીઓને કેનેડાએ ભારતને સોંપી દેવા જોઇએ, તેમને માથે ન ચઢાવવા જોઇએ. પણ કેનેડાની સરકાર ત્યાની નાગરિક્તા ધરાવતા દરેકની રક્ષા કરવા માગે છે, કારણકે એ તેમની વોટબેંક છે. આ તરફ ગાર્ડીયનના રિપોર્ટ અનુસાર 2020થી વીસથી વધુ લોકો જે ભારત વિરોધી હતા તે અલગ અલગ દેશોમાં ભેદી રીતે માર્યા ગયા છે. આમાંથી ઘણાં લોકો પાકિસ્તાનના જુદા જુદા આતંકી જૂથ સાથે જોડાયેલા હતા અને તેમની હત્યા પછી પુલવામા હુમલા વગેરેમાં તેમની સંડોવણી હોવાની વાત કરી તેમના મોતને યોગ્ય ઠેરવાયા છે. બીજી બાજુ ખેડૂત આંદોલન પછી ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરાયા. એમાં સૌથી પહેલો ભોગ લેવાયો પરમજીત સિંઘ પંજવારનો જે ગયા વર્ષે લાહોરમાં માર્યા ગયા. એ પછી UKમાં રહેનારા ખાલિસ્તાનીઓને ધમકીઓ મળવા માંડી અને નિજ્જર તથા સુખદૂલને કેનેડામાં મોતને ઘાટ ઉતારાયા. વિદેશી અખબારના રિપોર્ટ અનુસાર આ હત્યામાં ઉચ્ચ સ્તરીય ભારતીય એજન્ટોનો અંગુલી નિર્દેશ હતો.
વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં તો અમિત શાહનું જ નામ લખાયું છે. હવે જ્યારે કેનેડા અમેરિકી અખબારને આવી માહિતી આપવામાં ખચકાય નહીં ત્યારે એ સાબિત થઇ જાય છે કે કેનેડા અને ભારતના સંબંધો હવે સુધરે એવી શક્યતાઓ નહીં જેવી છે.
U.S.A. ભારત સાથે માહિતી વહેંચે છે પણ કેનેડાએ આવું કંઇ કરવાની તસ્દી નથી લીધી એવું તો તેઓ કબૂલ પણ કરી ચૂક્યા છે. નિજ્જર કેસને મામલે ભારતે કેનેડા સાથે આકરો વહેવાર કર્યો એવું જ્યારે પન્નુના કેસમાં અમેરિકા સાથે કરવાનું આવ્યું તો ભારતનું વલણ જુદું જ હતું. આ તરફ અમેરિકાએ પણ આ મુદ્દાને જાહેર કૌભાંડ ન બનાવતાં નક્કર પુરાવાની વાતને આગળ કરી અને રાજદ્વારી ઢબે તેનું સંબોધન કર્યું. અમેરિકાએ પણ પન્નુ કેસમાં ભારત પર આવા જ આક્ષેપો કર્યા છે પણ ભારતે ત્યાં આડોડાઇ નથી બલ્કે સ્વીકાર્યું છે કે એવા એક અધિકારી હતા જે અમેરિકાના એક નાગરિકને પતાવી દેવા માગતા હતા પણ તેમને હવે પદ પરથી ખસેડી લેવાયા છે. એટલે કે પન્નુના મામલે અમેરિકા અને ભારતનો અભિગમ વ્યવસાયી અને વહેવારુ છે પણ ટ્રુડોએ પોતાના સ્વાર્થ માટે આંતરરાષ્ટ્રીય સંબંધો અસ્તવ્યસ્ત કરી નાખ્યા. એક સમયે કેનેડામાં ‘યર ઑફ ઇન્ડિયા’ની ઉજવણી કરાઇ હતી અને હવે બંન્ને દેશોના સંબંધો એવા ત્રિભેટે આવ્યા છે કે ત્યાંથી કશું રાતોરાત સુધરી જશે એમ માનવું ભૂલ ભરેલું હશે.

Most Popular

To Top