સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને કરી છે. પરંપરા મુજબ નિવૃત્ત થનારા સીજેઆઇ નિવૃત્તિના એક મહિના પહેલાં આગામી સીજેઆઇના નામની ભલામણ કરે છે.
સીજેઆઇ ગવઈનો કાર્યકાળ તા. 23 નવેમ્બર 2025ના રોજ પૂર્ણ થશે. અહેવાલો અનુસાર તેમની ભલામણને મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ સૂર્યકાંત દેશના 53માં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે તા. 24 નવેમ્બરના રોજ પદ સંભાળશે. તેઓ તા. 9 ફેબ્રુઆરી 2027 સુધી આ પદ પર કાર્યરત રહેશે. તેમનો કાર્યકાળ આશરે 14 મહિનાનો રહેશે. સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.
કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?
જસ્ટિસ સૂર્યકાંત હાલ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેમનો જન્મ તા.10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમણે 1981માં હિસારના ગવર્નમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે હિસારની જિલ્લા કોર્ટમાંથી વકીલાતની શરૂઆત કરી અને થોડા સમયમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 2004માં તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના સ્થાયી જજ તરીકે નિમણૂક મળી.
ત્યારબાદ તા. 5 ઑક્ટોબર 2018ના રોજ તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા. એક વર્ષ પછી તા. 24 મે 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઊંચી નિમણૂક મળી હતી.
જસ્ટિસ સૂર્યકાંત ન્યાયક્ષેત્રમાં તેમના સંતુલિત નિર્ણયો અને નૈતિક દૃઢતાના કારણે જાણીતા છે. તેઓએ અનેક મહત્વપૂર્ણ બંધારણીય મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અને ન્યાયસંગત નિર્ણયો આપ્યા છે.
દેશના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની પસંદગી ભારતીય ન્યાયતંત્રમાં સ્થિરતા અને અનુભવની સતતતા સુનિશ્ચિત કરશે.