ચીનમાં એચએમપીવી સંક્રમણના મામલા વધ્યા બાદ ભારતમાં તેના વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ. અતુલ ગોયલ કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી. અતુલ ગોયલે શુક્રવારે માહિતી આપી હતી કે ભારતમાં અત્યાર સુધી આ વાઇરસના ચેપના કેસ નોંધાયા નથી. તેમણે કહ્યું, ‘આ એક સામાન્ય વાયરસ છે જે શ્વસનમાર્ગમાં ચેપનું કારણ બને છે. તેના કારણે, શરદી જેવી બીમારી થઈ શકે છે. એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને વૃદ્ધોમાં, આ ચેપને કારણે ફ્લૂ જેવાં લક્ષણો જોવાં મળે છે.’ ‘પરંતુ તેનાથી ગંભીર બીમારી થતી નથી, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે શિયાળા દરમિયાન શરદી અને ઉધરસ જેવા કેસો વધુ જોવા મળે છે. અમારી હૉસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.’ ‘અમે ડેટા પર પણ સતત નજર રાખીએ છીએ. ગત વર્ષે ડિસેમ્બરના આંકડા સાથે સરખામણી કરીએ તો ચેપના આંકડામાં કોઈ વધારો થયો નથી.’
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે અગાઉ એક ભારતીય અખબારને જણાવ્યું હતું કે તે ચીનમાં એચએમપીવી વાઇરસના કેસ પર નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું હતું કે તાજેતરના સમયમાં ચીનમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય તેવા ઘણા કેસો નોંધાયા છે, જે એચએમપીવી વાઇરસથી સંબંધિત છે. ભારતમાં શિયાળા દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ જેવા કિસ્સાઓ પણ જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી આવા કેસોમાં કોઈ અણધારો વધારો જોવા મળ્યો નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એ શ્વસન સંબંધી સમસ્યાઓ અને સિઝનલ શરદી અને ઉધરસ જેવા મામલાઓ પર નજર રાખી રહ્યું છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં પણ છે.
આ વાઇરસ 200થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી ઉદ્ભવ્યો હતો. પરંતુ ત્યારથી, આ વાઇરસ વારંવાર પોતાને બદલી રહ્યો છે અને હવે આ વાઇરસ પક્ષીઓને સંક્રમિત કરી શકતો નથી.
અમેરિકી સરકારના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વર્ષ 2001માં જાણવા મળ્યું હતું કે આ વાઇરસ મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. આ વાઇરસ દરેક ઉંમરના લોકોને સંક્રમિત કરી શકે છે. તેના કારણે દર્દીને તાવ, ઉધરસ, બંધ નાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તેનો ચેપ ગંભીર બને છે તો આ વાઇરસ બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયા માટે પણ જવાબદાર હોઈ શકે છે. આ વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે, પરંતુ રોગનો સમયગાળો વધુ કે ઓછો હોઈ શકે છે.
તે ચેપ કેટલો ગંભીર છે તેના પર નિર્ભર છે.આ વાઇરસ ઉધરસ અને છીંક દરમિયાન થૂંકના કણો મારફત લોકોમાં ફેલાય છે અને ચેપ લગાડે છે. તે હાથ મિલાવવાથી, ગળે મળવાથી અથવા એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જો ઉધરસ અથવા છીંકને કારણે થૂંકના કણો ક્યાંક સપાટી પર પડ્યા હોય અને તે સપાટીને સ્પર્શ કર્યા પછી તમે તમારા ચહેરા, નાક, આંખ અથવા મોંને તે હાથથી સ્પર્શ કરો છો, તો તમે તે વાઇરસથી સંક્રમિત થઈ શકો છો. એટલે કે કોરોના વખતે જે રીતની સાવચેતી રાખવી પડતી હતી તેટલી જ સાવચેતી આ વાયરસમાં પણ રાખવી પડે તેવી સ્થિતિ છે.
તાજેતરમાં એવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા જેમાં ચીનની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા હતા. આ દર્દીઓમાં ફ્લૂ જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં. ત્યારપછી એ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીનમાં ફરી એક વાર એક નવો વાઇરસ લોકો માટે પડકાર ઊભો કરી રહ્યો છે. કોવિડ વાઇરસે પાંચ વર્ષ પહેલાં વિશ્વના 100 કરતાં વધુ દેશોમાં તબાહી મચાવી હતી, તે પણ ચીનના વુહાનમાં આવેલા માર્કેટમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. ચીનની સત્તાવાર ન્યૂઝ વેબસાઇટ ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ઉત્તર ચીનના વિસ્તારો સિવાય, એચએમપીવીના કેસ બીજિંગ, દક્ષિણ ચીનના ગુઆંગદોંગ પ્રાંત, દક્ષિણ-પશ્ચિમના ચોંગકિંગ શહેરમાં નોંધાયા છે. 27 ડિસેમ્બર, 2024ના રોજ સમાચાર એજન્સી રૉઇટર્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ચીનની આરોગ્ય એજન્સીઓએ કહ્યું હતું કે, શિયાળામાં શ્વસનની બીમારીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, તેઓ પાઇલટ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી રહ્યા છે.