Gujarat

જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર સાત લાખમાં પ્રેસની બહાર આવ્યું

ગાંધીનગર : રાજયમાં ગુજરાત (Gujarat) પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1181 જૂનિયર કલાર્કની (Junior Clerk) ભરતી (Recruitment) માટે પરીક્ષાનું પેપર લીક કરવાના કેસમાં મહત્વના આરોપી તથા હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરનાર આરોપી જીત નાયક ઉર્ફે સરધાકર લુહાને આજે એસજી હાઈવે ઉપર એટીએસની ઓફિસે લાવવામાં આવ્યો હતો. ખાસ કરીને એટીએસની ટીમ દ્વારા આ આરોપીની આજે સધન પૂછપરછ શરૂ કરાઈ છે.

પરીક્ષા લેવાના 20 દિવસ પહેલા આ કાવતરૂ ઘડાયું હતું. જેમાં હૈદરાબાદના આરોપી જીત નાયકે આ પેપર લીક કરીને તેને પ્રદિપ નાયકને આપ્યુ હતું. એટીએસની ટીમે પ્રદિપ નાયકની પૂછપરછ કરતાં , તેણે એવી કબૂલાત કરી હતી તે હૈદરાબાદના હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં જીત નાયક પાસેથી આ પેપર ખરીદ્યું હતું. પ્રદિપના હાથમાં આ પેપર આવ્યા બાદ બિહાર તથા ઓરિસ્સાની ગેંગના સરોજ, મોરારી પાસવાન, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રબાત તથા મુકેશકુમાર સહિતના આરોપીઓએ ભેગા મળીને અમદાવાદમાં દિશા એજયુકેશનના એમ.ડી. કેતન બારોટ તથા વડોદરામાં પથવે એજયુકેશન સર્વિસ તથા સ્ટેકવાઈઝ ટેકનોલોજી એકઝામ સેન્ટરના ભાસ્કર ચૌધરીનો સંપર્ક કરી તેમને વેચ્યું હતું. તે પછી આ પેપરના જવાબો ઉમેદવારોને 7થી10 લાખની અંદર વેચવાનું નક્કી થયું હતું. આ ગેંગમાં સુરતનો નરેશ મોહંતી પણ સામેલ હતો.

પેપર લીક કાંડના સૂત્રધારોએ વધુમાં અન્ય પેપર લીક કરતાં એજન્ટો પૈકી હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ, તથા રાજ બારોટને પણ વડોદરા બોલાવી લીધા હતા. આ બધાં જ માફિયાઓ વડોદરામાં સ્ટેક વાઈઝ ટેકનોલોજી એકઝામ સેન્ટર ખાતે એકત્ર થયા હતાં. એટીએસની ટીમે અહીં દરોડો પાડીને 15 આરોપીઓને ઝડપી લીધા હતા. જયારે 16મો આરોપી જીત નાયક હૈદરાબાદથી ઝડપાયો હતો. એટીએસની ટીમે તમામ 16 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

15 આરોપીઓને 11 દિવસના રિમાન્ડ
એટીએસના તપાસનીશ અધિકારીઓની ટીમે આજે વડોદરા ખાતે સ્પેશિયલ કોર્ટ સમક્ષ તમામ 15 આરોપીઓને રજૂ કરી 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 10મી ફેબ્રુઆરી સુધીના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. એટીએસના તપાસનીશ અધિકાર તરફથી સરકારી ધારાશાસ્ત્રીએ એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ 7થી 9 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યુ હતું. આ પેપર કોના હાથમાં ગયુ હતું. તે વિશે તપાસ કરવાની છે. આરોપીઓ ગુજરાત બહારના છે. જેથી હજુયે ગુજરાત બહારના કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. તેની પણ તપાસ કરવાની છે. સમગ્ર કાવતરૂ 20 દિવસ પહેલા ઘડાયુ હતું. તેમાં કોણ કોણ સંડોવાયેલું છે. ? તેની વિગતો મેળવવાની છે. જેથી કરીને મુખ્ય આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવી જરૂરી છે. કેતન બારોટ તથા પ્રદિપ નાયક, ભાસ્કર ચૌધરી તથા જીત નાયક મુખ્ય આરોપીઓ છે. આરોપીઓના કોલ ડિટેલ્સની પણ તપાસ કરવાની છે.

Most Popular

To Top