પશ્ચિમ બંગાળના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી મુકુલ રોયનું રવિવારે બપોરે 1:30 વાગ્યે કોલકાતાની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્ર સુભ્રાંશુ રોયે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ મુકુલ રોયની તબિયત અત્યંત ગંભીર હતી. મુકુલ રોય છેલ્લા કેટલાક વર્ષોથી પાર્કિન્સન રોગ અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. 2023માં ડોક્ટરોએ તેમના રોગની સત્તાવાર પુષ્ટિ કરી હતી. હાઇડ્રોસેફાલસને કારણે તેમની મગજની સર્જરી પણ કરવામાં આવી હતી. 2024 દરમિયાન તેઓ અનેકવાર હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાં માથાની ઈજા અને અન્ય ન્યુરોલોજીકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. 17 એપ્રિલ 1954ના રોજ ઉત્તર 24 પરગણાના કંચરાપાડામાં જન્મેલા મુકુલ રોયે યુવા કોંગ્રેસથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1998માં તેમણે મમતા બેનર્જી સાથે મળી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ટીએમસીના મહાસચિવ અને મમતા બેનર્જીના નજીકના સહયોગી તરીકે જાણીતા રહ્યા.
2006માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા અને 2009થી 2012 દરમિયાન રાજ્યસભામાં ટીએમસીના નેતા તરીકે સેવા આપી. 2012માં મનમોહન સિંહની સરકારમાં તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. 2011માં પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં આવી ત્યારે પક્ષને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. 2017માં તેમણે ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા અને 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપને 18 બેઠકો અપાવવામાં તેમની વ્યૂહરચના મહત્વપૂર્ણ માનવામાં આવી. 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત્યા, પરંતુ ત્યારબાદ જૂન 2021માં ફરી ટીએમસીમાં પરત ફર્યા. 13 નવેમ્બર 2025ના રોજ કોલકાતા હાઇકોર્ટે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમને ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવ્યા હતા. મુકુલ રોયના નિધનથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં સોંપો પડી ગયો હતો.