કતાર: ફિફા વર્લ્ડકપ 2022માં (FIFA Worldcup-2022) અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વાહલના મૃત્યુના (Death) 48 કલાકથી પણ ઓછા સમયમાં ટૂર્નામેન્ટને કવર કરી રહેલા ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ-મિસલામના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન પત્રકારના (Journalist) મોતની આ બીજી ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ખાલેદ અલ-મિસ્લામના મૃત્યુ પર, ઓએનયૂ ન્યૂઝના પોર્ટુગીઝ એડિટર ઇન ચીફ મોનિકા ગ્રેલેએ ટ્વિટ કર્યું હતું કે કતાર ફિફા વર્લ્ડ કપ દરમિયાન અન્ય એક પત્રકાર માર્યા ગયા. ખાલેદ અલ-મિસ્લામ, જે કતારની ન્યૂઝ ચેનલ અલ કાસ ટીવી માટે કામ કરતો હતો, તે હવે નથી રહ્યા.
- અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વાહલ અને ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ મિસલામના મોત 48 કલાકના ગાળામાં થયા
- ગ્રાન્ટ વાહલના ભાઇ એરિકે પોતાના ભાઇની હત્યા થઇ હોવાનો ફિફા આયોજકો પર આરોપ મૂક્યો
એક દિવસ પહેલા અમેરિકન ફૂટબોલ પત્રકાર ગ્રાન્ટ વાહલનું પણ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન મોત થયું હતું. જો કે ખાલિદ અલ-મિસ્લામના મોતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ફિફા વર્લ્ડ કપને કવર કરી રહેલા પત્રકારોના સતત બે દિવસમાં થયેલા મોતથી ખળભળાટ મચી ગયો છે. અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વાહલના મોત અંગે વોશિંગ્ટનમાં રહેતા તેમના ભાઈ એરિકે ફીફાના આયોજકો પર મોટો અને ગંભીર આરોપ લગાવ્યો છે. એક વીડિયો જાહેર કરતા એરિકે કહ્યું હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે અને તેની તપાસ થવી જોઈએ.
એલજીબીટી સમુદાયનું સમર્થન કરવા બદલ હિરાસતમાં લેવાયા પછી ગ્રાન્ટ વાહલનું સ્ટેડિયમમાં નિધન થયું
ફિફા વર્લ્ડકપ 2022 દરમિયાન ગ્રાન્ટ વાહલનો એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેણે રેઈનબો ટી-શર્ટ પહેરી હતી. તેણે એલજીબીટીક્યુ સમુદાયના સમર્થનમાં રેઈનબો ટી-શર્ટ પહેરી હતી. તે પછી તેને કતાર પોલીસે કસ્ટડીમાં લીધો હતો. જોકે તેને થોડા કલાકો બાદ છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન તે અચાનક પોતાની ખુરશી પરથી પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.