ગાંધીનગર, તા .17
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશીલા પદાર્થોના મોટા જથ્થા પર પ્રહાર કર્યો છે. દરિયાકાંઠા નજીક થયેલા આ ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયામાર્ગે ડ્રગ્સની હેરાફેરી થવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે ટ્રેકિંગ કરીને કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હલચલ કરતી બોટને રોકી ચકાસણી હાથ ધરવામાં આવી હતી , બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ નશીલો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સની દાણચોરીમાં બે ઈરાની ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સ વિદેશથી ગુજરાતના દરિયાકાંઠે પહોંચાડવામાં આવી રહ્યુ હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત આંકવામાં આવી રહી છે.
ATSના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આ ડ્રગ્સ નેટવર્ક પાછળના અન્ય શખ્સોની પણ તપાસ ચાલુ છે.