ડાયમંડ સિટી સુરત ના વરિયાળી બજાર વિસ્તારમાં હોળી બંગલા નજીક ટ્રાફિક દબાણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે.વધતી ભીડ અને અનિયમિત પાર્કિંગને ધ્યાનમાં રાખીને Surat Municipal Corporation (SMC) અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે.
રમઝાન મહિના ને ધ્યાને રાખી આ વિસ્તારમાં ખરીદી માટે લોકોની સંખ્યા વધી જાય છે.ત્યારે સાંજના સમયે બજારમાં પગ મુકવાની જગ્યા ન રહે તેવી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્રએ આગોતરા પગલાં ભર્યા છે.દબાણ ખાતાની ટીમ દ્વારા રસ્તા પર ગેરકાયદે રીતે ઉભા કરાયેલા ગલ્લા,લારીઓ અને અડચણરૂપ માળખાં દૂર કરવા અપીલ કરવામાં આવી છે.તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે સ્વૈચ્છિક રીતે ગેરકાયદે દબાણ હટાવવામાં સહકાર ન આપનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બાઈક અને કાર ચાલકોને યોગ્ય પાર્કિંગ કરવા સૂચના આપવામાં આવી રહી છે, જ્યારે નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બજારમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.રમઝાન દરમિયાન ફૂડ સ્ટોલ અને લારીઓની સંખ્યા વધતી હોવાથી સ્વચ્છતા જળવાય રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા,સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા અને આસપાસ કચરો ન ફેંકવા અંગે વેપારીઓને સમજાવવામાં આવ્યું છે.તંત્રએ દુકાનદારો અને લારીઓવાળાને અપીલ કરી છે કે તેઓ શહેરના હિતમાં સહકાર આપે.“ટ્રાફિક સુવ્યવસ્થિત રહેશે તો જ ગ્રાહકોને સુવિધા મળશે,એવી સ્પષ્ટતા અધિકારીઓએ કરી છે.
આ સંયુક્ત કામગીરીનો મુખ્ય હેતુ ભીડ નિયંત્રણ, ટ્રાફિક સુવ્યવસ્થા અને સ્વચ્છતા જાળવી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ પૂરું પાડવાનો છે.રમઝાન પૂર્વે તંત્રની આ સક્રિયતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.