રાજપીપળા: ડેડિયાપાડામાં ડીએસપીનો રોફ મારી એક મહિલાએ યુવક પાસે ફોરેસ્ટ ખાતામાં આર.એફ.ઓ.ની નોકરીની લાલચ આપી 13 લાખ રૂપિયા ખંખેર્યા હોવાની ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ડેડિયાપાડામાં રહેતા મૂળ સુરતના ઉમરપાડાના બીલવાણ ગામના કૃતિક કુમાર શાંતિલાલ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના ડીએસપીની ઓળખ આપી નેહાબેન ચૌધરી ડેડિયાપાડા તપાસ અર્થે આવ્યાં હતાં. મારા પિતાના સંબંધીના કહેવાથી એમને મારા ઘરે 2 દિવસ રહેવાની વ્યવસ્થા પણ મેં કરી હતી. ડીએસપીની ઓળખાણ આપનાર નેહા ચૌધરી તથા અમારા બીલવાણ ગામના વિપુલ ધીરજ ચૌધરી કાર લઈ અમારા ઘરે આવ્યા હતા. નેહા ચૌધરીએ મને વિશ્વાસમાં લઈ કહ્યું હતું કે, મારી ગાંધીનગર મુખ્યમંત્રી સુધી ઓળખાણ છે. મારા ઘર જેવા સંબંધ છે. એ મહિલાએ મારા પિતાને કહ્યું કે, હું કૃતિકને આર.એફ.ઓ.ની નોકરી લગાવી આપીશ, પણ એના માટે 13 લાખ રૂપિયા આપવા પડશે. મારી નોકરી માટે મારા પિતા શાંતિલાલે તેમના ડેડિયાપાડા ખાતે આવેલા અલગ અલગ બેંકના એકાઉન્ટમાંથી ચેક દ્વારા રૂપિયા 13,00,000 ઉપાડી નેહા ચૌધરીને આપ્યા હતા.
બાદ મારા સંબંધી વિપુલભાઈએ મને એક પેપર કટિંગ બતાવ્યું હતું. જેમાં નેહા ચૌધરી(રહે.,બંગલો નં.103, બાબેન, બારડોલી)એ રામદેવસિંહ ઉમટ સાથે મળી નાયબ કલેક્ટરની ખોટી ઓળખ આપી એક બિલ્ડરને જમીન અપાવવાનો ખોટો વાયદો કરી બિલ્ડર પાસેથી રૂપિયા એક કરોડ ખંખેરી લીધા હોવાનું લખ્યું હતું. જેમાં નેહાબેન ચૌધરીનો ફોટો પણ હતો અને તેમનું અસલ નામ નેહા પટેલ હોવાનું લખ્યું હતું. પછી મને ખબર પડી કે નેહા ચૌધરી સુરત જિલ્લામાં એસ.પી. છે તેવી ખોટી ઓળખાણ આપી અને ગાડીમાં પોલીસનું બોર્ડ, પોલીસનો યુનિફોર્મ તથા પોલીસની કેપ રાખતી હતી. અને મને આર.એફ.ઓ.ની નોકરી અપાવવાના બહાને 13 લાખ રૂપિયા લઈ મારી સાથે છેતરપિંડી કરી હતી.
આ બાબતે ડેડિયાપાડા પીએસઆઈ અજય ડામોરે જણાવ્યું હતું કે, આ યુવતી હંમેશાં ખાખી કલરનો પેન્ટ અને પોલીસ અધિકારી હોય એવાં વસ્ત્રોમાં જ રહેતી હતી અને મોંઘીદાટ કારમાં ફરતાં હતાં. જેના કારણે કોઈ નાનો પોલીસ કર્મચારી તો તેમની પૂછપરછ પણ ન કરે તેવો આ બોગસ ડીએસપી મેડમનો રૂવાબ હતો. પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેમની પૂછપરછ કરતાં તેઓ એકદમ તૂટી ગયાં હતાં અને સાચી પોલીસ જોઈને ગભરાઈ ગયાં હતાં. પોતે 13 લાખ લીધા હોવાનું પણ એણે કબૂલ્યું ન હતું. અમે એ મહિલાને પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે. જેથી ખૂબ મોટી છેતરપિંડી પણ બહાર આવે એવી સંભાવનઓ છે.