સુરત : ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી (Degree) ધરાવતી યુવતી દ્વારા નોકરી. કોમ (Naukri.com) પર નોકરી (Job) માટે અરજી (Application) કરવામાં આવી હતી. જે નોકરી યુવતીએ નહીં સ્વીકારતા તેણી સાત વરસ સુધી કોઈ પણ ટોચની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં કરી શકે તેવો પ્રતિબંધીત બોગસ કોર્ટ કેસ ઊભો કરી રૂપિયા 75,000 પડાવી છેતરપિંડી (Fraud) કરવામાં આવી હતી. જે અંગે અઠવા પોલીસ સ્ટેશનમાં (Police Station) યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી ધરાવતી યુવતીને સુરત લાર્સન એન્ડ ટુબ્રોમાં નોકરી મળી ગઈ હોવાથી તેણીએ જ્યારે નોકરી.કોમ પરથી ફોન આવ્યો ત્યારે ના કહી દીધી હતી.
- ગઠિયાએ તેણીને બોગસ કોર્ટ નોટિસ મોકલી કહ્યું કે બે દિવસમાં કોર્ટમાં નાણાં જમા કરાવો નહીં તો સાત વરસ સુધી ટોચની કોઈ પણ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળે
માનસી ક્રિષ્ણાકુમારી મહેશ્વરી (ઉ. વર્ષ 22, રહેવાસી રાજુ ફલેટ, મજૂરા ગેટ) દ્વારા નોકરી માટે નોકરી.કોમમાં અરજી કરવામાં આવી હતી. આ દરમિયાન માનસીને સુરતમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં નોકરી મળી ગઈ હતી. આ દરમિયાન નોકરી. કોમમાંથી બોલું છું કહીને માનસી પર એક કોલ આવ્યો હતો જેમાં વિપ્રો કંપનીમાં તમારી નોકરી પાકી થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. જોકે માનસીની લાર્સન એન્ડ ટુબ્રોમાં નોકરી ચાલુ હોવાથી તેણીએ વિપ્રોમાં જોડાવા ના પાડી દીધી હતી.
આ ઘટના બાદ માનસીને ફોન કરીને એવું દબાણ લાવવામાં આવ્યું કે હવે તમને સાત વરસ સુધી કોઈ પણ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળી શકે અને તેણીને કોર્ટ નોટિસ જેવા કાગળ મોકલી આપવામાં આવ્યા હતા. અને બે જ દિવસમાં કોર્ટમાં 48,456 રૂપિયા ભરવાની નોટીસ પણ મોકલવી હતી. ગભરાઈ ગયેલી યુવતીએ આ નાણાં અજાણ્યાના મોબાઇલ પર ગુગલ પે મારફત મોકલી આપ્યા હતા. દરમિયાન ત્યારબાદ અન્ય ચાર્જ પેટે કુલ્લે 75,000 જેટલી રકમ યુવતી પાસે અજાણ્યા ઇસમ દ્વારા પડાવવામાં આવી હતી. બાદમાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું માલુમ પડતા તેણીએ અજાણ્યા ઇસમ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.