જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓની શંકાના આધારે જમ્મુમાં સ્થિત કાશ્મીર ટાઈમ્સના કાર્યાલય પર દરોડો પાડ્યો છે. દરોડા દરમિયાન AK રાઈફલના કારતૂસ, પિસ્તોલ રાઉન્ડ અને હેન્ડ ગ્રેનેડ પિન જેવી સામગ્રી મળતાં તપાસ વધુ કડક બનાવી દેવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ આજ રોજ તા. 20 નવેમ્બર ગુરુવારે સવારે જમ્મુના રેસિડન્સી રોડ પર આવેલી કાશ્મીર ટાઇમ્સ ઓફિસ પર અચાનક દરોડો પાડ્યો. અખબાર પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, અસંતોષ ફેલાવવાનો પ્રયાસ અને ભારતની સાર્વભૌમત્વને ખતરામાં મૂકે તેવી માહિતી પ્રકાશિત કરવાનો આરોપ છે. આ આધારે SIAએ અખબારની સંપાદક અનુરાધા ભસીન વિરુદ્ધ FIR પણ નોંધાવી છે.
સૂત્રો મુજબ SIA ટીમ ઘણા કલાકો સુધી ઓફિસમાં રહી હતી અને આખી ટીમે દસ્તાવેજો, ફાઇલ્સ અને ડિજિટલ ઉપકરણોની તપાસ કરી હતી. દરોડા દરમિયાન AK રાઈફલના અનેક કારતૂસ, થોડાક પિસ્તોલ રાઉન્ડ અને સંભવિત હેન્ડ ગ્રેનેડ પિન જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. SIA અત્યાર સુધી મળેલી સામગ્રીની સત્તાવાર પુષ્ટિ ટૂંક સમયમાં કરશે તેવી માહિતી મળી છે.
આ સમગ્ર મામલે SIAએ UAPAની કલમ 13 હેઠળ FIR નંબર 02/2025 નોંધાવી છે. તપાસનું મુખ્ય કેન્દ્ર અનુરાધા ભસીનની કથિત ભૂમિકા અને અખબાર દ્વારા પ્રસારીત સામગ્રીના માધ્યમથી રાષ્ટ્રવિરોધી વિચારધારા ફેલાવવાનો આરોપ છે.
કાશ્મીર ટાઇમ્સ જે એક સમયનું પ્રખ્યાત અંગ્રેજી દૈનિક હતું. સ્થાપક વેદ ભસીનના અવસાન પછી તેમની પુત્રી અનુરાધા ભસીન અને જમાઈ પ્રમોદ જામવાલ સંચાલિત કરતા હતા. હાલમાં બંને વિદેશમાં હોવાથી જમ્મુ ઓફિસ લાંબા સમયથી બંધ હતી. તેમ છતાં SIAએ કહ્યુ છે કે કાનૂની પ્રક્રિયાનો પાલન કરતાં ઓફિસની સંપૂર્ણ તપાસ કરાઈ છે.
દરોડા પછી SIAએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ અને આગામી પગલાં અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. આ કેસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે અને આગામી સમયમાં મોટી કાર્યવાહી શક્ય છે.