જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અથડામણ કિશ્તવાડના છત્રુ વિસ્તારના કલાબન વન વિસ્તારમાં થઈ હતી. જેમાં એક ભારતીય સૈનિક ગોળીબાર દરમિયાન ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મેળવી હતી. જેના આધારે સેના, CRPF અને સ્થાનિક પોલીસના સંયુક્ત દળોએ વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનને “ચતરુ ઓપરેશન” નામ આપવામાં આવ્યું છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ કડક ઘેરાવ હેઠળ લઈ લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે. સુરક્ષા દળોએ આખા જંગલ વિસ્તારને સર્ચ ઝોન જાહેર કર્યો છે અને આતંકવાદીઓને પકડી પાડવા માટે ડ્રોન સર્વેલન્સ જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
છત્રુ વિસ્તાર છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતો રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કિશ્તવાડના ઊંચાઈવાળા અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હલચલ સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં અહીં ઘણીવાર નાના અથડામણો થઈ ચૂક્યા છે. જેમાં સુરક્ષા દળોએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની સરહદમાંથી ઘુસપેઠ કર્યા બાદ સ્થાનિક નેટવર્કની મદદથી પહાડી વિસ્તારોમાં છુપાયા છે. હાલ વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ઓપરેશન ચાલુ છે.
અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા તથા વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે.