સુરત : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી) દ્વારા પોસ્ટથી (Post) જ્વેલરી (Jewelry) ઇ કોમર્સની (E-commerce) પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટર્સને હવે ફરજીયાત ફોરેન પોસ્ટ ઓફિસમાં (Office) જવું નહીં પડે તેઓ પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ ઓનલાઈન ફાઇલ કરી શકશે અને નિકાસ માટે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં પાર્સલ સબમિટ કરી શકશે.
અત્યાર સુધી આ કાર્ય માત્ર સરકાર દ્વારા અધિકૃત દેશની 28 ફોરેન પોસ્ટ ઓફીસ દ્વારા કરવામાં આવતું હતું. આવી એક ઓફીસ સુરતમાં પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે શરૂ કરી હતી. વિદેશમાં પોસ્ટના માધ્યમથી જ્વેલરી મોકલનારા એક્સપોર્ટર્સને સુવિધા કરવામાં આવી છે. સીબીઈઆઇસીએ પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશન મુજબ એક્સપોર્ટરો પોતે જ ઓનલાઇન ડિક્લેરેશન આપી પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ ફાઇલ કરી શકશે અને સીધું એક્સપોર્ટ ઘર નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ થકી કરી શકશે.
સીબીઆઇસીનાં નિર્ણયને લીધે નાના અને મધ્યમ હરોળના ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પોતાનો માલ સરળતાથી કોઈપણ પોસ્ટ ઓફિસથી એક્સપોર્ટ કરી શકશે. સુરતમાં અત્યારે 400 જેટલા નાના-મોટા ડાયમંડ-જ્વેલરી મેન્યુફેક્ચર્સ કાર્યરત છે. અત્યાર સુધી એક્સપોર્ટરોને ફોરેન પોસ્ટ ઓફ્સિમાં જઈને પોતાના પાર્સલનું બુકિંગ અને ડિક્લેરેશન કરાવ્યા બાદ એક્સપોર્ટ કરવુ પડતુ હતુ. જેમાં લાંબો સમય વેડફાતો હતો. માત્ર 28 ફોરેન પોસ્ટ ઓફિસને જ માન્યતા મળી હોવાથી અહીં જટિલ પ્રક્રિયા પાર પાડવા વેઇટિંગમાં રહેવું પડતું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે કાઉન્સિલની રજૂઆતને પગલે સીબીઆઈસીએ આ નિર્ણય લીધો છે. એક્સપોર્ટર ઓનલાઇન પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ ઓફિસ કે ઘરથી ફાઇલ કરીને પોતાના નજીકના કોઈપણ પોસ્ટ ઓફ્સિમાં પાર્સલ આપે શકે ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા આ પાર્સલ્સને એફટીઓમાં કસ્ટમ ક્લિયરન્સ માટે મોકલવામાં આવશે.
ઈ-કોમર્સ દ્વારા જ્વેલરીની નિકાસ સરળ બનતા ઉદ્યોગને ચોક્કસ લાભ મળશે.
ઈન્ડિયા પોસ્ટ પાસે નાના શહેરો અને જિલ્લાઓમાં વધુ સંપર્ક કેન્દ્રો છે. સમગ્ર ભારતમાં દૂરના સ્થળોએથી પણ નિકાસ પાર્સલની સુવિધા આપશે. કાઉન્સિલએ નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટે તેની નવી ઓનલાઈન યુટિલિટી (ઓટોમેટેડ સિસ્ટમ) માટે તમામ મોટા શહેરોમાં છેલ્લા કેટલાક મહિનાથી નિકાસકારોને તાલીમ આપવાનું શરૂ કર્યું છે જેના પર નિકાસકારો પોતાની નોંધણી કરાવી શકે છે અને નિકાસ ઘોષણા (PBE) ફાઇલ કરી શકે છે. નિકાસ ઇન્વોઇસ વગેરે જેવા સહાયક દસ્તાવેજો અપલોડ કરી શકે છે અને નિકાસ પાર્સલ બુક કરી શકે છે. સંપૂર્ણ ડિજિટલ મોડમાં પોસ્ટ દ્વારા નિકાસને વાસ્તવિક બનાવવા આ નિર્ણય MSME નાં હીતમાં લેવામાં આવ્યો છે.