બારડોલી: બારડોલીના (Bardoli) સરદાર બાગ વિસ્તારમાં પોલીસ સ્ટેશન (Police Station) નજીક આવે બાલકૃષ્ણ જ્વેલર્સમાં મંગળવારે સાંજના સમયે ત્રણ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. અને નાકની નથણી જોવા માટે માંગી હતી. નથણી જોતી વખતે ત્રણ પૈકી એક મહિલા થોડીવાર બહાર જતી રહે છે. આથી સેલ્સમેનને શંકા જતા તે સીસીટીવી કેમેરા ચેક કરતાં મહિલા પોતાના મોઢામાં કશુંક મુકતી હોય તેવું નજરે પડે છે.
સેલ્સમેને આજુબાજુના દુકાનદારોને જાણ કરતા લોકો એકત્ર થઇ ગયા હતા અને મહિલાઓને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસ પૂછપરછમાં ત્રણે મહિલાએ તેમનાં નામ સંગીતા લલિત ભાભોર, ગીતા કમલેશ બામણીયા અને ઉષા શૈલેષ ડામોર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતાં મહિલાના મોઢામાંથી સોનાની નથણી મળી આવી હતી આ ઉપરાંત તેમની પાસેથી બીજી ત્રણ નથણી પણ મળી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી મહિલાઓની અટક કરી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ઘેનવાળી બિસ્કીટ ખવડાવી સોનાની ચેઇન, રોકડની ચોરી
વલસાડ : વલસાડ પંથકમાં ટ્રેનોમાં થતી ચોરીની ઘટના યથાવત રહી છે. જેમાં ઘેનવાળી બિસ્કીટ ખવડાવી મુસાફરોને બેહોશ કરી ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. આ ગેંગે એક મુસાફરને બેહોશ કરી તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડ મળી કૂલ રૂ. 69 હજારની મત્તાની ચોરી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મુંબઇ ભાયંદરમાં રહેતા નિરવકુમાર ભરૂચથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુંબઇ જઇ રહ્યા હતા. તેમને મુસાફરી દરમિયાન મરોલી રેલવે સ્ટેશન પાસે કોઇ વ્યક્તિએ ઘેન વાળી બિસ્કીટ ખવડાવી દીધી હતી. જે ખાઇને તે સુઇ ગયા હતા અને પાલઘર સ્ટેશન પર ઉઠ્યા હતા. ત્યારે વલસાડ પંથકમાં કોઈ વ્યક્તિ તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડા રૂ. 2 હજાર મળી કુલ રૂ.69 હજારની મત્તાની ચોરી કરી ગયો હતો. આ બનાવ સંદર્ભે નિરવે મુંબઇ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ટ્રાન્સફર થઇને વલસાડ આવતા વલસાડ રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.