સુરત: ગત વર્ષે લગ્નસરાં(MARRIAGE)ની સિઝનના સમયે જ કોરોના પીક પર હતો, તેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ-મે-જૂનમાં લગ્નસરાંની સિઝન ટાળે જ કોરોનાના કેસો વધતાં જ્વેલર્સનો વેપાર મંદ થઇ ગયો છે. ગામડાંમાંથી લગ્નસરાંની ખરીદી (GOLD JEWELRY BUY) માટે આવનારા ખેડૂત પરિવાર (FARMER FAMILY) ના સભ્યો કોરોનાની બીકે આવવાનું ટાળી રહ્યા છે. જેથી જ્વેલરીનો વેપાર અટવાઇ ગયો છે. હાલમાં માંડ 20 ટકા વેપાર હોઈ અંદાજે 1 હજાર કરોડનો વેપાર અટવાયો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. પ્રતિદિન 1 હજારથી વધુ કેસ શહેરમાં નોંધાઈ રહ્યા છે. 75 હજાર જેટલા દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. કોરોના કેસો વધતાં લોકડાઉન વિના જ બજારોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ઝવેરાત બજારની હાલત કફોડી છે. સતત બીજા વર્ષે ઝવેરાત બજારમાં ઘરાકી નહીંવત છે. ગયા વર્ષે લોકડાઉનના લીધે વેપાર બંધ હતો, તે આ વર્ષે ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું હોવાથી વેપાર માત્ર 20 ટકા છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સના ગુજરાતના ડિરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, એપ્રિલથી મે ખાસ કરીને ધુળેટી બાદ ઝવેરાત બજારમાં ઘરાકી નીકળતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી અને કેરી મુખ્ય પાક છે. એપ્રિલમાં ખેડૂતોને સુગર ફેક્ટરીઓ તરફથી છેલ્લું પેમેન્ટ મળતું હોય છે, જેનો ઉપયોગ તેઓ ઘરેણાં ખરીદવામાં કરતા હોય છે. તે જ પ્રમાણે એપ્રિલથી મે દરમિયાન અખાત્રીજનાં લગ્નસરાંની સિઝન હોય છે. લગ્નો માટે મોટા પ્રમાણમાં ઝવેરાત ખરીદાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના લીધે ઘરાકી નથી. માંડ 20 ટકા જ વેપાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 2500 જ્વેલર્સ છે. ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ 800 છે. દક્ષિણ ગુજરાતમાં જ્વેલરી શો-રૂમની સંખ્યા 3500થી વધુ છે. એક અંદાજ અનુસાર ઝવેરાત બજારમાં 1 હજાર કરોડનો વેપાર અટવાયો છે.