Sports

જાપાન ઓપન : એચએસ પ્રણોય ક્વાર્ટર ફાઇનલમાં, શ્રીકાંત આઉટ

ઓસાકા: સ્ટાર ભારતીય શટલર એચએસ પ્રણોયે ગુરુવારે અહીં માજી વર્લ્ડ ચેમ્પિયન સિંગાપોરના લોહ કીન યૂ સામે સીધી ગેમમાં (Game) જીત મેળવીને તેની શાનદાર દોડ ચાલુ રાખી જાપાન ઓપન (Japan Open) સુપર 750 ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જો કે કિદામ્બી શ્રીકાંત પોતાની મેચ હારી જતાં સ્પર્ધામાંથી આઉટ (Out) થયો હતો.

વિશ્વના 8મા ક્રમાંકિત પ્રણોયે અહીં યુને 44 મિનિટમાં 22-20, 21-19થી હરાવ્યો હતો. આ ભારતીય ખેલાડી ગયા અઠવાડિયે વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. સિંગાપોરના ખેલાડી સામે પ્રણોયની ચાર મેચમાં આ ત્રીજી જીત છે. 30 વર્ષીય ભારતીય ખેલાડી અંતિમ આઠમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે ટકરાશે. પ્રણોયે છેલ્લી બે મેચમાં ચેનને હરાવ્યો છે, પરંતુ એકંદરે રેકોર્ડમાં તેના કરતાં 3-4થી પાછળ છે.

બુધવારે વિશ્વમાં નંબર 5 મલેશિયાના લી જી જિયાને હરાવનારો શ્રીકાંત જો કે આગળ વધી શક્યો ન હતો અને તે સ્થાનિક ખેલાડી તેમજ વિશ્વના 17માં ક્રમાંકિત કાન્તા સુનેયામા સામે 10-21, 16-21થી હાર્યો હતો. આ પહેલા આ બંને ખેલાડીઓ 2019માં કોરિયન ઓપનમાં સામસામે આવી ગયા હતા અને ત્યારે પણ જાપાની ખેલાડી જીતવામાં સફળ રહ્યો હતો.

યુએસ ઓપન : બીજી ક્રમાંકિત કોન્ટાવેટને હરાવી સેરેના ત્રીજા રાઉન્ડમાં
ન્યૂયોર્ક : યુએસ ઓપન જાણે કે અપસેટ ઓપન બની ગઇ હોય તેમ બુધવારે ગત વર્ષની ચેમ્પિયન એમા રાડુકાનુ અને માજી ચેમ્પિયન નાઓમી ઓસાકા હારીને આઉટ થયા પછી હવે ગુરૂવારે ગત વર્ષની રનરઅપ લૈલા ફર્નાન્ડીઝ અને સેમી ફાઇનાલિસ્ટ મારિયા સકારી પણ અપસેટનો શિકાર બનીને આઉટ થઇ છે. આ દરમિયાન માજી ચેમ્પિયન સેરેના વિલિયમ્સે પોતાની રમતના સ્તરને સતત ઉપલા લેવલ પર રાખીને મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

યુએસ ઓપન બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપનાર 40 વર્ષીય સેરેનાએ બીજા રાઉન્ડમાં બીજી ક્રમાંકિત એન્નેટ કોન્ટાવેટને 7-6, 2-6, 6-2થી પરાજય આપ્યો હતો. તેના આ વિજયથી એટલું નક્કી થઇ ગયું હતું કે તે યુએસ ઓપનમાં ઓછામાં ઓછી એક વધુ મેચ રમશે. મહિલા સિંગલ્સમાં ક્રમાંકિત ખેલાડીઓ બહાર થવાનું ચાલુ રહ્યું હતું. અગાઉની બે ચેમ્પિયન નાઓમી ઓસાકા અને એમ્મા રાડુકાનુ પહેલા જ બહાર થઈ ચૂકી છે અને હવે ફર્નાન્ડીઝ અને સકારી પણ આ યાદીમાં જોડાઈ ગઇ છે.
સકારીને બીજા રાઉન્ડમાં ચીનની વાંગ ઝિયુએ 3-6, 7-5, 7-5થી હરાવી હતી. જ્યારે 14મી ક્રમાંકિત ફર્નાન્ડિઝ, જે એક વર્ષ પહેલા ફાઇનલમાં રાડુકાનુ સામે હારી ગઇ હતી, તેને લ્યુડમિલા સેમસોનોવા 6-3, 7-6થી હરાવી હતી. બારમી ક્રમાંકિત કોકો ગફ અને 20મી ક્રમાંકિત મેડિસન કીઝને જો કે આગળ વધવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. બંને અમેરિકન ખેલાડીઓ ત્રીજા રાઉન્ડમાં આમને-સામને થશે.ગોફે એલેના ગેબ્રિએલા રુસેને 6-2, 7-6થી જ્યારે કીઝે, 2017 યુએસ ઓપનની રનર-અપ, કેમિલ જિયોર્ગીને 6-4, 5-7, 7-6થી હરાવી હતી.

Most Popular

To Top