નવી દિલ્હી : જાપાનના (Japan) હિરોશિમા (Hiroshima) શહેરમાં યોજાનારી બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી (PM Narendra Modi) ભાગ લેવા માટે આજે શુક્રવારે તા. 19મી મેના રોજ સવારે રવાના થયા છે. આ G7 બેઠક 21 મે સુધી ચાલશે. આ બેઠકમાં વિશ્વની મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો સામેલ થશે. G7 બેઠકમાં પરિવર્તન અને અર્થવ્યવસ્થા જેવા મુદાઓ પર તેમજ ચીન અને રશિયાના મામલે પણ ખાસ ચર્ચા પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનમાં G7 બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ચીન, રશિયા, અમેરિકા જેવા દેશો હાજરી આપશે. G7માં હાજર રહેલા તમામ દેશો પોતાના પરસ્પર સંબંધો તથા દેશના હિતો માટે મહત્વના મૂદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠકમાં ભાગ લીધા પછી પીએમ ન્યૂ ગિની માટે જવાના રવાના થશે. જ્યાં તે થોડા કલાક રોકાશે, ત્યાર બાદ 22 મેના રોજ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.
જાપાનમાં યોજાયેલી બેઠકની શરૂઆતમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રશિયાના હિરા પર પ્રતિબંધ મુક્યો હતો. આ સાથે અમેરિકાએ પણ રશિયા પર 300 જેટલા પ્રતિબંધો મુક્યા હતા. એક રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યુ છે કે આ G7 બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ હાજરી આપશે.
હિરોશિમામાં યોજાનારી G7 બેઠકમાં ભારત માટે મહત્વની છે. ભારત એવા દેશોમાંથી છે કે જેણે પરમાણુ સંધિ અથવા NPT પર હસ્તાક્ષર કર્યા નથી. પરમાણુ સંધિ અથવા NPT કરારનો મુખ્ય હેતુ પરમાણુ પરિક્ષણ પર પ્રતિબંધ મુકવાનો છે. જાપાનનું હિરોશિમાં અને નાગાસાકી વિશ્વમાં પહેલા એવા શહેરો છે કે જ્યાં પરમાણુ અણુ ધડાકા કરવામાં આવ્યા હોય.
આ સાથે આવું 66 વર્ષ પછી પહેલી વાર બની રહ્યું છે કે ભારતના વડાપ્રધાન હિરોશિમાની મુલાકાતે આવ્યા હોય. 1957માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ હિરોશિમાની મુલાકાત લીધી હતી. ત્યાર પછી હિરોશિમાની મુલાકાત લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના જણાવ્યા અનુસાર પીએમ મોદી હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. મોહન ક્વાત્રાએ એમ પણ જણાવ્યું હતુ કે પીએમ મોદી G7ના નેતાઓ સાથે મેમોરિયલ પાર્કની પણ મુલાકાત લેશે. આ પાર્ક અમેરિકા દ્વારા કરવામાં આવેલા પરમાણુ હુમલામાં પીડીતોની યાદમાં બનાવવામાં આવ્યો છે. આ G7 બેઠકમાં સામેલ દેશો QUAD દેશોની બેઠક પણ હિરોશિમામાં જ યોજાય તેવો પ્રયાસ કરશે.