સાપુતારા : ડાંગ(Dang) જિલ્લાનાં વઘઇ(Vaghai)નાં ઝરીયા ડુંગરડા ગામે દંપતિનાં રસોઈ બનાવવાનાં ઝઘડાનાં વિવાદમાં પત્નીએ આવેશમાં આવી બે બાળકોને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ગટગટાવી લેતા બંને બાળકો મોતને ભેટ્યા હતા.
- પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા
- વઘઇમાં પતિ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા કરી હત્યા
- ઝેરી દવા પી ગયેલી નિષ્ઠુર માતા બચી ગઇ
શૈલેષભાઈ જયરામભાઈ વૈજલ (કુંકણા) રહે. ઝરીયા ડુંગરડા, વઘઇના લગ્ન તકીઆંબા ડોલવણની રાધા કોંકણી સાથે થયા હતા. લગ્ન જીવન થકી બે બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી મિતેશ (ઉ.8) જે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે હેત્વી (ઉ.4) બાલમંદિરમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ પત્ની રાધાબેને રસોઈ બનાવી બંને બાળકોને શાળામાં મૂકી આવ્યા બાદ પત્ની રાધાબેન ખેતરમાં મજૂરીએ ગયા હતા. અને પતિ પણ ખેતતલાવડીનાં કામે મજૂરીએ ગયો હતો. બંને મજૂરી કરીને 11 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. બાળકો પણ સ્કૂલેથી પરત ફરતા પરિવારજનોએ બપોરનું ભોજન સાથે લીધુ હતુ. જમીને પરવાર્યા બાદ પત્ની મજૂરીએ ગઈ હતી. તથા શૈલેષભાઈ તળાવમાં માછલી પકડવા ગયા બાદ માછલી ઘરે મૂકી આવ્યો હતો. બાદમાં પત્ની જ્યાં મજૂરી કરવા ગઈ હતી તે ખેતરમાં જઈ પત્નીને ઘરે માછલી મૂકી હોવાનું જણાવી માછલીની રસોઈ બનાવવા જણાવ્યુ હતુ. જેથી પત્નીએ બપોરનાં સમયે માછલી બનાવવાની ના પાડતા પતિ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દંપતિ મજૂરી કામમાં પરોવાઈ ગયું હતું.
શાકભાજીમાં નાખવાની ઝેરી દવા પીવડાવી
જેમાં ત્રણેક વાગ્યાનાં અરસામાં ઘરમાં પીવાનું પાણી નહીં હોવાથી પતિ કૂવામાં પાણી ભરવા ગયો હતો અને પાણી ભરી ઘરે આવ્યા બાદ પત્ની અને બંને બાળકો રાત પડ્યા પછી પણ દેખાયા ન હતા. જેથી પતિએ ગામમાં શોધખોળ કરી હતી. પરંતુ પત્ની અને બાળકો મળ્યા ન હતા. જમવાનું બનાવવાનાં ઝઘડામાં પત્નીને ખોટું લાગી આવતા ભીંડામાં નાખવાની ઝેરી દવાને ગટગટાવી બંને બાળકોને પીવડાવી દીધી હતી.
બાળકોને મોતને ઘાટ ઉતારનાર માતાનો બચાવ
મોડી રાત્રે 1 વાગ્યાનાં અરસામાં પત્ની રાધાબેન અને બંને બાળકો મિતેશ અને હેતવી ઘર નજીક વાંસની દીવાલ પાસે સુતેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પતિએ જગાડવાનો પ્રયત્ન કરતા ત્રણેયનાં મોઢામાંથી દવાની વાસ આવતી હતી. અને પત્નીનાં શ્વાસ ચાલુ હતા, જ્યારે બાળકોનાં શરીર ઠંડા જણાતા 108 એમ્બ્યુલન્સથી ત્રણેયને વઘઇ સી.એચ.સી. માં ખસેડાયા હતા. જ્યાં બંને બાળકો મિતેશ અને હેતવીનાં શરીરમાં ઝેરી દવા પ્રસરી જતા ડોકટરોએ તપાસ કરી મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે પત્ની બચી જતા વધુ સારવાર માટે વાંસદા ખસેડવામાં આવી હતી.
પતિએ પત્ની સામે નોંધાવી પોલીસ ફરિયાદ
ડાંગનાં ડુંગરડાની નિષ્ઠુર માતાએ જમવાની નજીવી બાબતે આવેશમાં આવી જઈ પોતાના કલેજાનાં ટુકડા સમાન બંને બાળકો ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દઈ પોતે પણ દવા પી લીધી હતી. આ બનાવ બાબતે પતિ શૈલેશ વૈજલે પત્ની રાધાબેન વિરુદ્ધ વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.