તાજેતરમાં એક મોટી કંપનીમાં કામ કરતા એક યુવાન કર્મચારીએ ઉંચા પગાર સાથે બઢતીની દરખાસ્ત ના સ્વીકારી. વધુ પગાર, સારી ઓળખ અને કારકિર્દીનો વિકાસ થતો હોય એવી તક કોઈ નકારી કેવી રીતે શકે? આ આશ્ચર્ય સૌને થયું. યુવાન કર્મચારીનો જવાબ આશ્ચર્યજનક રીતે સરળ હતો. તેણે કહ્યું કે તેને માત્ર પોતાનું કામ કરવું છે અને પછી ઘરે જવું છે! કોર્પોરેટ સેક્ટરના રોજગારની દુનિયામાં આજકાલ આવા કિસ્સાની ચર્ચા છે, કારણ કે આ કોઈ અપવાદ રૂપ કિસ્સો નથી. નવી પેઢી – જેન-ઝી – પોતાની જિંદગીને અલગ રીતે જોઈ રહી છે.
સાંજે પાંચ વાગ્યા સુધી જેટલું કામ કરાવવું હોય એટલું કરાવી લો – પછી લેપટોપ બંધ કરી દેનારા આ પેઢીમાં ઘણા મળી રહેશે. બઢતીની સાથે વધુ પગાર મળે અને એક ઓળખ ઊભી થાય, પણ સાથે કામના કલાકો વધે, જવાબદારી વધે, વધુ મીટીંગો કરવી પડે અને માનસિક તણાવ પણ વધે. કારકિર્દીને આગળ ધપાવવાના આ રસ્તા પર તમારી વ્યક્તિગત જીંદગીનું મહત્વ પાછળ છૂટી જાય. ૧૯૯૭ થી ૨૦૧૨ની વચ્ચે જન્મેલી જેન-ઝી પેઢીને કારકિર્દી પાછળની આવી દોડધામ નથી જોઈતી. કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે એનુ મહત્વ વધારે છે.
આગળની પેઢી કે જે હાલમાં પોતાની કારકિર્દીના ટોચ પર છે તેમને માટે સફળતા નો મતલબ છે ઉંચો હોદ્દો અને સતત વધતો પગાર જેનાથી ભૌતિક સગવડો વાળું જીવન અને સમાજમાં એક મોભો ઊભો મળી શકે. એટલે પ્રમોશનની આકાંક્ષા અને વધુ પગારની આશામાં લાંબા કલાકો સુધી કામ કરવું જિંદગીનો ભાગ બની ગયા છે. એમને જેન-ઝીના અભિગમથી આશ્ચર્ય થાય છે. એમને આ અભિગમમાં આળસુ વૃત્તિ કે મહત્વાકાંક્ષા નો અભાવ દેખાય છે પણ, આ પેઢી સફળતાની વ્યાખ્યા જ બદલી રહી છે.
ડેલોઈટ કંપનીએ જેન-ઝીના અભિગમ સમજવા એક અભ્યાસ કર્યો જેમાં માત્ર છ ટકા લોકોની મહત્વકાંક્ષા કોર્પોરેટની સીડી પર ટોચ સુધી પહોંચવાની હતી! લગભગ નેવું ટકાએ કહ્યું કે જિંદગીના બીજા લક્ષ્ય પણ મહત્વના છે. પૈસા કમાવવું અગત્યનું છે પણ જરૂર જેટલાં. સાથે માનસિક સુખાકારી પણ મહત્વની છે. કામ એવું કરવું છે જે તમને કોર્પોરેટના ગુલામ ના બનાવે પણ સંતોષ આપે. જે કામની પાછળ રાત-દિવસ એક કર્યા પછી એના ફળ કોર્પોરેટના નફામાં જાય, તમારા ભાગે એક નાની બઢતી આવે અને એ પછી પણ નોકરી ચાલુ રહેશે એની ખાતરી ના હોય તો આવી અનિશ્ચિતતા પાછળ પોતાનો સમય અને ભાવનાત્મક ઊર્જા શું કામ ખર્ચવા જોઈએ? આ સવાલ ખોટો તો નથી.
કોવીડના લોકડાઉનના સમયે લોકોને જીવનની પ્રાથમિક જરૂરીયાતોને નવેસરથી ઓળખવાનો મોકો મળ્યો. દુનિયાના જુદા જુદા ખૂણેથી ડિજીટલ વિશ્વમાં જુદી જુદી ચળવળ શરુ થઇ. ૨૦૨૧ થી ૨૦૨૩ના વર્ષોમાં અમેરિકામાં ઘણા લોકો એ નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. સતત વ્યસ્ત રાખતી જીંદગી નથી જીવવા માંગતા અને શાંત જીવન ઈચ્છે છે એ સંદેશો સ્પષ્ટ કર્યો.
આ જ સમયે ચીનમાં એક છવ્વીસ વર્ષના છોકરા એ સોશ્યલમીડિયા પર પોસ્ટ કરી કે નોકરીની ધુંસરીથી કંટાળીને એણે નોકરી છોડી, પછી ૨૧૦૦ કિમી જેટલો સાયકલ પ્રવાસ કર્યો અને હવે જરૂર જેટલું કમાઈ, બાકીનો સમય વાંચવામાં કાઢે છે – આમ આડા પડી રહેવું એને આધ્યાત્મિક સંતોષ આપે છે. એની આ પોસ્ટને અનેક લોકોએ વધાવી લીધી અને ‘લાય-ફ્લેટ’એટલે ‘આડા પડો’જેવી એક ચળવળ ચાલુ થઇ.
એક જ સમયે બે જુદા જુદા દેશની જુદી જુદી આર્થિક – રાજકીય વ્યવસ્થામાં રહેતા યુવાનો ની વાતનો સુર તો એક જ છે કે – વર્તમાન વ્યવસ્થા નફો વધારવા માટે માણસને માત્ર એક ઉત્પાદનના સાધન તરીકે જુએ છે – જે ભૌતિક સગવડ તો આપે છે, પણ માનસિક અને ભાવનાત્મક સુખની પરવાહ નથી કરતી. દસ-બાર કલાક કામ કર્યા પછી પણ, મોંઘવારીને પહોંચી ના વળાતું હોય, પોતાનું ઘર ખરીદી શકાય એટલા પૈસા ભેગા ના થઇ શકતા હોય અને કારકિર્દીમાં આગળ વધવાની તકો પણ મુઠ્ઠીભર લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય તો આ પ્રશ્ન વ્યક્તિગત નિષ્ફળતાનો નથી પણ આર્થિક વ્યવસ્થાનો છે. આવી વ્યવસ્થા પાછળ હાંફી જવાય એટલું દોડવાનો મતલબ નથી.
આ ટ્રેન્ડ વર્તમાન ઉપભોગતાવાદી જીવનશૈલી સામે પણ સવાલ ઊભા કરે છે. વધારે આવકની રેસમાં દોડવા પાછળનું મુખ્ય કારણ ભૌતિક સગવડોની લાલસા છે. એક સ્કુટર હોય તો એક ગાડી જોઈએ, પછી મોટી ગાડી જોઈએ, પછી મોટી બ્રાન્ડવાળી ગાડી જોઈએ…. આ ઇચ્છોનો કોઈ અંત નથી જેને સંતોષવા માંડેલી દોડનો પણ કોઈ અંત નથી. પણ, જો જીવનની જરૂરિયાતો જ ઘટાડી દઈએ તો? આમેય ઉપભોગતાવાદે કોર્પોરેટ નફો વધારી, મૂડીનું કેન્દ્રીકરણ કરી આર્થિક વૃદ્ધિ વધારી છે. પણ એમાં સમાજનો સર્વાંગી વિકાસ ક્યાં છે? એમાં પર્યાવરણને થયેલા નુકસાનને જોડીએ તો આ વ્યવસ્થા ભાંગી પડવાને આરે આવીને ઊભી છે. આની સામે જેન-ઝીના જરૂરીયાતોને મર્યાદિત કરી શાંતિથી જીવવાનાં અભિગમને અપનાવી વર્તમાન વ્યવસ્થાને પડકારી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે