મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્ર સુધી સ્પષ્ટ રીતે પહોંચી ગઈ છે, ખાસ કરીને જામનગરના બ્રાસ ઉદ્યોગ પર તેનું ગંભીર પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગેસ અને કાચા માલની ભારે અછતને કારણે શહેરના અંદાજે 80 ટકા બ્રાસ ઉદ્યોગના એકમો બંધ થવાની કગારે પહોંચી ગયા છે અથવા પહેલેથી જ તાળાબંધી કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે હજારો શ્રમિકોની રોજગારી પર સીધી અસર પડી છે અને સમગ્ર ઉદ્યોગ તંત્રમાં અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. છેલ્લા લગભગ 15થી 20 દિવસથી યુકે, અમેરિકા અને ગલ્ફ દેશોમાંથી આવતો કાચો માલ તેમજ એક્સપોર્ટ ઓર્ડર માટેની સપ્લાય ચેઈન ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. બ્રાસ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાયમાં પણ મોટો વિક્ષેપ આવ્યો છે. ગેસ આધારિત શેલિંગ અને એક્સટ્રુઝન યુનિટ્સ માટે આ પરિસ્થિતિ અત્યંત ગંભીર સાબિત થઈ રહી છે. વિદેશી સપ્લાય બંધ થવાથી ઉદ્યોગને જાણે ઓક્સિજન મળતો બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સંકટની વચ્ચે ઉદ્યોગકારોએ તંત્ર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી છે.
જિલ્લા પુરવઠા વિભાગે ઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાત જાણવા માટે વિગતવાર માહિતી મંગાવી હતી. જામનગરના ઉદ્યોગ સંગઠનો દ્વારા એકત્રિત કરાયેલા ડેટા મુજબ, માત્ર 450 ફોર્જિંગ યુનિટોને ચાલુ રાખવા માટે જ લગભગ 13,098 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તાત્કાલિક જરૂરિયાત છે. હાલમાં ગેસના અભાવે આ તમામ યુનિટો સંપૂર્ણપણે બંધ છે. સાથે જ, યુદ્ધની પરિસ્થિતિને કારણે વિદેશી ભંગાર (સ્ક્રેપ)ની આયાત પણ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા વધુ અસરગ્રસ્ત બની છે. આ વિકટ સ્થિતિમાંથી બહાર આવવા માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ફેક્ટરી એસોસિએશન અને દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જિલ્લા વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક યોજી હતી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉદ્યોગકારોએ ગેસ અને કાચા માલની અછત અંગે વિગતવાર રજૂઆત કરી અને તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી. વહીવટી તંત્રે ઉદ્યોગોની સ્થિતિને ગંભીરતાથી લેતા ગેસ પુરવઠો વહેલી તકે સામાન્ય કરવાની અને જરૂરી સહાયતા પૂરી પાડવાની ખાતરી આપી છે. જોકે, ઉદ્યોગકારો હજુ પણ પરિસ્થિતિ અંગે ચિંતિત છે, કારણ કે વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધ અને સપ્લાય ચેઈનના વિક્ષેપો ક્યારે સુધી ચાલુ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જામનગરનો બ્રાસ ઉદ્યોગ હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. જો જલ્દી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આ ઉદ્યોગને લાંબા ગાળે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે અને હજારો લોકોની રોજીરોટી પર વધુ ગંભીર અસર પડી શકે છે.