આજકાલ કાશ્મીર ફરી ચર્ચામાં છે, જો કે એમ કહેવું ઘટે કે કાશ્મીર ચર્ચામાં ન હોય તેવું ભાગ્યે જ બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ખેલમાં ઉત્કંઠા, ઉશ્કેરણી અને ખેંચતાણ કરવા જેવી પરિસ્થિતિમાં કાશ્મીરનું નામ મોખરે હોય છે અને તે રાજકારણીઓની પહેલી પસંદ રહ્યું છે. લોકસભામાં અઠવાડિયા પહેલાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2021 પાસ થઇ ગયું અને હવે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દેશના દરેક કાયદાનો અમલ થશે. ભાજપાના શાસનમાં 70 વર્ષ સુધી કાશ્મીરમાં લાગુ થયેલી 370 ની કલમ ઉઠાવી લેવામાં આવી.
જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો અને ભાજપા સરકારનો દાવો છે કે આ તમામ પરિવર્તનો સહિત અહીં વિકાસનાં અઢળક કામો કરાયાં છે. નવો કાયદો અમલમાં આવતાં જ જે પણ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ છે તે કેન્દ્રશાસિત પ્રદેશોની કેડરનો ભાગ હશે, વળી અહીં હવે અધિકારીઓની ફાળવણી અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની કેડરમાંથી કરાશે. આ બધી જાહેરાતોની વચ્ચે 17 ફેબ્રુઆરીએ કાશ્મીરની વર્તમાન સ્થિતિની માહિતી મેળવવા માટે 24 દેશોના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું. આ પ્રતિનિધિમંડળમાં યુરોપિયન યુનિયન, ફ્રાન્સ જેવા કુલ 24 દેશોના રાજદૂત સામેલ છે.
ભાજપા સરકારે 370 ની કલમ નાબૂદ કરી પછી ચોથી વાર વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યું. કાશ્મીરમાં રાજકીય પરિવર્તનો બાદની આવી આ ત્રીજી મુલાકાત છે. આ બધાંની વચ્ચે જમ્મુ-કાશ્મીર માટે ડેવલપમેન્ટ પેકેજિઝની જાહેરાતો કરાઇ છે, નવી રોજગારી નીતિ જાહેર કરાઇ છે, તદ્દન મૂળિયામાં રહી કામ કરનારાઓને ધ્યાનમાં રાખી યોજનાઓ કરાઇ છે. કાશ્મીરમાં ખૂબ બધી પ્રગતિશીલ યોજનાઓ લાગુ કરાઇ હોવાની જાહેરાત સરકાર દ્વારા કરાઇ રહી છે. બીજી તરફ ક્યાંક કોઇની પર ગોળી છોડાઇ જેવા સમાચાર પણ કાશ્મીરમાંથી મળતા રહે છે.
ડિસેમ્બરમાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર સીધી ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે જે ધાર્યું હતું તે થયું એમ કહી શકાય. ગુપકાર સંગઠન માટે પીપલ્સ અલાયન્સને ટેકો મોટે પાયે મળ્યો. આ એ જૂના પ્રાદેશિક પક્ષ છે જેઓ જમ્મુ-કાશ્મીરના સ્ટેટહુડની તરફેણમાં છે અને 370 ની કલમ હેઠળના સ્પેશ્યલ સ્ટેટસને ફરી લાગુ કરાય તેમ ઇચ્છે છે. બીજી તરફ જમ્મુ પ્રદેશમાંથી મોટેભાગે ભાજપાને મત મળ્યા. વિરોધાભાસ એ છે કે કાશ્મીરની જૂની પાર્ટીઝને બહુમત તો મળ્યો પણ નવા માળખામાં તેમના હાથમાંથી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલનું નિયંત્રણ ચાલી ગયું. મૂળ 370 ની કલમ હટાવી લેવાઇ પછી જમ્મુ-કાશ્મીરમાં ગુપકાર સંગઠનને 110 બેઠકો મળી અને ભાજપાને 74 બેઠકો મળી પણ જિલ્લા વિકાસ પરિષદની ખુરશી પર બેસવાને મામલે ભાજપાને સફળતા મળી. ભાજપા હકારાત્મક પરિવર્તનની વાત કરે છે અને એમ જ કરશે. વાસ્તવિક્તા એ છે કે હવે પછી જમ્મુ-કાશ્મીરમાં જે સારું કે નરસું થશે તેમાં ભાજપાનો હાથ હશે, કમનસીબે સારું તો ગાઇ-વગાડીને લોકો સુધી પહોંચાડાશે પણ નરસું બહાર આવશે કે કેમ તે પ્રશ્ન છે.
કાશ્મીરમાંથી આતંકવાદના સમાચાર આવતા રહે છે. હજી પણ ત્યાં શટ ડાઉન છે અને છતાંય વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું, તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો અને તેઓ ત્યાં જે સ્થિતિ છે તેનાથી પ્રભાવિત થયા છે તેવું ય જાહેર કર્યું. એક તરફ ત્યાં બધું જ સમુંસુતરું છે ની વાત કરાય છે તો પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રેસિડન્ટ મહેબૂબા મુફ્તી અને પૂર્વ મુખ્યમંત્રીનું કહેવું છે જમ્મુ- કાશ્મીરમાં અત્યારે ‘જંગલ રાજ’ છે. તેઓ જમ્મુ કાશ્મીર માટે એ જ રાજકીય સ્ટેટસ ઇચ્છે છે જે 5 ઑગસ્ટ 2019 પહેલાં હતું અને કાશ્મીરના મુદ્દાનો ઉકેલ પણ તેમની માંગ છે. 370ની કલમ ખસેડી લેવાથી જે ફેરફારોની અપેક્ષા હતી તે થયા છે ખરા કે પછી આપણે એ જ જોવાનું રહેશે જે આપણને બતાડવામાં આવશે?
જે આતંકવાદનું કારણ આગળ ધરીને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી લેવાઇ છે તે ખરેખર તો આતંકવાદનું કારણ હતી જ નહીં. એક્સપર્ટસનું માનવું છે કે 370ની કલમ ખીણપ્રદેશના આતંકવાદને રોકવા માટેનું એક માત્ર માધ્યમ છે. ભાજપા સરકારને મતે કાશ્મીરનો વિકાસ પણ આ કલમને લીધે જ રૂંધાતો હતો જે સમીકરણો પણ હવે બદલાશે, જો કે કાશ્મીરમાં શટડાઉનમાં લાંબો સમય ખેંચી નાખનારાં લોકો આ વાત સાથે તસુભાર સંમત નથી. દિલ્હી સરકાર સતત એમ દર્શાવવા પ્રયત્નશીલ છે કે દિલ્હીથી કાશ્મીર માટે તગડું ભંડોળ મોકલાય છે પણ જમ્મુ- કાશ્મીરના પૂર્વ નાણાંમંત્રી અને અર્થશાસ્ત્રી હસીબ દ્રાબુનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરની સરકાર માટે જતા ભંડોળ અને રાજ્યના આર્થિક વિકાસ માટે વપરાતા ભંડોળમાં તફાવત છે.
ઐતિહાસિક કારણોને પગલે જમ્મુ-કાશ્મીરની સરકાર ચલાવવા કેન્દ્ર તરફથી ભંડોળ મોકલાતું રહ્યું છે પણ તેનાથી રાજ્યના અર્થતંત્રને કોઇ મોટો ટેકો નથી મળતો. દિલ્હીથી મળતાં આર્થિક પેકેજીઝનું કાશ્મીરના બહેતર અર્થતંત્રમાં યોગદાન નથી કારણ કે તે સરકારી ખર્ચા માટે આવતા નાણાં છે. આવી અનેક માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેની ખીણ આ ખીણ પ્રદેશનું સત્ય છે. ડબલ લૉકડાઉન છતાં ય કાશ્મીરમાં આતંકવાદના કિસ્સા બન્યા છે, કાશ્મીરના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ અલગાવવાદી રાજકારણીઓ અને દક્ષિણ કાશ્મીરના જુવાનો જેટલા જ આકળા છે. પાકિસ્તાને કાશ્મીરમાં અરાજકતા અને હિંસા ફેલાવવામાં કંઇ બાકી નથી રાખ્યું. આ તમામ વિષમ પરિસ્થિતિ વચ્ચે ભારતને જમ્મુ-કાશ્મીરમાં જે રાજકીય-રાષ્ટ્રીય રુચિ છે તેને લગીરેક ફાયદો નથી થઇ રહ્યો.
જમ્મુ-કાશ્મીર અંગે ન્યૂ દિલ્હીની હાલની નીતિ ભેખડો વચ્ચે ભરાયેલા પગ જેવી છે જે કશેથી નીકળવાનો નથી. 370ની કલમ હટાવી લેવાથી શાંતિ અને વિકાસ જ જમ્મુ-કાશ્મીરની વાસ્તવિકતા બની જશે એવી ખાતરી આપતી એકેય એંધાણી અત્યારે તો વર્તાતી નથી. ઑગસ્ટ 2019પહેલાં કાશ્મીરમાં જે રાજકીય સમીકરણો હતાં તે ત્રિરાશી ફરી મંડાય એવી ય કોઇ શક્યતા નથી કારણ કે એ તો ભાજપા માટે આત્મઘાતી પગલું કહેવાશે.
કાશ્મીર અંગે જાતભાતની માન્યતાઓ પ્રવર્તતતી રહી છે. કાશ્મીરની આસપાસ સતત વણાતી રહેતી વાતો, સમાચારો અને માન્યતાઓને પગલે આપણે કાશ્મીર તથા કાશ્મીરનાં લોકોને અલગ રીતે જોઇએ છીએ, નાણીએ છીએ. 370ની કલમને લઇને ભાજપા સરકારને જે ટેકો મળ્યો તેની પાછળ પણ એક માહોલ ખડો કરવાનું મિકેનિઝમ કામ કરી ગયું છે. કાશ્મીરના બાકીના ભારત સાથે એક કરવું જ રહ્યુંનો સંદેશ લોકોને ગળે ઠુંસાતો રહ્યો છે. તરફી અને વિરોધીઓની ચર્ચાઓનાં નિષ્કર્ષ તો આવતાં આવશે પણ કાશ્મીરની એક આખી પેઢીને દિશાહીનતાનો અનુભવ પણ થઇ જ શકે છે. સ્વર્ગસમું કાશ્મીર રાજકારણની ચોપાટમાં ગુંચવાયેલા રાજ્ય તરીકે ફંગોળાતું રહ્યું છે, જોઇએ જે દાવા કરાઇ રહ્યા છે તેમાં સચ્ચાઇ હોય તો તેનાં પરિણામ ક્યારે નજરે ચઢશે.