India

મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે જયશંકર-અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત: ઈરાન-અમેરિકા સંઘર્ષનો વહેલો અંત આવવો જોઈએ

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આજે બપોરે તેમની ઈરાનના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. આ વચ્ચે ભારતે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોકપુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. અહેવાલો મુજબ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ખામેનીનું મોત થયું હતું, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. વિદેશ મંત્રાલયે વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલી વચ્ચે થયેલી મુલાકાતનો ફોટોગ્રાફ પણ જાહેર કર્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ભારતે તણાવ ઘટાડવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રયાસોને મહત્વ આપવાની અપીલ કરી છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન-અમેરિકા સંઘર્ષનો વહેલો અંત આવવો જોઈએ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં રહેતા અને કામ કરતા લગભગ 1 કરોડ ભારતીયોની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાથે સાથે ભારતની વેપાર અને ઊર્જા પુરવઠાની મહત્વની શૃંખલાઓ પણ આ પ્રદેશમાંથી પસાર થાય છે, તેથી કોઈ પણ મોટા વિક્ષેપના દેશની અર્થવ્યવસ્થ પર ગંભીર અસર પડી શકે છે. તાજેતરમાં ઈરાની દળોએ હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કર્યા બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ઉપરાંત વિશ્વના મોટા ગેસ નિકાસકારોમાંથી એક કતારએનર્જીની સુવિધાઓ પર હુમલા બાદ કુદરતી ગેસના ભાવમાં પણ વધારો થયો છે. વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર ભારત તેની જરૂરિયાતનો લગભગ 85 ટકા ભાગ આયાત દ્વારા પૂર્ણ કરે છે, જેના કારણે આ પરિસ્થિતિને લઈને દેશમાં ચિંતા વધી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગલ્ફ વિસ્તારમાં લગભગ 10 મિલિયન ભારતીય નાગરિકો રહે છે અને તેમની સલામતી તથા સુખાકારી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે જ વેપારી જહાજો પર થતા હુમલાઓનો પણ ભારતે કડક વિરોધ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાઓમાં કેટલાક ભારતીય નાગરિકોના મોત થયા હોવાના અથવા તેઓ ગુમ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેને લઈને ભારતે દુઃખ વ્યક્ત કર્યું છે.

Most Popular

To Top