‘મેડમ’ને પ્રમોશન?
ગુજરાતમાં એક બાજુ કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે તો બીજી બાજુ ગાંધીનગરમાં ચર્ચા છે કે ઘણા સમય પછી રાજ્યના આરોગ્ય અને પરિવાર વિભાગના અગ્ર સચિવ જયંતી એસ.રવિની કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી બની રહ્યા છે, એમની આ નિમણૂકથી અધિકારીઓમાં ચર્ચા થઇ રહી છે કે કોરોનામાં મેડમની નિષ્ફ્ળતા ભૂલીને સરકારે એમને ઘણા સમય પછી એમની ગમતી જગ્યા પર મોકલી આપ્યા છે.મહત્ત્વનું છે કે રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં ગત વર્ષના મે મહિનામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકાર નારાજ થઈ છે તેવી વાતો થઈ હતી. તે દરમ્યાન સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધા હતા તેમ કહી શકાય. પંકજકુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો હતો. મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે. તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચૂપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હતા. જો કે હવે ગુજરાતમાં જયારે કોરોના ફરીથી માથું ઉંચકી રહયો છે, બીજા અધિકારીઓને ફરીથી મેટ્રો સીટીની જવાબદારીઓ સોંપાઈ રહી છે ત્યારે જ મેડમની બઢતી બદલીના સમાચારે ક્યાંક એમને રાહત આપી હોય એવી ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાતમાં ફરી કોરોના કોના લીધે વધ્યો?
ગુજરાતમાં એક વખત ફરીથી કોરોના વાઈરસે ઉથલો માર્યો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં સ્થિતિ દિનપ્રતિદિન વધારે ખરાબ થતી જાય છે. આ સ્થિતિમાં નગરજનોમાં એક ચર્ચા થઇ રહી છે કે કઈ રીતે ચૂંટણી પહેલાં કોરોના ઘટ્યો અને ચૂંટણી પૂરી થતાંની સાથે જ કોરોના વધી રહયો છે. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક કોરોના પણ રાજકારણી થઇ ગયો છે. ખેર, મૂળ મુદ્દાની ચર્ચા એ છે કે કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યમાં મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પગલે સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે એ વાત નક્કી. આ ચર્ચાને એટલે બળ મળે છે કેમકે જો અમદાવાદની વાત કરીએ તો, મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ 23 મી ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે સમયે શહેરમાં માત્ર 69 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જે વધીને આજે એક જ દિવસમાં 241 પર પહોંચી ગયા છે. આમ ચૂંટણી પરિણામ બાદ શહેરમાં પોઝિટિવ કેસોમાં 250 ટકાનો ઉછાળો આવ્યો છે.છેલ્લા 15 દિવસના આંકડા પર નજર નાંખીએ તો, 1 માર્ચે અમદાવાદ જિલ્લામાં 99 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. 15 દિવસ બાદ શહેરમાં 241 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 2 દર્દીઓનાં મોત થયાં છે. આ ગાળા દરમિયાન કોરોના સંક્રમિતોની સંખ્યામાં 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચર્ચા એ પણ છે કે કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યા માટે શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પણ જવાબદાર ગણી શકાય. આ સ્ટેડિયમ પર રમાયેલી બે ટેસ્ટ મેચ અને પછીની 20 T-20 મેચ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જેના કારણે પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાની શક્યતા નકારી શકાય નહીં.
ભાજપને રામ નહિ આયારામ ગયા રામ પર વધારે ભરોસો?
દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પોતાની ચરમ ઉપર છે. કોઈ પણ પાર્ટી આ ચૂંટણીને જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. ભારતીય જનતા પાર્ટી જે દેશની સત્તા પર બહુમત સાથે બિરાજમાન છે અને તે આક્રમકતાથી પ્રચાર કરી રહી છે. પરંતુ તેમના માટે રાજ્યોમાં સત્તાનો રસ્તો કઠિન દેખાઈ રહ્યો છે. એક તરફ સત્તાવિરોધી લહેર, બેરોજગારી સાથે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને કૃષિ કાયદાઓના વિરૂદ્ધ લોકોના વિરોધને લઈને સરકારને ઘેરવામાં આવી રહી છે, તો બીજી તરફ પાર્ટી હિન્દુત્વ અને બીજી પાર્ટીઓમાંથી આવેલા નેતાઓની મદદથી નૈયા પાર લગાવવાની આશ લગાવીને બેઠી છે.ચર્ચા છે કે માત્ર બંગાળ જ નહિ આસામ, કેરળ અને તામિલનાડુ પણ ભાજપે પોતાના ઉમેદવારો કરતાં બીજી પાર્ટીમાંથી આવેલા અથવા બીજી પાર્ટીમાંથી ટિકિટ ન મેળવી શકેલા ઉમેદવારો પર વધારે ભરોસો રાખ્યો છે. આ સિવાય ચર્ચા છે કે ભાજપ ચૂંટણી રાજ્યોમાં લોકોની સામે કોમીવાદ અને જયશ્રી રામ જેવા ભાવનાત્મક મુદ્દાઓને ઉછાળીને મતની પેટીઓ ભરવા માંગે છે કેમકે હાલમાં જે રીતે ખેડૂતો, પેટ્રોલ ડીઝલના ભાવો, બેકારીના મુદ્દા છવાયેલા છે એ જોતાં ભાજપના નેતાઓને કદાચ એવું લાગી રહ્યું છે કે પાંચ રાજ્યોમાં કેન્દ્રના કામના નામે મત માંગવા અને મળવા અઘરા છે.ચર્ચા છે કે ભાજપ પાર્ટીને લાગે છે કે, બંગાળમાં તે સત્તામાં રહેલી તૃણમૂલ પર ભારે પડવા જઈ રહી છે. જો કે, અન્ય રાજ્યો અસમ, કેરલ અને તમિલનાડુ ઉપરાંત પોંડુચેરીમાં તેને ગઠબંધન સહયોગીઓથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ટૂંકમાં કહીએ તો પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં ભાજપ સરકારને પોતાનાં કામો કરતાં આયારામ અને ગયારામ પર વધારે ભરોસો છે.