જમ્મુ કાશ્મીર : પોલીસને જમ્મુ કાશ્મીર (J & K)ના બારામુલ્લા (baramulla)માં મોટી સફળતા મળી છે. શનિવારે સૈન્ય સાથે પોલીસે નાર્કો ટેરર મોડ્યુલ (Narco terror module)નો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ પણ કરી છે. તેમની પાસેથી ચાર પિસ્તોલ, દસ ગ્રેનેડ, 21 લાખ રૂપિયા રોકડા, ચાર વાહનો અને 9 કિલો હેરોઇન (heroin) પણ મળી આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટમાં કાશ્મીર ઝોન પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રિકવર કરેલી હેરોઇનનું માર્કેટ વેલ્યુ 45 કરોડ રૂપિયા છે.
આ મામલે માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો નાર્કો ટેરર મોડ્યુલ ચલાવી રહ્યા છે. જેના આધારે પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. અમે નાકાબંધી કરી અને વાહનોની તલાશી લીધી હતી. આ દરમિયાન નવ કિલો હેરોઇન સહીત અનેક હથિયારો મળી આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસ અધિકારી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ વસ્તુઓની પુન :પ્રાપ્તિ સાથે, એક નાર્કો આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.” મળતી માહિતી મુજબ પોલીસે એક ટ્રક, એક કાર અને એક સ્કૂટી પણ કબજે કરી છે.
હાલમાં આતંકવાદીઓનું નામ બહાર આવ્યું નથી, અને તેઓ કોની મદદ કરતા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં આતંકવાદી ષડયંત્ર ચલાવવાની યોજના હતી. આ પહેલા ગુરુવારે શ્રીનગરના સૈદાપોરા ઇદગાહ વિસ્તારમાં આતંકીઓએ ઘરની બહાર એક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. આમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. હુમલા બાદ વધારાના સૈનિકો સ્થળ પર આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ આતંકવાદીઓનો પત્તો મળી શક્યો ન હતો.
મહત્વની વાત છે કે પોલીસને આતંકીઓના મદદગારોની સક્રિયકરણની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓના નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકીઓના મદદનીશો પાસેથી હેરોઇનના 11 પેકેટ તેમજ શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
હાલ પોલીસે એક ટ્રક, એક કાર અને એક સ્કૂટી કબજે કરી છે. પોલીસે પકડાયેલા આતંકવાદીઓના મદદગારોની પૂછપરછ હાથ ધરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ મોડ્યુલના બસ્ટને કારણે, ઘણા મહત્વપૂર્ણ રહસ્યો અને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થશે.