નવી દિલ્હી(New Delhi):વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રણેય ટોપની આઇટી કંપનીઓ (IT Company) 1.34 લાખથી વધુ લોકોની ભરતી (Recruitment) કરી ચૂકી છે. જે માત્ર એક વર્ષ પહેલાની તુલનામાં લગભગ ચાર ગણો વધારે છે. ડિસેમ્બર (December) ક્વાર્ટરમાં ટીસીએસે (TCS) 34 હજાર લોકોને હાયર કર્યા હતા. આ પહેલા એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીએ 43 હજાર લોકોની ભરતી કરી હતી. કંપની આગામી જાન્યુઆરીથી માર્ચ-2022 દરમિયાન પણ નવા લોકોની ભરતી કરવાની છે.
ભારતીય આઈટી સેક્ટર હાલમાં એક નવી સમસ્યા ગ્રેટ રજિસ્ટ્રેશનથી પરેશાન છે. ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી ટોપની આઈટી કંપનીઓ કર્મચારીઓને પોતાની સાથે જોડી રાખવામાં નિષ્ફળ રહી છે. આ કંપનીઓમાં તાજેતરમાં નોકરી છોડી જનારાઓ લોકોની સંખ્યા તેજીથી વધી રહી છે. આ કંપનીઓ તેની ભરપાઈ માટે મોટા લેવલે ફ્રેશર્સની હાયરિંગ કરી રહી છે. ત્રણેય ટોપની ભારતીય આઈટી કંપનીઓએ બુધવારે ડિસેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં કંપનીઓમાં નોકરી છોડી જનારા લોકોની વધતી સંખ્યાની જાણકારી આપી હતી. નંબર વન ભારતીય આઈટી કંપની ટીસીએસમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં નોકરી છોડનારાનો દર વધીને 15.3 ટકા પર પહોંચી ગયો છે. આ પહેલા જુલાઈ-સપ્ટેમ્બર-2021માં 11.9 ટકા હતો.
આ જ પ્રમાણે બીજા નંબરની ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસની વાત કરીએ તો અહીં સમસ્યા વધુ ગંભીર લાગે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં નોકરી છોડનાર લોકોનો દર 25.5 ટકા સુધી વધી ગયો છે. જે સપ્ટેમ્બર ક્વાર્ટર 2021માં 20.1 હતો. ઇન્ફોસિસ પણ 55 હજાર ફ્રેશરની ભરતી કરવાની છે. વિપ્રોની હાલત પણ એવી છે. ત્રીજા નંબરની વિપ્રો કંપનીમાં નોકરી છોડીને જનારા લોકોની સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 20.5 ટકા હતી. જે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 22.7 ટકા થઈ ગયો. વિપ્રો પણ 30 હજાર નવા લોકોની ભરતી કરવાની છે.