નિષ્ઠાને દરેક કામ નિષ્ઠાથી કરવાની ટેવ. પછીએ ક્ચુંબર સમારવાનું હોય કે ગાડી ચલાવવાની હોય. બેન્કનું ATM કાર્ડ વાપરવાનું હોય કે પછી પનીરબટર મસાલા બનાવવાનું હોય. દરેક એ એના નામ પ્રમાણે પરફેક્ટ કરે. એની મમ્મી જયના તો ખાસ કહે, ‘અમારી નિષ્ઠા કામ કરે તે પછી કશું જોવાપણું ન હોય. એનું કામ પરફેક્ટ જ હોય!’ નિષ્ઠાના પપ્પા એક જ્વેલરને ત્યાં નોકરી કરતા હતા. પગાર સામાન્ય અને એમાં બે બાળકો, વૃધ્ધ માતા–પિતાના ખરચ કાઢવાના એટલે હંમેશાં હાથ ખેંચમાં રહે.
નિષ્ઠાની મમ્મીએ સિવણના ક્લાસ કર્યા હતા એટલે ઘરે એ નાનુંમોટું કામ કરતા રહેતા. જેથી પરિવારની જરૂરિયાતને પહોંચી શકાય. નિષ્ઠાને નાનપણથી જ નીતનવીન કપડાં પહેરવાનો શોખ હતો. મધ્યમ વર્ગના માણસને રોજ ક્યાંથી નવા કપડાં પોસાય? એટલે એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતાં શીખી હતી. જૂના દુપટ્ટા, સાડી વગેરેમાંથી નવી ડિઝાઇનના કપડાં બનાવતી. એની મમ્મીની મદદ લઈને સુધારાવધારા કરતી. બસ ત્યારથી એને જીવનનો ગોલ મળી ગયો હતો, મોટા થઈને ડ્રેસ ડિઝાઈનર બનવું.
પણ એ માટે ફેશન ડિઝાઈનિંગ ભણવું પડે. નિષ્ઠા દિલથી મહેનત કરીને હાયર સેકેન્ડરીમાં સારા માર્કસ લાવી જેથી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય. એને ધાર્યા મુજબ એડમિશન મળ્યું પછી નિષ્ઠાએ પાછળ વળીને જોયું નથી. કોલેજના દરેક પ્રોજેક્ટમાં એને ઈનામ મળ્યાં. એના મિત્રવર્તુળ એના ડ્રેસ જોઈને એની પાસે કપડાં સિવડાવવા લાગ્યા. નિષ્ઠા ભણવાની સાથે કમાવા લાગી. જેથી ફેમિલીને પૂરો સપોર્ટ મળવા લાગ્યો. પણ એની મમ્મીને ડર હતો કે નિષ્ઠા કમાવા લાગશે એટલે પછી એને ભણવાનું ગમશે નહીં એટલે એ વારંવાર કહેતા, ‘નિષ્ઠા,પહેલાં ભણી લે…પછી કમાઈ કરજે.’ પણ એવું બન્યું નહીં. નિષ્ઠા કામ સાથે ભણવામાં પણ પાછળ રહી નહીં. એને ગ્રેડયુએશન પૂરું કર્યું એ સાથે જ એને જોબ મળી ગઈ અને પરિવારના સુખના ના..ના…એશ કરવાના દિવસો ચાલુ થયા. નિષ્ઠાનું દ્રષ્ટાંત આપીને લોકો કહેતા, ‘દીકરી હોય તો નિષ્ઠા જેવી!’
એક દિવસ નિષ્ઠા ઓફિસથી ઘરે આવતી હતી અને રસ્તામાં એક કારની ટક્કર એના સ્કૂટરને લાગી ગઈ. નિષ્ઠા તો પોતાની ટેવ મુજબ ડાબી બાજુ સ્કૂટર ચલાવતી હતી પણ સામેથી ઓડી કાર રોંગ સાઈડ આવતી હતી તેથી બન્ને વચ્ચે ટક્કર થઈ ગઈ. નિષ્ઠા એના સ્વભાવ મુજબ કદી મગજ ગુમાવે નહીં પણ હાઈફાઈ કારવાળા લોકો પોતાના સ્ટેટસનો એડવાન્ટેજ લે તે એનાથી સહન ન થયું. ‘યુ આર રોંગ સાઈડ. વાંક તમારો છે, સો પે મી ફોર માય સ્કૂટર ડેમેજ!’
પેલો માણસ કારમાં બેઠો બેઠો બોલ્યો, ‘મેડમ, તમે સામે જોવાના બદલે પાછળ જોતા હતાં! એટલે વાંક તમારો ગણાય! તમારે તો ઠીક છે 1000–2000માં સ્કૂટર રિપેર થઈ જશે. પણ મારે હજારોની અડશે.’ નિષ્ઠાને આ માણસનો અટિટ્યુડ ન ગમ્યો. એક તો ચોરી ઉપરથી સિનાજોરી! હવે એ એ લડી લેવાના મુડમાં આવી ગઈ. ‘ઓ હલો સર, મને કલ્પના ન હતી કે હું રાઈટ સાઈડ જતી હોઈશ અને કોઈ રોંગ સાઈડથી આવીને મને ટક્કર મારશે ઓકે..! ચાલો એક કામ કરીએ સામે ટ્રાફિક પોલીસ ઊભી છે તેની પાસે જઈને ન્યાય માંગીએ.’ પોલીસના નામ પર પેલાએ હથિયાર હેઠાં મૂકી દીધાં. એ રોંગ સાઈડ હતો એટલું પોલીસની નજરે પૂરતું હતું. મોટી ગાડી હોય અને કોઈ ઊંચી ઓળખાણ ન હોય એટલે પોલીસ મોટો તોડ કરે. બહેતર છે કે સમાધાન કરી લેવું. ‘આઈ એગ્રી. માય બેડ….આ મારું કાર્ડ છે, તને જે ખરચો લાગે તે હું આપી દઈશ.મને ફોન કરજો!’
પેલાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી, તેથી નિષ્ઠાએ સમાધાન કરી લીધું, સ્કૂટરમાં નાનો ગોબો પડે તો કાંઈ ઝઘડો કરવા ન બેસાય. ‘ઈટસ ઓકે….તમે ભૂલ કબૂલ કરી એટલે બસ…મારે પૈસા નથી જોઈતા. મારું નામ નિષ્ઠા છે.’ નિષ્ઠાએ પોતાની ઓળખાણ આપી. ‘હાય…આઈ એમ માનવ! નાઈસ ટુ મીટ યુ!’ ‘આ મારું કાર્ડ છે. કદીક કામ હોય તો કોન્ટેક્ટ કરજો!’ માનવ હજુ સુધી ગાડીમાંથી નીચે નહોતો ઊતર્યો. તેને નિષ્ઠાએ અભિમાન ધારી લીધું. એ ઘટનાને અઠવાડિયું વીતી ગયું. એક દિવસ સાંજે માનવનો મેસેજ આવ્યો, ‘સ્કૂટર રીપેરિંગના કેટલા થયા તે મને ખબર નથી પણ મેં ૨૦૦૦ રૂપિયા Paytm કરી દીધા છે. સોરી વન્સ અગેઈન!’ ‘ઓહ..મેં ના પાડી હતી…’ નિષ્ઠાએ રૂપિયા પાછા Paytm કરી દીધાં. આવું 2-4 વાર થયું, માનવ Paytm કરે અને સામે તરત નિષ્ઠા પાછા મોકલાવી દે. અંતે માનવે હાર સ્વીકારી લીધી. ‘પૈસા નથી લેતી તો ડિનર તો ખવડાવવા દે! સેટર ડે એઈટ ઓ કલોક બેલીફ ચાલશે?’
‘ડન…’ શનિવારની સાંજે નિષ્ઠા બેલીફ રેસ્ટોરન્ટ પર પહોંચી ત્યારે માનવ એક ટેબલ પર બેઠો હતો. શરૂઆત આડીઅવળી વાતો થઈને પછી તો બન્ને જમતાં જમતાં મિત્ર બની ગયા. ડિનર પત્યું એટલે માનવે પૂછયું, ‘તું સ્કૂટર પર આવી છે?’‘ના…મારો ભાઈ છોડી ગયો. એ મૂવી જોવા જવાનો હતો એટલે લઈ ગયો છે.’ નિષ્ઠા સમજતી હતી કે હવે માનવ શું કહેશે. ‘આઈ નો તું મને ઘરે ડ્રોપ કરી દઈશ.’ બન્ને ખડખડાટ હસી પડ્યા. માનવ ટેબલ પરથી ઊભો થયો અને ચાલ્યો ત્યારે એ સહેજ લંગડાતો હોય તેવું નિષ્ઠાને લાગ્યું. નિષ્ઠાના ઘર પાસે એણે કાર રોકી અને નિષ્ઠા ગાડીમાંથી નીચ ઊતરી એ પહેલાં માનવે કહ્યું, ‘નિષ્ઠા, આઈ નો કે ઈટસ ટુ અર્લી ટુ સે…બટ આઈ લાઈક યુ!’
નિષ્ઠા કશું બોલવા ગઈ તો માનવે એને રોકી, ‘પ્લીઝ લેટ મી ફિનિશ…!’ ‘મારો ડાબો પગ જન્મથી જ ટૂંકો હતો, કોલેજમાં આવ્યો પછી મેં ઓપરેશન કરાવીને એને લાંબો કરાવ્યો છે. પહેલાં મારે ડાબા પગના ચંપલ–બૂટને હીલ લગાવવી પડતી. ઓપરેશન કર્યા પછી મારા બન્ને પગ અલમોસ્ટ સરખા છે. 1-2 Cmનો તફાવત રહે છે એટલે કોઈ પણ કમિટમેન્ટ તું કરે તે પહેલાં જણાવી દઉં છું એટલે તને વાંધો ન હોય તો જ આપણે ડેટ કરીએ. નહીં તો મિત્ર રહીશું.’ નિષ્ઠા કશો જવાબ આપ્યા વિના જતી રહી. બીજે દિવસે એણે ઘરમાં માનવ વિશે વાત કરી તો એના મમ્મી–પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. નિષ્ઠા જેવી પરફેક્ટ છોકરીનો હસબન્ડ લંગડો કેવી રીતે હોય શકે? નિષ્ઠાએ માનવને ના પાડી દીધી. 6 મહિના પછી ફરી એક વાર એનું સ્કૂટર રોંગ સાઈડ આવતાં માનવની કાર સાથે અથડાઈ ગયું. માનવ કારમાંથી ઊતરીને નજીક આવ્યો, ‘હેય અગેઈન સોરી!’ માનવની કારમાં એક રૂપાળી છોકરી બેઠી હતી, એ તરફ જોઈને નિષ્ઠાએ પૂછયું, ‘કોણ છે?’
‘મારી વાઈફ!’
નિષ્ઠાથી નિ:સાસો નંખાઈ ગયો.