Editorial

યુવાનોમાં અચાનક હાર્ટ એટેકથી મોતની પાછળના કારણો ICMR શોધશે તો તે આશીર્વાદરૂપ બનશે

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાનોમાં અચાનક હાર્ટ એટેક આવવો કે પછી બ્રેઈન એટેક આવવો અને બાદમાં મોત થવાના કિસ્સા વધી ગયા છે. અનેક લોકો નાચતા નાચતા કે પછી ક્રિકેટ રમતી વખતે અચાનક મોતને ભેટ્યા હતા. આવા મોતમાં મોટાભાગના યુવાનો અને કેટલાક તો હજુ ઉગતી જવાનીમાં જ મોતને ભેટ્યા હતા. ગુજરાતમાં સુરતથી માંડીને રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં આવા અચાનક મોતના કેસ નોંધાયા છે. આ તો નોંધાયેલા કેસ છે પરંતુ અનેક કેસ એવા છે કે જે નોંધાયા નથી. સેલિબ્રિટીથી માંડીને અનેક લોકોના આવી રીતે અચાનક મોત થવાની ઘટનાએ આઘાતની સાથે આશ્ચર્ય ઊભું કર્યું છે. આવા મોત પાછળ કયા કારણો જવાબદાર છે તેની સત્તાવાર તપાસ હજુ સુધી કરવામાં આવી નથી. કોરોના કે તેની વેક્સિનને આના માટે જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ ખરેખર આવા મોતની પાછળ કયા પરિબળો જવાબદાર છે તે અંગે કોઈ ચોક્કસ કહી શકતું નહોતું.

મોટાભાગે યુવાનોમાં આવી રીતે થતાં મોત ચિંતાનો વિષય હતા જ અને હવે આ મુદ્દે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા રિચર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે શું કોરોનાના રસીકરણથી યુવાનોમાં અચાનક મોતનું જોખમ વધે છે કે ઘટે છે? આ રિસર્ચમાં મોત માટે વય, ગંભીર રીતે થયેલો કોરોના અને સતત કોરોનાના લક્ષણો જેવા પરિબળો છે કે કેમ?  અને આને કારણે અચાનક હાર્ટ એટેક આવે છે કે કેમ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ અભ્યાસને પગલે ખબર પડશે કે અચાનક યુવાનોના થઈ રહેલા મોત પાછળ કયું કારણ જવાબદાર છે. આઈસીએમઆર દ્વારા યુવાનોમાં તાજેતરમાં થયેલા અચાનક મોતના કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ માટે જે તે વ્યક્તિના લક્ષણોની સાથે સાથે તેના સંજોગો વિશે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

આ માટે એઈમ્સના ટોચના કાર્ડિયોલોજિસ્ટ અને ફોરેન્સિક નિષ્ણાંતોને પણ આ રિચર્સમાં જોડવામાં આવી રહ્યા છે. હાલમાં અચાનક એટેક આવવા પાછળ ખોટા કારણો પણ ફરી રહ્યા હોવાથી વાસ્તવિક કારણોની તપાસ કરવા પાછળ આ રિસર્ચનો હેતુ છે. કેટલાક લોકો તેને કોરોના અને કોરોનાની રસી સાથે જોડી રહ્યા હોવાથી રિસર્ચ કરીને સાચી હકીકતો જાણવી જરૂરી બની છે. અગાઉ જો કે, સરકારે અચાનક થઈ રહેલા આવા મોતની પાછળ કોરોના કે તેની રસી જવાબદાર હોવાના દાવાઓ ફગાવી દીધા હતા અને એવું કહ્યું હતું કે, આના કોઈ જ પુરાવા નથી. હાર્ટ એટેક ત્યારે જ આવે છે કે જ્યારે હાર્ટમાં લોહીના ભ્રમણમાં અવરોધ ઊભો થાય. અચાનક હાર્ટ એટેક આવે ત્યારે હાર્ટમાં ખામી ઊભી થાય છે અને ધબકારા બંધ થઈ જાય છે. આ કારણે કાર્ડિયાક એરેસ્ટ જેને આવ્યો હોય તેવા 10માંથી 9 લોકોના ગણતરીના સમયમાં જ મોત થઈ જાય છે. શરૂઆતમાં આવા કેસ પર કોઈનું ખાસ ધ્યાન ગયું નહોતું પરંતુ જે રીતે યુવાનોમાં અચાનક હાર્ટ એટેક આવવો અને મોત થવાના કિસ્સા વધી રહ્યા છે તેણે ગભરાટનો માહોલ સર્જી દીધો છે.

આઈસીએમઆર દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં મોતની પાછળના કારણો જે પણ બહાર આવે પરંતુ એ જરૂરી છે કે, આવી ઘટનાઓને નિવારવા માટે શું કરવું? તેનું ગાઈડન્સ જરૂરી છે. બની શકે કે કોરોના કે તેની રસી, આવી ઘટના માટે જવાબદાર નીકળે પણ ખરા પરંતુ જો ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેના માટે શું કરવું, તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે તો આગામી દિવસમાં આ રીતે થનારા મોતને ટાળી શકાય છે.આઈસીએમઆર આ રિસર્ચમાં સત્ય હકીકત અને તેનું નિવારણ શોધશે તો તે યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તે નક્કી છે.

Most Popular

To Top