અમેરિકા-ઇઝરાયલે પ્રચંડ હુમલા કર્યા છતાં હજુ ઈરાનમાં સત્તાપલટો કેમ નથી થઈ શક્યો? તે ચર્ચા હવે દુનિયાભરમાં શરુ થઇ ગઇ છે. તેનું કારણ એ છે કે ઇરાન પર હુમલો થયાના પાંત્રીસ દિવસ થઇ ગયા હોવા છતાં આ દેશ નિડરતાથી દુશ્મનોનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન પાસે હવે મિસાઇલ ક્ષમતા નથી તેના વળતા જવાબમાં ઇરાને યુએઇ, સઉદી, કતાર, બહેરીન, ઓમાન, જોર્ડન, ઇરાક સહિત 11 જેટલા દેશો પર મીસાઇલ હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાનને અમે પાષાણ યુગમાં મોકલી દઇશું તેના જવાબમાં ઇરાને કહ્યું કે, અમારી સંસ્કૃતિ તો 6000 વર્ષ જૂની છે જ તમારી સંસ્કૃતિને 200 વર્ષ જૂની જ છે.
અમે તો પાષાણ યુગ જોયો જ છે કદાચ તમારે જોવો નહીં પડે. અમેરિકા અને ઇઝરાયેલના રાજનિતિક, કુટનિતિક અને સીધા હુમલાનો વળતો જવાબ ઇરાન સાહજિકતાથી આપી રહ્યું છે. તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે, અમેરિકા અને ઇઝરાયેલ બંને જાણે હાંફી ગયા છે.\ અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હુમલા છતાં ઈરાનની સત્તાએ આંતરિક સુરક્ષા પરની તેની પકડ ઢીલી પડવા દીધી નથી. નેતાગીરી સામે જનતામાં વ્યાપક આક્રોશ પ્રવર્તતો હોવા છતાં યુદ્ધ દરમિયાન મોટા પાયે કોઈ દેખાવો થયા નથી. કેટલાક નિષ્ણાતો તેનું શ્રેય યુદ્ધ શરૂ થયું, ત્યારથી ત્યાં વ્યાપેલા દમનકારી માહોલને આપે છે.
ઈરાનના શાસકોએ ગત જાન્યુઆરીમાં સરકારવિરોધી દેખાવોને કચડી નાખ્યા પછી લોકોમાં ગભરાટ છવાયેલો છે. સરકારે ચેકપૉઇન્ટ્સ, ભારે સુરક્ષા બંદોબસ્ત અને રોજેરોજની ધરપકડો થકી નિયંત્રણ ચુસ્ત કરી દીધું છે. માનવાધિકાર કાર્યકરો અને વિરોધીઓની સાથોસાથ વિદેશી માધ્યમોને યુદ્ધને લગતા ફોટોગ્રાફ્સ અને વીડિયો પૂરા પાડનારા લોકોનેય ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. લગભગ સંપૂર્ણપણે ઇન્ટરનેટ બંધ થઈ જવાને કારણે લોકોના ભેગા થવા પર લગામ લાગી ગઈ છે.
કૉમ્યુનિકેશન, સમન્વય તથા માહિતીના પ્રવાહને નિયંત્રિત કરી દેવાતાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરનારાં નેટવર્ક્સ લગભગ ધ્વસ્ત થઈ ગયાં છે. તેની સાથે જ, સરકારતરફી લોકોને સીમિત જોડાણ પૂરૂં પાડીને સરકારનાં નેરેટિવ્ઝ ઈરાન બહાર પહોંચાડાઈ રહ્યાં છે. પરિણામ એ આવ્યું છે કે, સરકારનો વિરોધ કરવો તો જોખમી બની જ ગયો છે, પણ તેની સાથે જ ખાસ કરીને જ્યારે લોકો તેમની ખુદની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા હોય, તેવા યુદ્ધના સમયમાં લોકોને સંગઠિત કરવા અત્યંત કઠિન કાર્ય છે.
આ તમામ પ્રયુક્તિઓની સાથે, સરકાર યુદ્ધ પ્રત્યેના દૃષ્ટિકોણને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ આ સંઘર્ષને ઇસ્લામિક પ્રજાસત્તાક સામેનો નહીં, બલકે ઈરાનના સાર્વભૌમત્વ ઉપર થયેલો હુમલો ગણાવ્યો છે. આ તફાવત નોંધપાત્ર છે. સરકાર સામે નારાજગી ધરાવનારા લોકો પણ આ બાહ્ય આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રવાદી ભાવનાઓથી પ્રભાવિત થઈ શકે છે. તેને ઘણી વખત ‘રેલી-અરાઉન્ડ-ધ-ફ્લૅગ’ ઇફેક્ટ કહેવામાં આવે છે – જે જૂન, 2025માં 12 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન પણ જોવા મળી હતી. તેનાથી સરકારવિરોધી હિલચાલની સંભાવના હાલ પૂરતી ઘટી હોય, એમ લાગે છે. દેશનાં માધ્યમો નાગરિકોનાં મોતને આગળ કરીને અને પોતાના હુમલાને રક્ષણાત્મક ગણાવીને આ વર્ણનોને સતત મજબૂત કરી રહ્યાં છે. વધુમાં, સરકારતરફી સભાઓ અને પ્રદર્શનો ‘નિયંત્રણ, સ્થિરતા અને શક્તિ’ની છબિ રજૂ કરે છે.