નવી દિલ્હી: ઇન્કમ ટેક્સએ (IT) ઓડિશા (Odisha) અને ઝારખંડમાં (Jharkhand) દારૂ બનાવતી કંપનીઓમાં દરોડા (Raid) પાડ્યા હતા. જેમાં કંપનીના પરિસરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો (Case) મળી આવી હતી. આ સાથે જ હાલ ઓડિશાના બોલાંગીર અને સંબલપુર તેમજ ઝારખંડના રાંચી અને લોહરદગામાં સર્ચ (Search) ચાલી રહ્યું છે. ઇન્કમ ટેક્સ દ્વારા જપ્ત કરાયેલી ચલણી નોટોનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં છે કે નોટ ગણવાની મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
દારૂનું ઉત્પાદન કરતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના અનેક વિભાગોમાં બુધવારે ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. જેની તપાસ આજે ગુરુવારે પણ તપાસ ચાલુ જ હતા. ત્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂના સૌથી મોટા ઉત્પાદકો અને વેચાણ કરતી કંપનીઓમાંની એક બલદેવ સાહુ એન્ડ ગ્રૂપ ઓફ કંપનીઝની બોલાંગીર ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન રૂ. 200 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. રોકડનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં હતો કે નોટ ગણવાની મશીનોએ પણ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારે ગઇ કાલથી હમણા સુધી ઇન્કમ ટેક્સ વિભાગ માત્ર 50 કરોડની જ ગણતરી કરવામાં સક્ષમ રહી છે.
બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ એ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ (BDPL) ની ભાગીદારી પેઢી છે. ઓડિશામાં મુખ્યમથક ધરાવતું BDPL ગ્રુપ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. તેના અન્ય બિઝનેસ વિભાગોમાં બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ, ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ, કિશોર પ્રસાદ બિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
આ સાથે જ આવકવેરા વિભાગે બોલાંગીર નગરના સુદાપાડા અને તિતિલાગઢ નગરમાં દારૂના બે વેપારીઓના ઘરો ઉપર પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી પણ રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા બાદ ઇન્કમ ટેક્સ વિભાગ ગઈકાલે રાત્રે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બોલાંગીર શાખામાં મોટી ટ્રકમાં બેગ અને રોકડની બોરીઓ ભરીને ગણતરી માટે લાવ્યા હતા. જેને બેન્કની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.