Columns

એ…એ… ફસા!

‘પન તું પાધરો ચાય બનાઈવા કરની? જોસ જોવાનું લસણ કાંથી લેઈ આઇવો?’ ક્યારના પાન ચાવતા ચાવતા મારી અને શિંદેની જ્યોતિષ પુરાણ કથા ફિરદોસ વહાણવાળાએ શાંતિથી સાંભળી. ફિરદોસ વહાણવાળા એટલે મારા ચાના બાંકડાથી થોડે દૂર એન્ટીક વસ્તુઓની દુકાન ચલાવતા પારસી બાવા. એમની ઓળખાણ મોટા લોકો સાથે છે એવું એમની હરકતો પરથી લાગ્યા કરે છે. એ પોતે એવી કોઈ આપ વડાઈની વાત કરતાં નથી. પણ એ સિવાય એ કોઠાસૂઝવાળી વાત કરતાં હોય છે એટલે જ્યારે મારા જ્યોતિષ વિદ્યાના ગપ્પાને આમ એક અજાણ્યા યુવાને ગંભીરતાથી લઇ મને મારા ધંધાના આખા દિવસનું વળતર ચૂકવીને પણ એની ઓફિસે જ્યોતિષ જોવા લઇ જવાનો આગ્રહ રાખ્યો, ત્યારે હું મુંઝાયો કે મારે હવે શું કરવું? જવાનો તો સવાલ જ નહોતો કેમ કે હું જ્યોતિષી નથી અને ન તો હું છું એવી છાપ ઊભી કરવા માંગું છું. તો જઈને શું ફાયદો?

અને ન જઈને પણ શું નુકસાન? કાલે એ યુવાન આવે ત્યારે એને હકીકત જણાવી પીછો છોડાવી દઈશ એમ મેં નક્કી કર્યું. પણ આખી વાતના શરૂઆતથી અત્યાર સુધીના ભાગીદાર, સાક્ષીદાર અને મિત્ર એવા હવાલદાર શિંદેએ સલાહ આપી, ‘એક બાર બાવાજી કે કાન પર બાત ડાલ કે દેખે ક્યા?’
જો કે આ કોઈ સમસ્યા નહોતી કે બાવાજીની સલાહની જરૂર પડે પણ મને થયું ઘણા દિવસથી બાવાજીને મળ્યો પણ નથી એ બહાને મુલાકાત થઇ જશે. આજકાલ એમણે ચા બંધ કરી હતી એટલે મળવાનું બનતું નહીં.

આથી હું અને શિંદે સાંજે બાવાજીની દુકાને ગયા અને ગઈ રાતે કઈ રીતે શિંદે રૂપાને ઘરે જાસૂસી કરવા એની બાલ્કનીમાં અને હું ભૂલમાં કોઈ ભળતા માણસના ઘરે છુપાયેલા. આમ છુપાઈને અમે જે બાબતના સાક્ષી બન્યા, એ વાત કઈ રીતે મેં કોઈ જ્યોતિષીની ઢબે સવારે મજાકમાં રજૂ કરી. એ મજાકથી રૂપા તો ગૂંચવાઈ એ તો સમજ્યા પણ એક અજાણ્યો માણસ મને એની ઓફિસે લઇ જવા માંગતો હતો એ વાત વિસ્તારથી આ બાવાજીને કહી.
ત્યારે બાવાજીએ પૂછ્યું : ‘પન તું પાધરો ચાય બનાઈવા કરની? જોસ જોવાનું લસણ કાંથી લેઈ આઇવો?’ પછી કહ્યું, ‘કાલે એવન જાયે તને તેડવા આવે ત્યારે ખરી વાત કરી ને હાથ ઊંચા કરી દેજે. ખોટી મગજમારી સાને વાસ્તે ઊભી કરવાની?’
‘બરાબર બાવાજી, મેં પણ એમ જ નક્કી કરેલું છે.’

‘પન એ માટીડો છે કોન, તે તો કહે. જે આટલો બધો ઈમ્પ્રેસ થઈ ગયો ને તને આખા દિવસનો ગલ્લો આપીને બી લેઈ જવા માંગે છે?’
‘હું પણ નથી ઓળખતો એ ભાઈને.’
ત્યારે શિંદેએ યાદ અપાવ્યું, ‘અરે કાર્ડ દિલા આહે કી ત્યાને? દાખવ બાવાજી લા?’
મને યાદ આવ્યું. મેં ખીસા ફંફોસ્યા અને કાર્ડ શોધ્યું. કાર્ડ લેતાં બાવાજીએ કહ્યું, ‘લાવ જોમ?’
કાર્ડ જોઈ બાવાજીનો ચહેરો ગંભીર થઇ ગયો.

‘પોયરા, મસ્ત ભેરવાઈ ગેલો છે તું. આ કાર્ડ જોયું?’
મેં કાર્ડ પાછું લઇ નામ વાંચ્યું : ‘જીવરાજાણી ગ્રુપ ઓફ કંપની.’
મેં બાવાજી સામે જોયું.
‘આ બહુ મોટી પાર્ટી છે’ બાવાજીએ કહ્યું.
મેં જવાબ આપ્યો, ‘હા, છાપામાં ઘણી વાર નામ વાંચ્યું છે પણ મારે શું ટેન્શન? મારે ક્યાં એ લોકોને મળીને કંઈ કહેવાનું કે સાબિત કરવાનું છે. મારે તો કાલે આવેલા એ ભાઈને કહી દેવાનું છે કે આખી વાત એક મજાક હતી.’

‘તું સમજ્યો નહીં’ બાવાજીએ બીજું પાન ગલોફામાં મૂકતા કહ્યું, ‘આ બહુ મોટા લોકો છે. ગવર્મેન્ટ કોઈ પણ પાર્ટીની હોય, આ લોકો ગવર્મેન્ટની ગુડબુકમાં જ હોય. નેશનલ લેવલનું કોઈ બી બિઝનેસ ડીસીઝન ગવર્મેન્ટ લે તેના 24 કલાક પહેલાં જે લોકોને ખબર પડી જાય, તેમાં આ લોકોનું નામ છે.’
‘તો?’ મને સમજાયું નહીં કે બાવાજી આટલા ગંભીર કેમ થઇ ગયા અને મને શું કહેવા માંગે છે?
‘બોલે તો અભી ઇસને ક્યા કરને કા?’ શિંદેએ બાવાજીના ગંભીર ટોનથી ટેન્સ થઇ પૂછ્યું.

‘અબી તુમને ઔર ઇસને આપસમેં માથા ભટકાને કા. કિસને બોલા થા એસા મ્હોમાથા બગેર કા ટાંટિયા ખેંચને કા?’
શિંદેને બાવાજીની વાત ન સમજાઈ પણ ભાવ સમજાઈ ગયો કે કશોક બફાટ થઇ ગયો છે.
‘મૈ ક્યા બોલતા હૈ બાવાજી…’ શિંદેએ નમ્ર સ્વરમાં કહ્યું, ‘કલ યે વો આદમી કો બોલ દેગા કી યે હમ લોગ કા આપસ મેં મજાક ચલ રહ થા…’

‘અરે શિંદેસાહેબ, તે એવઢ સરળ નાહીં હો!’ બાવાજીએ મરાઠીમાં કહ્યું અને મને જોઈ આગળ બોલ્યા, ‘મોટા લોકોની બધી વાત મોટી જ હોય. એ લોકોની મજાક બી મોટી હોય. શંકા બી મોટી હોય. બીક પણ મોટી હોય કેમ કે એ લોકોના બધી વાતમાં સ્ટેક બો મોટા હોય.’
મને હજી ગડ નહોતી પડતી કે મારે શું કરવાનું છે.
બાવાજી બોલ્યા, ‘હવે કાલે એ માણસ ને તું કહી દે કે મારે નથી આવવું, મને કંઈ વિદ્યા નથી આવડતી તો એ ની માનશે કેમ કે અત્તર ઘડી સુધીમાં કેટલા મોબાઈલ નંબર જોડતા જોડતા મચેડાઈ ગીયા હોસે કે કાલે એક જોશીડો આવવાનો છે. કાલે તો એ જીવરાજાણી ગ્રુપ ઓફ કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ થઇ જશે અને બધા તારી રાહ જોતા હોશે.’

આ બધું સાંભળી મને પરસેવો છૂટી ગયો.
બાવાજી બોલ્યા, ‘દીકરા તું તો એવો સપડાયો કે જે બોલ્યો એ ગળી બી ની શકે ને થૂંકી બી ની શકે. જ્યોતિષીનો જ પન તને આવડતો નથી અને તને નથી આવડતું એ વાત એ લોકો હવે માનવાના નથી. એ લોકોનું જો ફટક્યું તો આ શહેરમાં તારા રહેવાના ફાંફાં થઇ જશે.’
બાવાજીની આગાહી સાંભળી હું સડક થઇ ગયો. એક નાનકડી મજાકના આટલા ગંભીર પરિણામ? શિંદે પણ આ સાંભળી ગુમસુમ થઇ ગયો.
‘કલાક પછી આવ મને કંઈ સોચવા દે. જા.’ બાવાજીએ વિચારમગ્ન ચહેરા સાથે કહ્યું.


ગ્રાહકોને ચા આપીને પછી મેં મોં લટકાવીને બેઠેલા શિંદેને એક કટિંગ ચા આપી કહ્યું, ‘અરે ક્યા મેરે ચૌથે પર આયા હૈ એસા મુંહ બનાકે બૈઠા હૈ?’
‘અરે પણ શહેર છોડના પડેગા… બોલે તો લઈ ઝાલા રે બાબા…’
‘જ્યાદા સોચ મત. જો હોગા વો દેખા જાયેગા.’ મેં મક્કમ ચહેરે કહ્યું. પણ અંદરથી હું પણ હલી ગયો હતો. બાવાજી કશુંક ગંભીરતાથી કહે તો એમાં કંઇક હશે જ. રૂપાની મજાક ઉડાવવા જતા મારા બાર વાગી ગયા હતા. આમ મારા વિચારોમાં હું ખોવાયેલો હતો ત્યારે અચાનક ‘આ હું દહાડામાં આવેલા ઓય એમ બેઉ બેઠેલા છે?’ એવો રૂપાનો સવાલ સંભળાયો. શિંદે અને મેં સાથે જ ચમકીને રૂપા સામે જોયું.


‘પૂરી બે મિનિટ થી ઉં અયેં ઊભી ઊભી થાકી ગેઇ પણ તમે બેઉ તો વહાણ ડુબાડી બેઠેલા ઓય એમ ઊંચું મોઢું કરીને જોવે હો ની!’
મેં અર્થ વગરનું સ્મિત કરતા કહ્યું. ‘એવું કંઈ નથી.’
શિંદેએ મને પૂછ્યું, ‘કાય મ્હટલં તીને ?’
‘મૈને બોલા થા વો હી…મૈને ચૌથા બોલા ઉસને દહાડા બોલા. મતલબ સેમ.’
‘તુમ દોનો કા તો સબ બાત સેમ હી હોતા હૈ, પર ફિર ભી દોનો આપસ મેં સાફ બાત નહિ કરતે.’ શિંદેએ કહ્યું.
મેં અકળાઈને કહ્યું, ‘અબી એસી બાત કરને કા મૌકા હૈ ક્યા? કભી ભી કુછ ભી બોલતા હૈ?’
ત્યાં રૂપા ચિઢાઈને બોલી, ‘એ હું તમે અંદરોઅંદર હિન્દી મરાઠીમાં બોઈલા કરે?’’

મેં કહ્યું, ‘સોરી. બોલો બોલો શું સેવા કરું? ચા?’
‘ચા તો ઠીક અવે, તમે આપે તો પી હો લેયે વરી. પણ ઉ ચા હારુ ની આવેલી. એક વાતની ચોખવટ કરવાની ઉતી.’
શિંદેના કાન સરવા થયા. એ ભાષા ભલે ન સમજે પણ બોલાય એનો ભાવ સમજી જતો. રૂપા કોઈ ચોખવટ કરવા માંગે છે. એટલું સાંભળી ખબર નહીં એણે શું શું તુક્કા લગાવી નાખ્યા હશે.
મેં રૂપાને કહ્યું, ‘હા હા બોલો…’
‘ગેઇ રાતની જે વાત તમે કરી…’

‘ના.’ મેં મક્કમ ચહેરે કહ્યું, ‘રૂપા આપણે એ વિષે કોઈ વાત નહીં કરીએ.’
મારી વાત સાંભળી રૂપા અને શિંદે બન્ને નવાઈ પામ્યા. મેં કહ્યું, ‘ભૂલ મારી છે. મારે આમ હાથ જોવો જ ન જોઈએ. તમે જાણતા નહોતા કે મને શું આવડે છે અને શું નહીં? પણ હું તો જાણતો હતો! મારી જવાબદારી બને ને?’
રૂપા ગુંચવાઈને બોલી, ‘હાની જવાબદારી?’
‘વિદ્યા પ્રત્યેની જવાબદારી. તમે હાથ બતાવ્યો. મેં હાથ જોયો. કંઇક કહ્યું. ઠીક. તમે હાથ દેખાડ્યો એ હું ભૂલી જાઉં અને મેં કહ્યું એ તમે ભૂલી જાઓ. એ અંગે હવે કોઈ વાત નહીં સોરી.’

‘પણ ઉ કે’તી ઉતી કે..’
‘પ્લીઝ.’ મેં કહ્યું. રૂપા બોલી, ‘ઠીક ત્યારે’ અને ચાલી ગઈ.
શિંદેએ પૂછ્યું, ‘ક્યોં ઉસે બોલને નહીં દિયા?’
મેં કહ્યું, ‘છોડ ના યાર, કલ ક્યા કરના હૈ યે સોચને દો.’ શિંદેએ સહમતિમાં માથું ધુણાવ્યું. -આ જીવરાજાણીએ તો જીવ અટકાવી નાખ્યો.
હવે કાલે શું થશે?

Most Popular

To Top