સરકારનો એકપણ કાયદો એવો નથી કે જેમાં છીંડા નથી. જ્યારે પણ નવો કાયદો આવે કે તુરંત તેમાંથી ગેરલાભ લેનારાઓ પોતાની તૈયારીઓ કરી જ લે છે. ભૂતકાળના સર્વિસ ટેક્સની જગ્યાએ સરકાર દ્વારા જીએસટીનો કાયદો લાવવામાં આવ્યો. તેની પાછળ એવી ગણતરી હતી કે કરચોરી કરનારાઓને પકડી શકાય અને સરકારને મોટી કરની આવક થાય. સરકારનો આ હેતુ પૈકી આવકનો આંશિક હેતુ સાકાર થયો છે પરંતુ કરચોરીને અટકાવી શકાય નથી.
વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓની નોંધણી કરાવવામાં આવી રહી છે અને તેના માધ્યમથી કરોડો રૂપિયાની કરચોરી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જીએસટી વિભાગ દ્વારા આવી નકલી પેઢીઓને શોધવાની ઝુંબેશ ચલાવવામાં આવી તો 10700 જેટલી નકલી નોંધણીઓ મળી આવી. આ નકલી નોંધણીનો આધાર લઈને 10 હજાર કરોડ કરતાં પણ વધુની કરચોરી કરવામાં આવી છે.
ગત 2023માં બનાવટી નોંધણી સામે પ્રથમ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16મી મેથી શરૂ કરીને 15મી જુલાઈની વચ્ચે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં જીએસટી રજિસ્ટ્રેશન હોય પરંતુ અસ્તિત્વ જ નહીં હોય તેવા 21791 એકમો મળી આવ્યા હતા અને આ પ્રથમ સ્પેશિયલ ઓપરેશનમાં 24 હજાર કરોડની કરચોરી પણ પકડી પાડવામાં આવી હતી. આ કારણે જીએસટી વિભાગ દ્વારા 1.12 લાખ નોટીસ પણ આવા એકમોને આપવામાં આવી હતી. સાથે સાથે 2994 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ પણ અટકાવી દેવામાં આવી છે.
તાજેતરમાં 16 ઓગષ્ટથી ફરી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 67970 જેટલા જીએસટીના નંબરોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જેમાંથી 39965 જેટલા નંબરોની ચકાસણી પુરી થઈ ગઈ છે. જેમાં 27 ટકા સંસ્થાઓ એવી મળી આવી છે કે જેનું અસ્તિત્વ જ નથી. જેમાં 28 કરોડની કરચોરીની વસૂલાત પણ કરી લેવામાં આવી છે. જીએસટીમાં થતી આ કરચોરી અને બોગસ નોંધણીઓને કારણે હવે જીએસટી વિભાગે નોંધણી સમયે આધારકાર્ડની સાથે તેને પ્રમાણિત કરવાનો નિર્ણય કર્યો છે. હામલાં 12 રાજ્યોમાં આ રીતે ચાલી રહ્યું છે. 4 ઓકટોબર સુધીમાં અન્ય 4 રાજ્યોને પણ તેમાં સમાવી લેવામાં આવશે.
કરચોરીને કારણે ભવિષ્યમાં કેટલાક નિયંત્રણો પણ જીએસટીના રજિસ્ટ્રેશન પર દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં એક મહિનામાં કેટલા બિલ જારી કરી શકાય તેનો પણ સમાવેશ થાય તેમ છે. સિસ્ટમના દુરૂપયોગને રોકવા માટે આગામી દિવસોમાં અનેક નવા આયોજનો જીએસટીના નોંધણીમાં કરવામાં આવશે. જોકે, એક વાત એ પણ ચોક્કસ છે કે, જ્યારે કાયદો બનાવવામાં આવે ત્યારે જ તેનો પૂરતો અભ્યાસ થવો જોઈએ. જ્યારે કરોડો રૂપિયાની ચોરી થઈ જાય ત્યારે સરકારી તંત્ર દ્વારા તેને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.
જ્યારે આધારકાર્ડને લિન્ક કરવાની કે તેના દ્વારા પ્રમાણિત કરવાની જોગવાઈ મોટાભાગની નોંધણીમાં કરાઈ રહી છે ત્યારે પહેલેથી જ જીએસટી નંબરની સાથે આધારકાર્ડને કેમ પ્રમાણિત કરવામાં આવ્યો નથી? શું સરકારી અધિકારીઓને એટલો પણ આઈડિયા નથી કે આ રીતે ચોરી થઈ શકે? હવે જાગ્યા ત્યાંથી સવારની જેમ સરકાર જીએસટીનો કાયદો એવો ફુલપ્રુફ બનાવે કે જેથી તેમાં કોઈજ પ્રકારની કરચોરીને અવકાશ નહીં રહે. નહીં તો લેભાગુઓ લાભ લેતા જ રહેશે અને પ્રમાણિક વેપારીઓ દંડાતા રહેશે તે નક્કી છે.