માંડવી: કોરોના કાળ (CORONA PANDEMIC)માં ઉદ્યોગ-ધંધાને ગંભીર અસર થઈ છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો (FARMERS)એ આર્થિક પાઈમાલ વેઠવાની નોબત આવી છે. ખાસ કરીને શાકભાજી-ડાંગર (VEGETABLE-RICE) પકવતા ખેડૂતોએ ઊંચી મજૂરીના કારણે આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળુ ડાંગરની કાપણી ચાલી રહી છે. ત્યારે માંડવીમાં વર્ષોથી ચાલી ઉધ્ધર મજૂરીના દરના કારણે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થઈ છે.
આધુનિક ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવો દાવો કરવામાં આવે છે. પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ મોંઘીદાટ ખેતીના કારણે આર્થિક સ્થિતિ કફોડી બને છે. ખાતર, બિયારણ, પાણી, ડીઝલ, લાઈટ બિલ વગેરેનો ખર્ચના ભાવોમાં સતત વધારો નોંધાતો રહે છે. જેથી ખેડૂતો આર્થિક બોજ પણ સરભર કરી શકતા નથી. બે પાંદડે થવા માટે ખેડૂત ત્રણેય ઋતુમાં પાક લેવા પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આર્થિક સંજોગો અને વિપરીત વાતાવરણ હવે ખેડૂતની સાથે રહે એવું નથી. ઘણીવાર માવઠાને કારણે અથવા જીવાતોના લીધે ખેડૂતોએ ભારે ભરખમ ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે હવે ઉનાળુ ડાંગરનો પાક લેતા ખેડૂતોનો જીવ પણ અધ્ધર રહે છે.
હાલ ચોમાસું માથે છે. માંડવી પંથકમાં ડાંગરની કાપણી પૂરજોશમાં થઈ ગઈ છે. માંડવી તાલુકાનાં ગામડાંમાં કોરોના જેવી ભયંકર બીમારીમાં મજૂરો સંક્રમિત થયા છે. ત્યારે મજૂરની અછત હોવાથી મજૂરીના ભાવ પણ ઊંચા કરી દીધા છે. હાલ ડાંગર કપાણીનો ભાવ એક મજૂર દીઠ કાપણી-બાંધણીનો ભાવ રૂ.150થી રૂ.200 જેટલો લઈ રહ્યા છે. ઉપરાંત મજૂરો ખેતરમાં આવીને વધારે બેથી ત્રણ મજૂરની માંગણી કરતા હોય છે. પહેલાં 100થી 120 મજૂરી હતી. તેમાં પણ હવે 30થી 50 રૂપિયા જેટલો વધારો થઈ રહ્યો છે. જેથી નાના ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. જ્યારે મોટા ખાતેદારો મશીન દ્વારા કાપણી કરાવે છે. આ અસમાનતાને કારણે ખેડૂતોએ ખેતી કઈ રીતે કરવી એ યક્ષ પ્રશ્ન છે.
ડાંગર પકવતા ખેડૂતોને મજૂરી વધુ આપવી પડે છે : રાજેશ પટેલ
માંડવીના ગામતળાવ બુજરંગ ગામના અગ્રણી ખેડૂત રાજેશ બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગરની કાપણી ચાલી રહી છે. પરંતુ મજૂરી વધુ ચૂકવવી પડે છે. એક તરફ ડીઝલ, લાઈટ બિલ, ખાતર વગેરેના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. જેથી ખેડૂતની પરિસ્થિતિ વિકટ છે.