Editorial

દેશમાં હજી પણ મહિલાઓ માટે આવી અપમાનજનક માન્યતા પ્રવર્તે છે તે આઘાતજનક બાબત

અંધશ્રદ્ધા એ આમ તો જોવા જાવ તો દુનિયાભરની સમસ્યા છે છતાં વિકસીત દેશોમાં આ સમસ્યા ઘણી ઓછી થઇ ગયેલી જણાય છે. પરંતુ ત્રીજા વિશ્વના ગરીબ દેશો, ખાસ કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા ખંડના દેશોમાં વિવિધ પ્રકારની અંધશ્રદ્ધાઓનું પ્રમાણ હજી પણ નોંધપાત્ર છે. વિશ્વમાં કદાચ સૌથી વધુ અંધશ્રદ્ધાથી આજે પણ ખદબદતા દેશો કેટલાક અતિપછાત આફ્રિકન દેશો છે. એશિયન દેશોમાં ભારત, પાકિસ્તાન, નેપાળ જેવા દેશોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ હજી પણ નોંધપાત્ર છે.

અંધશ્રદ્ધા અમુક પ્રકારના અપશુકનમાં માનવા પુરતી મર્યાદિત હોય, જેમ કે રસ્તામાં બિલાડી આડી આવે તો થોડો સમય રોકાઇ જવું વગેરે, તો ત્યાં સુધી ઠીક છે પરંતુ આ જ અંધશ્રદ્ધા કોઇનો જીવ લેવા સુધી જાય કે આત્મહત્યા કરાવવા સુધી જાય તો ઘણી ગંભીર બાબત કહેવાય. અને કોઇ ખાસ વ્યક્તિ કે સમુદાયનું અપમાન કરવા સુધી જતી અંધશ્રદ્ધા પણ ખૂબ વખોડવાલાયક છે. આપણા પૂર્વના એક પછાત રાજ્ય ઓડિશામાં આવી જ એક અંધશ્રદ્ધા પ્રવર્તતી હોવાનું બહાર આવ્યું છે અને તે અંધશ્રદ્ધા મહિલાઓ પ્રત્યે ખૂબ અપમાનજનક છે. ઓડિશામાં હજી પણ કેટલાક લોકો એમ માને છે કે જો સ્ત્રી વાહનમાં પહેલા પ્રવેશે તો તે વાહનને અપશુકન નડે છે.

ઓડિશામાંથી બહાર આવેલી એક આઘાત જનક માહિતી સૂચવે છે કે ત્યાં ખાલી બસમાં હજી પણ સૌપહેલા ચડનાર મુસાફર તરીકે કોઇ પણ મહિલાને ઘણા બસ-કન્ડકટરો પ્રવેશ આપતા નથી. કોઇ પુરુષ મુસાફર પહેલા ચડી જાય પછી જ મહિલાને બસમાં પ્રવેશ આપવામાં આવે છે! અને આ ભેદભાવભરી અંધશ્રદ્ધાનો અંત લાવવા માટે તે રાજ્યના મહિલા પંચે ખાસ આદેશ જારી કરવો પડ્યો છે. ઓડિશા રાજ્ય મહિલા પંચ દ્વારા રાજ્યના પરિવહન વિભાગને આદેશ કરવામાં આવ્યો છે કે કોઇ બસમાં મહિલા પ્રવાસી સૌપહેલા બેસવા માટે આવે તો તેને અટકાવવામાં નહીં આવે તેવો આદેશ ડ્રાઇવર-કન્ડકટરો માટે જારી કરવામાં આવે. મહિલા પંચે એ નિરિક્ષણ કર્યું હતું કે એવી બિનતાર્કિક અને ભેદભાવભરી માન્યતા પ્રવર્તે છે કે જો કોઇ બસમાં પહેલા યાત્રી તરીકે કોઇ મહિલા દાખલ થાય તો તે બસને અકસ્માત નડી શકે છે અથવા તો દિવસ દરમ્યાન આ બસને સારી કમાણી નહીં થઇ શકે!

આવી માન્યતાને કારણે કોઇ પણ મહિલાને કેટલાક કન્ડકટરો પ્રથમ મુસાફર તરીકે બસમાં દાખલ થવા દે તા નથી અને કોઇ પુરુષ મુસાફર આવે તેની રાહ જુએ છે! કોઇ પુરુષ પહેલા બસમાં દાખલ થઇ જાય તે પછી જ મહિલાને બસમાં દાખલ થવા દેવામાં આવે છે. સમાજીક કાર્યકર ઘાસીરામ પાંડાએ હાલમાં ભુવનેશ્વરના એક બસ સ્ટેન્ડ પર એક મહિલાને આ રીતે અટકાવાતી જોયા બાદ મહિલા પંચને અરજી કરી હતી અને તેના પછી મહિલા પંચે આ બાબતે પરિવહન વિભાગને આદેશ જારી કર્યો છે. આજે ભારતના સર્વક્ષેત્રીય વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્યારે ભારતના જ એક રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આવી અંધશ્રદ્ધા પ્રવર્તતી હોય અને તેને લઇને મહિલાઓ સાથે આવું અપમાનજનક વર્તન થતું હોય અને આ બધું રોકવા માટે મહિલા પંચે એક સરકારી વિભાગને આદેશ જારી કરવો પડતો હોય તે કેટલી શરમ જનક બાબત છે.

આપણે આગળ જોયું તેમ અંધશ્રદ્ધા જાહેર સમાજ માટે બહુ હાનિકારક કે અડચણકારક નહીં હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ કોઇની હત્યા કે આત્મહત્યા કરાવવા સુધી અંધશ્રદ્ધા જાય કે અંધશ્રદ્ધાને કારણે કોઇના પર ભયંકર અત્યાચાર કે જુલમ થાય તે ગંભીર બાબત છે. આપણે જોઇએ છીએ કે વળગાડના નામે કેટલાક ભૂવાઓ માનસિક દર્દીઓને ખરાબ રીતે મારઝૂડ કરતા હોય છે, કેટલીક દરગાહો પર પણ માનસિક દર્દીઓ પર આવા અત્યાચાર થાય છે. બલિના નામે ક્યાંક માસૂમ બાળકો કે પુખ્તોની હત્યાની ઘટનાઓ પણ હજી બની જાય છે. કમળપૂજાના નામે સૌરાષ્ટ્રમાં હાલ થોડા મહિના પહેલા જ આત્મહત્યાની ઘટના બની હતી. આ બધુ કાયદા અને સામાજીક જાગૃતિ વડે સત્વરે અટકાવવા સરકારે સક્રિય થવું જોઇએ.

Most Popular

To Top