વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધમાં ક્રુડ ઓઈલના ભાવો ભડકે બળી રહ્યા છે. એક તરફ ક્રુડ ઓઈલની સપ્લાય પણ ઘટી છે અને સાથે સાથે તેનો ભાવ વધી જતાં પેટ્રોલિયમ પેદાશો પર બેવડો માર પડી રહ્યો છે. હજુ એક દિવસ પહેલા જ નાયરા કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. અન્ય પેટ્રોલિયમ કંપની પણ ગમે ત્યારે ભાવ વધારો કરી શકે તેમ હતી.
જેને કારણે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. સરકારે દેખીતી રીતે એવું કારણ આપ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે નહીં તે માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે પરંતુ પડદા પાછળનું સત્ય એ છે કે હાલમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. ચૂંટણી પતી જાય પછી જો યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થાય તો નવાઈ નહીં હોય.
કેન્દ્ર સરકારે જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે તેમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા હતી, જે હવે ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઘટાડેલી એક્સાઈઝ ડ્યુટીને કારણે તેલ કંપનીઓ અને સામાન્ય લોકોને રાહત મળી છે. હાલમાં ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે, ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70થી વધીને $100થી વધુ થઈ ગયા છે.
આનાથી તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. સરકારે એક્સાઈઝ ડ્યુટી ભલે ઘટાડી પરંતુ ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો નહીં થાય તેવી કોઈ ગેરન્ટી નથી. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી તેલ કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમત અને તેમના નફાના આધારે ભાવ નક્કી કરે છે. તેથી કંપનીઓ આ છૂટનો ઉપયોગ તેમના અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે કરશે.
તેલ કંપનીઓ દ્વારા એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે હાલમાં કંપનીઓ પેટ્રોલ પર 24 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 30 રૂપિયા પ્રતિ લિટરનું નુકસાન સહન કરી રહી છે. નાયરા એનર્જી કંપનીએ પેટ્રોલમાં પાંચ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટર ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે ભોપાલમાં તો નાયરાના પેટ્રોલનો ભાવ 111.72 રૂપિયા અને ડીઝલ 94.88 રૂપિયા પર પહોંચી ગયું છે. જો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધે અને સપ્લાય ચેઇન ખોરવાય, તો ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઉપર જઈ શકે છે. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ રાજ્યો દ્વારા વેટમાં પણ ઘટાડો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી. રાજ્ય સરકારો વેટ ઘટાડવાના મૂડમાં પણ નથી.
વિશ્વની સ્થિતિ જોતાં ભલે હાલમાં કેન્દ્ર સરકારે ચૂંટણીને કારણે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને મામલો સાચવી લીધો હોય પરંતુ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની ચૂંટણી પુર્ણ થયાં પછી પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થાય તેવી પુરી સંભાવના છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી તે હરખાવા જેવો મુદ્દો નથી. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થવાની લોકો પર તોળાયેલી જ છે તે નક્કી છે.