Business

કંપનીનાં સરવૈયાના અભ્યાસ વગર શેરબજારમાં રોકાણ કરવું યુવાઓ માટે હિતકારક નથી

અમદાવાદ : દેશમાં શેરબજારમાં લોકોનો રસ ઝડપથી વધી રહ્યો છે. શેરબજારોમાં લોકોની વધતી જતી રુચિને કારણે માર્કેટમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા ૧૧ કરોડની નજીક પહોંચી ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪માં આ સંખ્યા લગભગ ૧૦ કરોડ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ૯ કરોડ હતી. માહિતી અનુસાર, નવેમ્બરના અંતમાં દેશના સૌથી મોટા એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની કુલ સંખ્યા (યુનિક પાન નંબર) ૧૦.૭ કરોડ હતી. એકલા મહારાષ્ટ્રમાં ૧૬.૫ ટકા (૧.૭૭ કરોડ) નોંધાયેલા રોકાણકારો છે. જોકે, માર્ચ ૨૦૧૫માં તેનો હિસ્સો ઘટયો છે. જો સમગ્ર રાજ્યમાં રોકાણકારોનું મોટા પાયે વિતરણ સૂચવે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ એકમાત્ર બીજું રાજ્ય છે જેમાં એક કરોડથી વધુ નોંધાયેલા રોકાણકારો છે. છેલ્લા કેટલાક મહિનામાં તે નવા રોકાણકાર નોંધણી ચાર્ટમાં પણ આગળ છે.

આ ઉપરાંત યુવા રોકાણકારો પણ બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે. જો વયની દ્રષ્ટિએ જોવામાં આવે તો, કુલ નોંધાયેલા રોકાણકારોમાં, ૩૦ વર્ષથી નીચેના રોકાણકારોના આધારમાં લોકોનો હિસ્સો ૪૦ ટકા છે. માર્ચ ૨૦૧૯માં તે માત્ર ૨૨.૬ ટકા હતો. માહિતી અનુસાર, માર્ચ ૨૦૨૨ના અંતે મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૨.૭ ટકાથી વધીને ૨૪ ટકા થવા સાથે લિંગ સમાવિષ્ટતામાં સતત સુધારો થઈ રહ્યો છે. ગોવા, ચંદીગઢ અને મિઝોરમમાં મહિલા રોકાણકારોનો કુલ હિસ્સો ૩૦ ટકાથી વધુ છે. યુવાઓ રોકાણ કરે તે સારી બાબત છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જે યુવાનોએ શેરબજારમાં રોકાણ શરૂ કર્યું છે તેમણે મોટાભાગે તેજી જોઇ છે અને શેરબજારને ચઢતુ જ જોયું છે.

મોટી કે આકરી મંદી જોઇ નથી આ ઉપરાંત મોટાભાગના રોકાણકારો એક્સપર્ટની સલાહ અથવા તો કંપનીના સરવૈયાનો અભ્યાસ કર્યા વગર રોકાણ કરે છે. એકબીજાએ કરેલા રોકાણ અને તેમાં મળેલા નફાની વાતો સાંભળીને જેતે કંપનીમાં રોકાણ કરી દે છે. જો કે આ બાબત સારી નથી. એટલા માટે જ ૨૦૨૫માં ભારતીય શેરબજારમાં અર્થપૂર્ણ કરેકશનની આર્થિક સર્વેમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને યુવા રોકાણકારો માટે તે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ૨૦૨૫માં ભારતીય શેરબજારમાં અર્થપૂર્ણ કરેકશન આવવાની શકયતા રહેલી છે. ઊંચા મૂલ્યાંકનો તથા અમેરિકામાં આશાવાદી માનસને જોતા ભારતીય બજારમાં અર્થપૂર્ણ કરેકશન જોવા મળવાની શકયતા છે.

જો આવું કરેકશન આવશે તો તેની પરિણામસ્વરૂપ અસર જોવા મળશે ખાસ કરીને જ્યારે ભારતીય શેરબજારમાં યુવાનોનો સહભાગ વધી ગયો છે ત્યારે. યુવાવર્ગ શેરબજાર માટે પ્રમાણમાં નવા રિટેલ રોકાણકારો હોય છે એમ આર્થિક સર્વેમાં નોંધવામાં આવ્યું છે. આવા રોકાણકારોમાંથી અસંખ્ય રોકાણકારો એવા છે જે કોરોનાની મહામારી બાદ શેરબજારમાં પ્રવેશ્યા છે અને તેમણે હજુ લાંબી મંદીનો અનુભવ કર્યો નથી. ભારતનું ઈક્વિટી બજાર અમેરિકાની બજાર સાથે સુસંગતતા ધરાવે છે. ભૂતકાળમાં અનેક વેળા નિફટી૫૦ ઈન્ડેકસે એસએન્ડપી ૫૦૦ સાથે સુસંગતતા દર્શાવી છે.

દરમિયાન ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) તથા વેન્ચર કેપિટલ (વીસી)કંપનીઓએ શેરબજાર મારફત ૧૯.૫૦ અબજ ડોલરનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું. પાછી ખેંચાયેલી આ રકમ ૨૦૨૩ની સરખામણીએ ૬.૬૦ ટકા વધુ હોવાનું આર્થિક સર્વેમાં જણાવાયું હતું. ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં પીઈ/વીસી કંપનીઓએ શેરબજારમાં ઈક્વિટીના વેચાણ મારફત ૧૮.૩૦ અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. વેપારમાં વિસ્તરણ કરવા અને બેઠા થવા પીઈ/વીસી ખાનગી કંપનીઓને ભંડોળ પૂરા પાડે છે અને તબક્કાવાર રીતે આ રોકાણ પાછા ખેંચી લેતા હોય છે. સંબંધિત કંપની જ્યારે પોતાના શેરનું શેરબજારમાં જાહેર ભરણું લાવે છે તેવા સમયે આ રોકાણકારો પોતાની પાસેની કંપનીની ઈક્વિટીસનું વેચાણ કરી નાખે છે અને નોંધપાત્ર વળતર મેળવે છે.

જો કે, આ તો કંપનીની વાત છે. જો શેરબજારના માંધાતાઓની વાત માનીએ તો આ એવું બજાર છે કે જેમાં લાંબાગાળાનું રોકાણ જ સારામાં સારુ વળતર આપે છે. ટૂંકાગાળાના ટ્રેડિંગ માટે ખરીદેલા શેર્સ દર વખતે ફાયદો આપી જતાં નથી. આ ઉપરાંત યુવા રોકાણકારો ટારગેટ નક્કી કરતાં નથી. જે રોકાણકારો વર્ષોથી શેરબજાર સાથે સંકળાયેલા છે તેઓ ચોક્કસ ટારગેટ નક્કી કરે છે અને આ શેર તે લેવલ ઉપર પહોંચે ત્યારે જ તેનું વેચાણ કરે છે. જે હંમેશા તેમના માટે ફાયદાકાર રહે છે પરંતુ યુવા રોકાણકારો લાંબાગાળાનું રોકાણ કરી શકતા નથી એટલું  જ નહીં અનેક રોકાણકારો ટારગેટ નક્કી કર્યા વગર જ શેર્સમાં રોકાણ કરે છે તે ગંભીર બાબત છે. આટલા માટે જ વડીલોએ શેરબજારને સટ્ટો નામ આપ્યું છે. સટ્ટા અને જુગારમાં બહુ મોટું અંતર નથી એટલે યુવાઓએ કમસે કમ કોઇ એક્સપર્ટની મદદ અવશ્ય લેવી જોઇએ.

બે દિવસ પહેલાની જ વાત કરીએ તો ભારતીય શેરબજારમાં વધુ એક બ્લેક ફ્રાઈડે થયો છે. જેમાં સેન્સેક્સમાં ઈન્ટ્રાડે 1,400 પોઈન્ટનું ધોવાણ થયુ છે. સેન્સેક્સ ઘટીને 73,200ના નીચલા સ્તરે પહોંચ્યો છે તથા નીફ્ટી પણ ઈન્ટ્રાડે 450 પોઈન્ટ જેટલો ધોવાયો છે. નીફ્ટી ઈન્ટ્રાડે ઘટીને 22,100ના નીચલા સ્તરે છે. તથા આઈટી અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ ધોવાણ થયુ છે. જેમાં મીડિયા, સરકારી બેંક, મેટલ શેર્સમાં ભારે ધોવાણ થયુ છે.

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો રોકાણકારો માટે ચિંતાનું કારણ બની ગયો છે, પરિસ્થિતિ એવી છે કે આજે જ રોકાણકારોના લગભગ 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે, જેના પછી રોકાણકારોના ચહેરા પર નિરાશા છે, સૌથી ચિંતાજનક બાબત એ છે કે સેન્સેક્સ લગભગ 952 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 311 પોઈન્ટ ઘટ્યો છે, જોકે આ નવું નથી, છેલ્લા કેટલાક દિવસોથી તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ પછી, ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શેરબજાર સતત કેમ ઘટી રહ્યું છે, અને રોકાણકારોએ હમણાં પૈસા રોકાણ કરવા જોઈએ કે નહીં?

ઘણા નિષ્ણાતો માને છે કે શેરબજારમાં ઘટાડા માટે ઘણા મુખ્ય કારણો છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ કારણ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી વધતી જતી અનિશ્ચિતતા છે. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટેરિફ જાહેરાતોની બજાર પર અસર પડી રહી છે, આ ઉપરાંત, જાપાનનો ફુગાવો ચિંતાનો વિષય છે, જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બજારમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા છે. નોંધનીય છે કે શેરબજારમાં સતત ઘટાડા પછી, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોકાણકારોએ આ સમયે શેરબજારમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, તો તમને જણાવી દઈએ કે ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે રોકાણકારોએ હાલ થોડી રાહ જોવી જોઈએ અને જો તેઓ રોકાણ કરે તો પણ તેમણે ગુણવત્તાયુક્ત બ્લુ-ચિપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે કરેક્શન દરમિયાન મૂલ્યાંકનની દ્રષ્ટિએ વાજબી
બન્યા છે.

Most Popular

To Top