રાજકારણીઓ ધનવાન હોય તે હવે કોઈ નવી વાત નથી, પરંતુ તેમની અઢળક સંપત્તિની વાતો સાંભળીને લોકોને આશ્ચર્ય જરૂર થાય છે. દેશના તમામ રાજ્યો અને સંઘપ્રદેશોના મુખ્યમંત્રીઓ અંગે હાલમાં કેટલીક રસપ્રદ માહિતી બહાર આવી છે. દેશના ૨૭ રાજ્યો અને ૩ સંઘપ્રદેશોના મળીને કુલ ૩૦ મુખ્યમંત્રીઓની મિલકતો ભેગી કરીએ તો આ કુલ મિલકતો રૂ. ૧૬૦૦ કરોડ જેટલી થવા જાય છે જેમાંથી રૂ. ૯૩૧ કરોડની સંપત્તિ તો એકલા ચંદ્રાબાબુ નાયડુ પાસે જ છે એમ દેશમાં લોકશાહી અને ચૂંટણી સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ(એડીઆર) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ પરથી જાણવા મળે છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દેશના સૌથી ધનવાન મુખ્યમંત્રી છે જેમની કુલ મિલકતો રૂ. ૯૩૧ કરોડની છે જેમાં રૂ. ૮૧૦ કરોડની ચલ સંપત્તિ અને રૂ. ૧૨૧ કરોડની અચલ સંપત્તિ(જમીન, મકાન વગેરે)નો સમાવેશ થાય છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા એવા ચંદ્રાબાબુએ આ મિલકતોમાંથી મોટો હિસ્સો તેમના ડેરીના ધંધાની કમાણીમાંથી ભેગો કર્યો હોવાનું કહેવાય છે. તેમની ડેરી કંપની હેરીટેજ ફૂડ્સ લિમિટેડની સ્થાપના ૧૯૯૨માં માત્ર રૂ. ૭૦૦૦ના મૂડીરોકાણ સાથે થઇ હતી અને પછી તે સડસડાટ આગળ વધી અને કરોડોનો ધંધો કરવા લાગી. ચંદ્રાબાબુના આ કંપનીમાં શેર નથી પણ તેમની પત્ની ભુવનેશ્વરી નારા આ કંપનીમાં ૨૪.૩૭ ટકા હિસ્સો ધરાવે છે.
પત્નીના આ શેર પણ જો કે ચંદ્રાબાબુની મિલકતોમાં ગણવામાં આવ્યા છે. બીજા ક્રમે અરૂણાચલ પ્રદેશના ભાજપી મુખ્યમંત્રી પ્રેમા ખંડુ આવે છે તેમની જાહેર કરાયેલી મિલકતો રૂ. ૩૩૨ કરોડ છે જેમાં રૂ. ૧૬પ કરોડની ચલ અને રૂ. ૧૬૭ કરોડની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે. ત્રીજા ક્રમે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા આવે છે જેમની કુલ સંપત્તિ રૂ. ૫૧ કરોડની છે. દેશમાં સૌથી ઓછી મિલકતો ધરાવતા મુખ્યમંત્રી મમતા બેનરજી છે તેમની પાસે માત્ર રૂ. ૧૫.૩૮ લાખની મિલકત છે અને અચલ મિલકત તો કંઇ નથી.
અન્ય એવા મુખ્યમંત્રીઓ, કે જેઓ સૌથી ઓછી મિલકતો ધરાવતા હોવાનું જાહેર થયું છે તેમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીની મિલકતો રૂ. ૫૫.૨૪ લાખ છે જ્યારે કેરળના પિનારાયી વિજયનની મિલમતો રૂ. ૧.૧૮ કરોડની છે. બે મુખ્યમંત્રીઓ રૂપિયાની રીતે અબજપતિ છે. એડીઆરે મુખ્યમંત્રીઓએ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરેલી મિલકતોના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે.
લોકોને રાજકારણીઓની મિલકતો વિશે તો જાણવા મળે છે પરંતુ તેમની અઢળક સંપત્તિના સ્ત્રોતો વિશે જાણવા મળતું નથી. દેખીતી રીતે રાજકારણીઓની મિલકતો અચાનક વધવા પાછળ મોટેભાગે તો ભષ્ટ્રાચાર જ જવાબદાર હોય છે. અને જેમની કમાણી કાયદેસરની જણાય તે અઢળક કમાણી પાછળ પણ રાજકીય વગ તો મોટેભાગે જવાબદાર હોય જ છે. સિફતપૂર્વક કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ભાગ્યે જ ખુલ્લો પડે છે. એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલ વિગતો પરથી જાણવા મળે છે કે દેશના મોટાભાગના મુખ્ય પ્રધાનો કરોડપતિ છે, બે તો અબજપતિ છે. અનેક સાંસદો અને ધારાસભ્યો તથા અન્ય રાજકારણીઓ કરોડપતિ છે, અનેક અબજપતિ છે. રાજકારણીઓ કરોડપતિ હોય તે હવે કોઇ નવાઇની વાત નથી. લોકોએ રાજકારણીઓની મિલકતો વિશે જાણીને માત્ર ખુશ થવાનું છે કે બળાપો કરવાનો છે અને પોતાના બે છેડા ભેગા કરવા ઢસરડા કરવાના છે.