ગયા બુધવારે સંઘપ્રદેશ લદાખમાં જે અશાંતિ ફાટી નિકળી તે તાજેતરના દાયકાઓમાં અભૂતપૂર્વ હતી. ચાર લોકોનાં મોત થયા અને વ્યાપક નુકસાન થયું. લદાખના આ અજંપા પાછળના મુખ્ય કારણો તેને રાજ્યનો દરજજો આપવાનું વચન અપાયા છતાં હજી સુધી તે બાબતમાં કોઇ નોંધપાત્ર હિલચાલ નથી તે અને લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ આપવાની માગણી હોવાનું કહેવાય છે. સોનમ વાંગચુક લદાખના એક અગ્રણી પર્યાવરણ ચળવળકાર છે, જો કે તેઓ એક રાજકીય વ્યક્તિ પણ બની ગયા છે.
તેમનો લદાખી પ્રજા પર ભારે પ્રભાવ છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની તબિયત બગડવાથી વાતાવરણ તંગ તો હતું જ અને બુધવારે મોટો ભડકો થઇ ગયો. સોનમ વાંગચુકના પ્રવચનોથી ઉશ્કેરાઇને જ ટોળાશાહી હિંસા વકરી એવો કેન્દ્રનો આક્ષેપ છે અને શુક્રવારે સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી. આ ખૂબ નાજુક તબક્કો છે અને જો લદાખના મુદ્દાને યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો કાશ્મીર અને ઇશાન ભારતના કેટલાક રાજ્યોની જેમ જ લદાખ પણ કાયમી અજંપાનો પ્રદેશ બની જવાનું જોખમ રહેલું છે. લદાખની સ્થિતિ અંગે ભૂ-વ્યુહરચના નિષ્ણાત બ્રહ્મ ચેલાનીએ બહુ સચોટ વિશ્લેષણ કરી આપ્યું છે. બ્રહ્મ ચેલ્લાનીએ ઉચ્ચ-ઊંચાઈવાળા પ્રદેશમાં વધતી જતી અસ્થિરતા અને બાહ્ય જોખમોનું સંચાલન કરવાની ભારતની ક્ષમતાને નબળી પાડવાની તેની સંભાવના તરફ ધ્યાન દોર્યું.
ઉચ્ચ-ઊંચાઈવાળા લદ્દાખ 2020થી ચીન સાથે ભારતના સરહદી તણાવનું કેન્દ્ર રહ્યું છે. આ પ્રદેશ, જે પાકિસ્તાન-અધિકૃત જમ્મુ અને કાશ્મીરના ભાગ સાથે પણ નિયંત્રણ રેખા ધરાવે છે, તે ભારતના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે, જેના કારણે આ વિસ્તારમાં અશાંતિ વધુ ચિંતાજનક બની છે. ઐતિહાસિક રીતે તેના શાંતિપૂર્ણ સ્વભાવ માટે જાણીતું, લદ્દાખ હાલ હિંસક અશાંતિનું કેન્દ્ર બની ગયું છે. વિરોધ પ્રદર્શનો અપૂર્ણ રાજકીય વચનો, પર્યાવરણીય ચિંતાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા અવગણનાની લાગણીઓના સંયોજનમાંથી ઉદભવ્યા છે.
માળખાગત સુવિધાઓ અને આર્થિક તકોમાં સમાંતર રોકાણો, ખાસ કરીને યુવાનો માટે, આવશ્યક છે. આ પ્રયાસો ફક્ત સ્થાનિક માંગણીઓને જ હાથ ધરશે નહીં પરંતુ અશાંતિનો લાભ ઉઠાવવાના બાહ્ય પ્રયાસોને પણ નિષ્ફળ બનાવશે. ચેલ્લાનીની ચેતવણી પ્રદેશમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વ્યવહારિક, બહુપક્ષીય અભિગમની જરૂરિયાત પર ભાર મૂકે છે. આવી વ્યૂહરચના વિના, અશાંતિ ચાલુ રહી શકે છે, જેના કારણે આ વિસ્તાર બાહ્ય વિરોધીઓ માટે લાભ ઉઠાવવાનું કેન્દ્ર બની શકે છે જે ભારતની સરહદ સુરક્ષામાં કોઈપણ નબળાઈનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલની અશાંતિ પછી ભારત સરકારે સખત હાથે કામ લેવાનો જે અભિગમ અપનાવ્યો છે તે લાંબા ગાળા માટે જોખમી પુરવાર થઇ શકે છે. લદાખને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો આપવામાં કશું ખોટું નથી અને તે વહેલી તકે થવું જોઇએ. લદાખને રાજ્યનો દરજ્જો આપવા માટે લદાખના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. સોનમ વાંગચુક આ વાતચીતમાં ફાચર મારવાનો પ્રયાસ કરતા હતા એવો કેન્દ્ર સરકારે આક્ષેપ કર્યો છે. વાંગચુકની સામે સખત રાસુધા કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો છે.
તેઓ પાકિસ્તાન સાથે કડીઓ ધરાવતા હોવાનો પણ આરોપ મૂકાયો છે. કદાચ કેન્દ્ર સરકાર વાંગચુકને રાજકીય રીતે ખતમ કરી નાખવા માગે છે, પણ આ બેકફાયર પણ થઇ શકે છે. લદાખમાં કોઇ પણ પગલું ખૂબ સાચવીને ભરવું જરૂરી છે. આપણી પાસે જમ્મુ-કાશ્મીર, મણિપુર, આસામ જેવા અશાંત સરહદી રાજ્યો કે પ્રદેશો છે. ચીન સાથે સરહદ ધરાવતું લદાખ જો તેમાં ભળે તો ચીનને ફાવતું આવી જાય. લદાખમાં શાંતિ અને સ્થિરતા જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે.