સરકારે ખાનગી ઓપરેટરો માટે પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ ક્ષેત્રમાં સંશોધનો માટે 20,000 કરોડ રૂપિયાના પરમાણુ ઉર્જા મિશનની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય 2033 સુધીમાં પાંચ નાના અને મોડ્યુલર રિએક્ટરો સ્થાપવાનો છે. અગાઉ આ બાબતની જાહેરાત થઇ જ હતી તેના પછી આ વખતના સામાન્ય બજેટમાં તેની વિધિવત દરખાસ્ત મૂકવામાં આવી છે. કેન્દ્રીય બજેટ રજૂ કરતા સીતારમણે કહ્યું કે 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું ઉત્પાદન જરૂરી છે. આ ધ્યેય તરફ આગળ વધવા ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી સાથે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઉર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે. ભારત હાલમાં દેશભરમાં 24 પરમાણુ પાવર પ્લાન્ટ દ્વારા 8.1 ગીગા વૉટ પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરે છે અને 2032 સુધીમાં તેને 20 GW સુધી વધારવાની આશા રાખે છે.
સરકાર સંચાલિત ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દેશમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટોનું સંચાલન કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલનો પરમાણુ ઉર્જા કાયદો પરમાણુ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના રોકાણની ભાગીદારીને મંજૂરી આપતો નથી. હવે કાયદો બદલીને ખાનગી ક્ષેત્રના પ્લેયરોને પણ અણુ ઉર્જા ક્ષેત્રે પ્રવેશવા દેવામાં આવશે. આ એક ખૂબ સંવેદનશીલ ક્ષેત્ર છે અને તેમાં ખૂબ સાવધાની જરૂરી છે તે બાબત ભૂલાવી નહીં જોઇએ. વળી, અમેરિકી કંપનીઓને પણ ભારતના અણુ ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશવા દેવા માટેની તૈયારી થઇ રહી છે અને તે માટે અણુ જવાબદારીના કાયદા પણ હળવા બનાવવાની હિલચાલ ચાલી રહી છે તે બાબત જાહેર હિતચિંતકો માટે થોડી ચિંતાજનક તો છે જ.
એક બાજુ દેશમાં અણુ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવા માટેની દરખાસ્ત મૂકાઇ છે તો બીજી બાજુ ખાનગી પરમાણુ વિજ મથકો બનાવવા માટે તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. હાલમાં દેશના અણુ વિજળી પ્લાન્ટોનું જે સંચાલન કરે છે તે NPCIL એ પરમાણુ પાવર પ્લાન્ટો બનાવવા માટે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સંયુક્ત સાહસ કંપનીઓ શરૂ કરી દીધી છે.
પરમાણુ ક્ષેત્રના સંચાલનને લગતા અણુ જવાબદારી કાયદાઓમાં સુધારો કરવાની દરખાસ્ત સરકારે હાલમાં મૂકી હતી. આ પગલું વડાપ્રધાન મોદીની અમેરિકાની સંભવિત મુલાકાત પહેલા આવ્યું હતું. અમેરિકાએ ત્રણ ભારતીય પરમાણુ એકમો પરના નિયંત્રણો એમ કહીને ઉઠાવી લીધા કે આનાથી નાગરિક અણુ ઉર્જાના ક્ષેત્રમાં ભારત-અમેરિકા ભાગીદારીમાં નવા માર્ગો ખુલશે તેના બે સપ્તાહ કરતા થોડા વધુ સમય પછી ભારતે પોતાના અણુ જવાબદારી કાયદાઓ સુધારવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ભારતના પરમાણુ નુકસાન માટેના નાગરિક જવાબદારીના કાયદા, ૨૦૧૦ની કેટલીક ચોક્કસ કલમો ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક નાગરિક અણુ સહકાર કરારને અમલમાં મૂકવા માટે અડચણરૂપ હોવાનું કહેવાય છે. ખાનગી સક્રિય ભાગીદારી માટે અણુ ઉર્જા કાયદા અને અણુ નુકસાન માટેના નાગરિક જવાબદારીના કાયદામાં સુધારાઓ હાથ ધરવામાં આવશે. આના પછી વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચ્યા અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે મંત્રણાઓ કરી અને ભારતીય અણુ ઉર્જા ક્ષેત્રે અમેરિકી કંપનીઓના પ્રવેશ માટે દરવાજા ખુલી ગયા છે એમ સ્પષ્ટ સંકેતો મળી ગયા છે.
દેશમાં વિજળીની જરૂરિયાત વધી રહી છે અને જળ વિદ્યુત મથકો વ્યાપકપણે ઉભા કરી શકાતા નથી. થર્મલ પાવર પ્લાન્ટો પ્રદૂષણ કરે છે ત્યારે અણુ વિજળી મથકો મોટા પાયે પ્રદૂષણહીન વિજળી પુરી પાડી શકે છે તેથી અણુ વિદ્યુત મથકો પર ભાર આપવામાં આવી રહ્યો છે. અણુ વિજળી ભલે પ્રદૂષણ નહીં કરતા હોય પરંતુ જ્યારે કોઇ અકસ્માત સર્જાય ત્યારે અણુ વિજળી મથકો ભયંકર સાબિત થાય છે. રશિયાના ચેર્નોબિલની દુર્ઘટનાને દાયકાઓ થઇ ગયા હોવા છતાં તેની યાદો આજે પણ ધ્રુજાવનારી છે.
ખાનગી કંપનીઓને અને અમેરિકી કંપનીઓને આ ક્ષેત્રે પ્રવેશ આપવાનું અને તેમાં પણ વળી અણુ મથકને લગતા નાગરિક જવાબદારીના કાયદાને હળવો બનાવવાનું એટલે જ ચિંતાજનક દેખાઇ રહ્યું છે. જો યોગ્ય જવાબદારીઓ મૂકવામાં ન આવે તો આ કંપનીઓ અણુ અકસ્માતો અને પ્રજાની સલામતી બાબતે બેદરકાર બની જઇ શકે છે આથી જ તેમને જાહેર જવાબદારી બાબતે વ્યાપક છૂટછાટો નહીં અપાય તે જરૂરી છે.
