મેરા ભારત મહાન…આઝાદીના સાત દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ આપણે દેશમાંથી ગરીબી નાબુદ કરી શક્યા નથી. અગાઉ 1980માં ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોના નારો આપ્યો હતો પરંતુ ગરીબી હટી નહી. સમય જતાં ગરીબી ઘટવાને બદલે વધી જ રહી છે. તાજેતરમાં કેન્દ્રના નીતિ આયોગ દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો. દેશમાં સૌ પ્રથમ વખત નેશનલ મલ્ટિ ડાયમેન્શન પોવર્ટી ઈન્ડેક્ષ એટલે કે રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંકના નામથી આ સરવે કરાયો હતો. આ સરવેનો રિપોર્ટ હાલમાં જાહેર કરાયો હતો. જેમાં એવું જણાવાયું હતું કે, ભારતમાં સૌથી વધુ ગરીબ કોઈ રાજ્ય હોય તો તે બિહાર છે. બિહારની 51.91 ટકા વસતી ગરીબ છે. જ્યારે બીજા ક્રમે ઝારખંડ રાજ્ય સૌથી વધુ ગરીબ છે. ત્યાં 37.79 ટકા વસતી ગરીબ છે. ચોથા ક્રમે મધ્યપ્રદેશ છે. ત્યાં 36.65 ટકા વસતી ગરીબ છે. પાંચમા ક્રમે મેઘાયલ છે કે જ્યાં 32.67 ટકા લોકો ગરીબ છે. જ્યારે કેરળમાં માત્ર 0.71 ટકા જ વસતી ગરીબ છે.
નેશનલ મલ્ટિ ડાયમેન્શન પોવર્ટી ઈન્ડેક્ષ તૈયાર કરવા માટે લોકોના આરોગ્ય, શિક્ષણની સાથે જીવનધોરણના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સરવે પ્રમાણે ગરીબીમાં ગુજરાતનો ક્રમ 13મો છે. આમ તો ગુજરાતના સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે પરંતુ ગુજરાતમાં 18 ટકા લોકો ગરીબ છે અને તેમાં પણ સૌથી વધુ ગરીબ કોઈ જિલ્લામાં હોય તો તે ડાંગ જિલ્લો છે. વસતીની સંખ્યા પ્રમાણે જોવામાં આવે તો ગુજરાતમાં 1.12 ટકા લોકો ગરીબ છે. ગરીબીના મામલે ગુજરાતમાં દાહોદનો બીજો ક્રમ આવે છે. જ્યારે સૌથી ઓછી ગરીબી અમદાવાદ જિલ્લામાં છે. સરવે પ્રમાણે ગુજરાતમાં 14.77 ટકા એટલે કે 89.18 લાખ પરિવારો એવા છે કે જ્યાં ગર્ભવતી મહિલાઓ દ્વારા ક્યારેય જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપચાર કરાવવામાં આવ્યો નથી કે રસી પણ લેવામાં આવી નથી. ગુજરાતમાં 41.37 ટકા એટલે કે 2.49 કરોડ પરિવારો દ્વારા કુપોષણનો ભોગ બની રહ્યાં છે. જ્યારે છેલ્લા પાંચ જ વર્ષમાં ગુજરાતમાં 18 વર્ષથી ઓછા હોય તેવા 2.21 લાખ લોકોના મોત થયા છે.
ગુજરાતની સ્થિતિ કેવી છે તે નીતિ આયોગના 2019-20ના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં 31.39 લાખ લોકો એવા છે કે જે ધો.9 પાસની વયે એકપણ વખત સ્કૂલમાં ગયા નથી. 2.11 કરોડ લોકો એવા છે કે જેમને ત્યાં રસોઈ કરવા માટે ઈંધણ, લાકડા કે કોલસા નથી. 1.56 કરોડ લોકો પાસે પોતાનું શૌચાલય પણ નથી. 32.60 લાખ લોકોએ પીવાનું પાણી મેળવવા માટે 30 મિનિટ ચાલવું પડે છે. 16.90 લાખ લોકો એવા છે કે જેમની પાસે વીજળીની વ્યવસ્થા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ 6051 પરિવારોનો બીપીએલમાં ઉમેરો થયો છે. રાજ્યમાં ડાંગની સાથે સાથે દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે. ગુજરાતમાં છેલ્લા બે અઢી દાયકાથી ભાજપની સરકાર છે. પરંતુ ગરીબીના મામલે ગુજરાતની સ્થિતિ સુધરી શકતી નથી.
દેશના મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક તેમજ જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતમાં વધારે ગરીબી છે. રાજ્ય સરકારે આ મામલે ખાસ વિચારવું જોઈએ. સામાન્ય રીતે ગુજરાતમાં મોટાભાગે વ્યવસાય કરનારી પ્રજા વસે છે. જેની છાપ સદ્ધર પરિવારો તરીકેની છે પરંતુ જે રીતે દેશમાં ગરીબીના મામલે ગુજરાતનો ક્રમ 13મો છે તેણે બતાવી આપ્યું છે કે સરકાર ગરીબી દૂર કરવા માટે એટલી ગંભીર નથી. ખરેખર નોટબંધી પછીની ઘટનાઓ ગુજરાતમાં ગરીબીમાં વધારો કર્યો છે. તાજેતરમાં કોરોનાએ પણ ગુજરાત અને દેશમાં ગરીબ પરિવારોની સંખ્યા વધારી છે. ત્યારે ગુજરાતમાંથી ગરીબી નાબૂદ કરવા માટે ગુજરાત સરકારે કમર કસવી પડશે. ગુજરાતની આગળ દેશના 12 રાજ્યો એવા છે કે જેમાં ગુજરાત કરતાં ગરીબી ઓછી છે. ગુજરાતની પ્રજા પોતાનો વિકાસ જાતે જ કરવા માટે ટેવાયેલી છે ત્યારે રાજ્ય સરકારે પણ આ રિપોર્ટને ગંભીરતાથી લઈને રાજ્યમાંથી ગરીબી નાબુદ કરવા માટે કમર કસવી જોઈએ તે જરૂરી છે.