છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં શરૂ થયેલો મંદીનો માહોલ હજુ પણ સુધરવાનું નામ લેતો નથી. તેમાં પણ વિદેશમાં જે રીતે બેંકો દ્વારા ઉઠમણાં કરવાની સાથે મંદીનો વ્યાપ વધી રહ્યો છે તે બતાવી રહ્યું છે કે ભારતમાં મંદીની સ્થિતિ હજુ પણ ઘેરી બનશે. મંદીને કારણે જ રિઝર્વ બેંકએ વ્યાજના દરો વધારવા પડી રહ્યા છે. મંદીની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં સુધારો થાય તેવી કોઈ જ શક્યતા જણાતી નથી. ત્યાં સુધી કે 2024માં પણ દેશનો વિકાસ દર ઘટીને 6 ટકા થશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં વધી રહેલી મંદીનો માહોલ ભારતમાં પણ સ્થિતિ બગાડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિસિલે તાજેતરમાં પોતાના એક રિપોર્ટમાં આ વાત કરી છે. સરકારે આ રિપોર્ટને અત્યારથી જ ગંભીરતાથી લેવો પડશે.
ક્રિસિલે ભારતના જીડીપી અંગે એવી આગાહી કરી છે કે, 2024માં આ જીડીપી ઘટીને 6 ટકા થશે. ક્રિસિલના આ રિપોર્ટની સામે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝશએ 7 ટકાનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેંક માટે ક્રિસિલ દ્વારા 6.4 ટકાનો જીડીપી વૃદ્ધિ દર નક્કી કરવામાં આવ્યો છે. પોતાના રિપોર્ટમાં ક્રિસિલએ જે કારણો આપ્યા છે તેમાં પ્રથમ કારણ એ છે કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં જે મંદી આવી છે તેની અસર ભારતના જીડીપી પર દેખાશે. ભારત અને વિદેશમાં વધતી મોંઘવારી અને બેંકો દ્વારા વ્યાજદરમાં કરવામાં આવી રહેલો વધારો પણ આ માટે જવાબદાર બનશે. આ પરિસ્થિતિ ભારતમાં વિકાસ સામે જોખમ વધારશે. સ્થાનિક માંગ જ અર્થવ્યવસ્થાને આગળ લઈ જઈ શકે તેમ છે. વ્યાજદરમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની અસર 2024માં જોવા મળશે. ઉપરાંત રાજકીય પરિસ્થિતિ અને સાથે સાથે ક્રુડ ઓઈલ અને કોમોડિટીના ભાવોમાં જે વધારો -ઘટાડો થતો રહે છે તે પણ જીડીપીને અસર કરશે. આ કારણે ભારતની અર્થવ્યવસ્થાને મોટી અસર થાય તેવી સંભાવના છે.
ક્રિસિલે જોકે, ફુગાવાના મામલે ભારતની સ્થિતિ સુધરશે તેવું કહ્યું છે. ક્રિસિલના કહેવા મુજબ, ભારતમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારીત ફુગાવો આગામી નાણાંકીય વર્ષમાં સરેરાશ 5 ટકાની આસપાસ રહેશે. આરબીઆઈએ પણ આ ફુગાવો 5.3 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ભારતની આ સ્થિતિમાં ત્યારે જ સુધારો જોવા મળી શકે તેમ છે કે જ્યારે રવિપાક સારો થાય. જોકે, હાલમાં હવામાનમાં જે ફેરફારો જોવા મળી રહ્યા છે તેણે સારા રવિપાકની સામે મોટો પ્રશ્નાર્થ લગાડી દીધો છે. ક્રિસિલ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેને સરકારે ગંભીરતાથી લેવો પડે તેમ છે.
વિશ્વમાં મંદીનો માહોલ 2024માં ભારતને પણ મોટી મંદીના લપેટામાં લઈ નહીં લે તે માટે સરકારે અત્યારથી જ પગલાઓ લેવાની જરૂરીયાત છે. વિદેશની બેંકોની જે સ્થિતિ થઈ છે તે ગમે ત્યારે ભારતની બેંકોની પણ થઈ શકે છે. આ સંજોગોમાં ભારતીય બેંકો મજબૂત બનીને ઊભી રહે તે માટે સરકાર દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવે તે જરૂરી છે. વિદેશની બેંકો દ્વારા બિટકોઈનમાં મોટાપાયે કરાયેલા રોકાણને કારણે ધબડકાઓ થયા છે. ભારતમાં કોઈ જ બેંકો દ્વારા આવી રીતે રોકાણ કરવામાં આવ્યું નથી. તે રાહતની વાત છે. ઉપરાંત ભારતની બેંકોમાં તાજેતરમાં થાપણોમાં થયેલો મોટો વધારો પણ બેંકોને સદ્ધર બનાવી રહ્યો છે. જેથી ભારતમાં બેંકોના મામલે એટલી ચિંતા નથી પરંતુ સરકાર સાવચેત રહે તે જરૂરી છે.