મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની હોનારતમાં મોતનો આંક 135ને પાર થઈ ગયો છે. હજુ એક વ્યક્તિ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં થયેલી દુર્ઘટના નવી નથી. દુનિયા અને દેશમાં આવી અનેક ઘટનાઓ બને છે. મંદિરોમાં ભાગદોડ થવી અને તેમાં ભક્તોના મોત થવાની ઘટનાઓ અનેક વખત બની છે. હોડીઓમાં ક્ષમતા કરતાં વધારે વ્યક્તિઓને ભરીને નદી પાર કરતી વખતે હોડી ડૂબી જવાની પણ અનેક હોનારત સર્જાઈ ચૂકી છે. જ્યારે હોનારત થાય છે ત્યારે લોકો અને તંત્ર જાગે છે પરંતુ થોડા સમયમાં તમામ આ ઘટનાઓ ભૂલી જાય છે અને ફરી સ્થિતિ એવી જ થઈ જાય છે.
આવી હોનારતો જ્યારે પણ બને છે ત્યારે એકસાથે અનેક લોકો મોતનો ભોગ બને છે. ક્યાંય આવી દુર્ઘટનાઓને પહેલેથી અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવતા નથી અને તેને કારણે વારંવાર આવી હોનારતો સર્જાતી રહે છે. જ્યારે હોનારત થાય જાગતું તંત્ર આવી ઘટનાઓ બને જ નહીં તે માટે ક્યારેય જાગૃત થતું નથી અને તેનો ભોગ નિર્દોષ લોકો બને છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની જે ઘટના બની તેમાં પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી નહી તે કારણ સૌથી વધુ જવાબદાર છે. જે તે સમયે મોરબીના રાજવી પરિવાર દ્વારા આ ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક તરફથી 15 વ્યક્તિ જાય અને તે નદી પરથી પસાર થઈ જાય પછી જ પુલમાં બીજી વ્યક્તિઓને મોકલવામાં આવતાં હતાં. જે પુલની ક્ષમતા જ 15 વ્યક્તિને એકસાથે સહન કરવાની હતી તે પુલ પર જો એકસાથે 400 વ્યક્તિ ઊભા રહી જાય તો આ પુલ તૂટી નહીં પડે તો શું થાય? પ્રશ્ન એ છે કે પુલ પર તેની ક્ષમતા કરતાં વધારે સહેલાણીઓને જવા જ કેમ દેવાયા? આ માટે કેમ કોઈ તકેદારી રાખવામાં આવી નહીં? ઓરેવા કંપની દ્વારા આ પુલના સમારકામની જવાબદારી સ્વીકારવામાં આવી પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી અને તેને કારણે નિર્દોષ બાળકો સહિતના સહેલાણીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા.
વાત માત્ર મોરબીની જ નથી. તાજેતરમાં બેટ દ્વારકા ખાતે હોડીમાં પણ તેની ક્ષમતા કરતાં વધારે વ્યક્તિઓને ભરવાનો વિડીયો વાઈરલ થયો હતો. હોડીમાં જો વધારે વ્યક્તિ હોય તો ગમે ત્યારે તે ઉંધી વળી જવાની સંભાવના રહેલી છે. અગાઉ બિહાર અને યુપીમાં અનેક વખત હોડીઓ નદીમાં પલ્ટી ખાઈ જતાં અનેક લોકો મોને ભેટી ચૂક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી અને બેટ દ્વારકા, આ બે સ્થળો જ નથી પરંતુ અનેક સ્થળો એવા છે કે જ્યાં જે તે સ્થળની ક્ષમતા કરતાં વધુ સહેલાણીઓ ઉમટી પડે છે.
થોડા સમય પહેલા પાવાગઢમાં રોપ વે ખાતે પણ દુર્ઘટના સર્જાઈ હતી. સરકારે ‘રાંડ્યા પછીના ડહાપણ’ને બદલે પહેલેથી જાગવાની જરૂરીયાત છે. સરકારે આવા જેટલા પણ સ્થળ હોય કે જ્યાં સમયાંતરે તેની ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતા હોય તેવા સ્થળને આઈડેન્ટિફાય કરવાની જરૂરીયાત છે અને ત્યારબાદ ત્યાં વ્યક્તિઓની સંખ્યા મામલે પ્રતિબંધો લાદવા જોઈએ. અનેક યાત્રાધામો પણ એવા છે કે જ્યાં ઘણી વખત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આવા સ્થળો પર પણ સરકાર કે યાત્રાધામનું સંચાલન કરતાં લોકોએ ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. આ માટે સરકારે જાગરૂકતા બતાવીને નિયમો ઘડવા જોઈશે અન્યથા આવી હોનારતો બનતી જ રહેશે અને તેમાં મોત થતાં જ રહેશે તે નક્કી છે.