Editorial

દેશની બેંકો પાસેથી 1.62 લાખ કરોડ લઈને નાદારી જાહેર કરનાર સામે સરકારે સખ્ત બનવું જરૂરી

ચૂનો ચોપડવો…સામાન્ય રીતે આ શબ્દ પ્રયોગ છેતરપિંડી માટે વપરાય છે. જોકે, આ વાત લાખો કરોડોની નહીં પરંતુ ‘લાખો કરોડો’ની છે. તાજેતરમાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે 1629 લોકો એવા છે કે જેણે બેંકમાંથી લોન લીધી. કમાણી પણ કરી પરંતુ બાદમાં બેંકને નાણાં ચૂકવ્યા નહીં. આ લોકો પાસે પૈસા પણ છે પરંતુ તેમની કંપનીઓ લેણા ચૂકવતી નથી. આ આંકડો એટલો મોટો છે કે દરેકની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય. સરકારી જાહેરાત પ્રમાણે જ આવા ડિફોલ્ટરો પાસે બેંકોના રૂપિયા 1.62 લાખ કરોડ છે, કે જે તેઓએ લોન પેટે લીધા હતા અને બાદમાં ચૂકવ્યા નથી.

આ ડિફોલ્ટરો એવા વગવાળા છે કે સરકાર તેઓનું કશું જ કરી શકતી નથી. સામાન્ય વ્યક્તિ હોય તો બેંકો તેના ઘરેથી ફ્રીજ-ટીવી જેવો સામાન પણ ઉપાડી લાવે પરંતુ આ ડિફોલ્ટરોને કશું થતું નથી અને ડિફોલ્ટરોના એશોઆરામ દેશના જ સામાન્ય નાગરિકોના નાણામાંથી થઈ રહ્યા છે. તાજેતરમાં ચોમાસું સત્રમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જ્યારે રાજ્યસભામાં આ વિગતો રજૂ કરી ત્યારે વિલફૂલ ડિફોલ્ટરો મામલે નવો વિવાદ શરૂ થયો છે.

ખુદ કેન્દ્રીય મંત્રીએ જ એવું કહ્યું હતું કે, આ એવા ડિફોલ્ટરો છે કે જેઓ જાણીજોઈને બેંકોના નાણાં ચૂકવી રહ્યા નથી. 31મી માર્ચ, 2025 સુધીમાં પીએસયુ બેંકોએ 1692 ડિફોલ્ટરો પાસે રૂપિયા 1,62,961 લેવાના થાય છે. આમાં વિદેશી ઉધાર લેનારાઓ તો હજુ સમાવેશ કરાયો નથી. આ એવા ડિફોલ્ટરો છે કે જેઓ પાસે પોતાની કંપનીઓ છે. તેઓ વ્યક્તિગત હેસિયતથી બાકી નાણાં ચૂકવી શકે છે પરંતુ તેઓ ચૂકવવા માટે તૈયાર નથી.

તેઓએ પોતાને નાદાર જાહેર કરી દીધા છે અને પોતાના દેવા ચૂકવવાનો ઈન્કાર કરી દીધો છે. સરકાર દ્વારા દેખાડા પુરતા આવા ડિફોલ્ટરો સામે તેમને નવી લોન આપવા પર અને નવો વ્યવસાય શરૂ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે સાથે ભવિષ્યમાં આવા ડિફોલ્ટરોને રોકવા માટે આ કોર્પોરેટ ડિફોલ્ટરો સાથે સંકળાયેલી કંપનીઓને પણ ઈક્વિટી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આવા પગલાઓનો કોઈ જ અર્થ નથી. કારણ કે આવા પગલાઓથી લેણા નાણાં પરત આવવાના નથી.

જે ડિફોલ્ટરો દેશ છોડીને ભાગી ગયા છે તેની સામે માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી થઈ છે. આવા ડિફોલ્ટરોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે અને તેમની 15298 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. પરંતુ આ સંપત્તિ કુલ રકમના 10 ટકા પણ નથી. હજુ પણ બાકીની 90 ટકા રકમ ડિફોલ્ટરો પાસે જ છે. જેની વસૂલી કરવામાં આવતી નથી. કેન્દ્રીય મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેંકોને આ મામલે ફોજદારી કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ આવી ફોજદારી કાર્યવાહી પણ વસૂલાત કરી શકતી નથી. ખરેખર સરકારે આવા ડિફોલ્ટરો માટે નવા જ કડક કાયદાઓ ઘડવાની જરૂરીયાત છે. જો કાયદાઓ કડક થશે તો જ વિલફુલ ડિફોલ્ટરોની સંખ્યામાં ઘટાડો થશે. અન્યથા સામાન્ય લોકોના નાણાં આવા લેભાગુઓ જ વાપરશે તે નક્કી છે.

Most Popular

To Top