Editorial

ઇસરોની યશ કલગીમાં પીંછાઓ ઉમેરાતા જ જાય છે

અવકાશમાંના બ્લેક હોલ્સનો અભ્યાસ કરવા માટેના સેટેલાઇટ એક્સપોસેટને સોમવારે સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકીને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો)એ ૨૦૨૪ના વર્ષનો આરંભ કર્યો હતો. ઇસરોએ પોતાના  માનીતા પીએસએલવી રોકેટ વડે આ એક્સપોસેટ અને તેની સાથે બીજા દસ ઉપગ્રહોને અવકાશમાં ચડાવ્યા. પીએસએલવી-સીપ૮નું આ ૬૦મુ મિશન હતું. ઇસરોનું આ વર્કહોર્સ રોકેટ તેના મુખ્ય પેલોડ એકસપોસેટને તથા અન્ય  દસ ઉપગ્રહોને લઇને રવાના થયું હતું. તેણે પહેલા તો એકસપોસેટને તેની નિર્ધારીત ૬પ૦ કિમીની લો અર્થ ભ્રમણકક્ષામાં મૂકયું હતું અને ત્યારબાદ એક નવા પ્રયોગમાં ફરીથી વધુ નીચે આવીને બાકીના ઉપગ્રહોને ૩૫૦ કિમીની  વધુ નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા.

એક્સપોસેટ એ ઇસરોનો પ્રથમ એક્સ-રે  પોલારીમીટર સેટેલાઇટ છે જે અવકાશમાંના બ્લેક હોલ્સનો અભ્યાસ કરશે. આ સાથે જ આવા અવકાશીય પદાર્થનો અભ્યાસ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બનશે. આ ઉપગ્રહ બ્લેક હોલ્સ ઉપરાંત અન્ય અવકાશી પદાર્થોનો  અભ્યાસ કરશે. નવા વર્ષ ૨૦૨૪ની શરૂઆત જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને આ એક મોટી સિદ્ધ સાથે કરી છે. અને વીતેલા વર્ષમાં તો તેની ચંદ્રયાન-૩ની યાદગાર સિદ્ધી છે જ, જેમાં તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરનું  સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું  અને આ સિદ્ધી હાંસલ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો અને ઇસરો પ્રથમ અવકાશ સંસ્થા બની. ઉપરાંત સૂર્યનો અભ્યાસ કરવા માટેના યાન આદિત્ય એલ-૧નું સફળ લોન્ચિંગ પણ ગયા વર્ષમાં ઇસરોની એક મહત્વની સિદ્ધી  રહી છે.

વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે ઇસરોએ જ્યારે પીએસએલવી રોકેટ વડે એક્સપોસેટને તથા અન્ય દસ સેટેલાઇટોને અવકાશમાં ચડાવ્યા તે  વખતે આપણી આ અવકાશ સંસ્થાએ બીજી પણ મહત્વની સફળતા મેળવી. ઈસરોએ સોમવારે  પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટના ચોથા તબક્કાને બે વાર ફાયર કરીને એક વાર અવકાશમાં રોકેટને ઉપર ગયા બાદ નીચલી ભ્રમણકક્ષા તરફ લાવવાનો  પ્રયોગ સફળતાપૂર્વક કર્યો હતો. બાદમાં અવકાશ  સંસ્થાના વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પ્રયોગ કરવા માટે પીએસએલવી રોકેટના ચોથા તબક્કાને બીજી વખત પેટાવ્યું અને ઊંચાઈને 650 કિમીથી ઘટાડીને 350 કિમી કરી હતી જેમાં ઈસરોના 10 અન્ય પેલોડ નીચલી ભ્રમણકક્ષામાં  મૂકવામાં આવ્યા હતા. પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ(પોએમ) પ્રયોગ હેઠળ આ પેલોડને નીચલી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે.

જો કે ઉપલીથી નીચલી ભ્રમણકક્ષામાં રોકેટને લાવવાનો તેનો આ પ્રથમ પ્રયોગ ન હતો. અવકાશ સંસ્થાએ એપ્રિલ 2023માં પીએસએલવી-સી55 મિશનમાં  આવા જ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધર્યા હતા. તદઉપરાંત પીએસએલવી સોમવારે એક્સપોસેટ ઉપરાંત અન્ય દસ પેલોડ્સ લઇને અવકાશમાં ગયું હતું જે દસમાંથી એક પેલોડ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા નિર્મત છે. મહિલાઓ માટેના એલબીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા વિમેન  એન્જિનિયર્ડ સેટેલાઇટ એ કેરળના થિરૂવનંતથપુરમ ખાતેની આ સંસ્થાની મહિલા વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાયેલ ઉપગ્રહ છે. ઇસરોના વડા એસ. સોમનાથે કહ્યું હતું કે આ બાબત ફક્ત ઇસરો માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે  પ્રેરણારૂપ છે.

ભારતીય અવકાશ સંસ્થાની સ્થાપના ૧૯૬૨માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ આપણા ગુજરાતના બાહોશ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇના સલાહ સૂચનો મુજબ કરી. તે વખતે આ સંસ્થા ઇન્કોસ્પારના નામે  શરૂ થઇ, જે ૧૯૬૯માં ઇસરો બની. તેણે સમયાંતરે ઘણી જ પ્રગતિ કરી. આજે તો તે વિશ્વના ધનિક દેશોના ઉપગ્રહો પણ વેપારી ધોરણે અવકાશમાં ચડાવી આપવા સક્ષમ બની ગઇ છે. વીતેલા વર્ષમાં તો તેની મોટી સિદ્ધિઓ આપણે જોઇ જ, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે હાંસલ કરેલી મોટી સિધ્ધી સાથે તે આ વર્ષ દરમ્યાન એક ડઝન જેટલા મહત્વના મિશનો હાથ ધરવાની યોજના ધરાવે છે, આશા રાખીએ આ તમામ મિશનોમાં તેને સફળતા પ્રાપ્ત થાય. દેશનું શ્રેષ્ઠ બુદ્ધિધન જેમાં કાર્યરત છે તેવી આપણી આ અવકાશ સંસ્થાની યશ કલગીમાં પીછાઓ ઉમેરાતા જ જાય છે.

Most Popular

To Top