બેંગ્લુરુ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો) મંગળવારે એક અત્યંત પડકારજનક પ્રયોગ કરવા માટે તૈયારી કરી રહી છે જેમાં કામગીરીમાંથી નિવૃત્ત કરી દેવાયેલા અને ભ્રમણકક્ષામાં ફર્યા કરતા એક ઉપગ્રહને (Satellite) નિયંત્રિત રીતે પૃથ્વીના (Earth) વાતાવરણમાં ફરી લાવવામાં આવશે.
- અવકાશમાંથી નકામો કાટમાળ દૂર કરવાના પ્રયાસોના ભાગરૂપે એમટી૧ નામના આ ઉપગ્રહને આજે સાંજે પેસેફિક મહાસાગરમાંના એક નિર્જન સ્થળે ઉતારવામાં આવશે
- આ ઉપગ્રહમાં હજી બાકી રહેલો ૧૨૫ કિગ્રા ઇંધણનો જથ્થો એક મોટું જોખમી પરિબળ છે
આ લો અર્થ સેટેલાઇટ કે જેનું નામ મેઘા ટ્રોપિક્સ-૧ (એમટી૧) છે તેને ૧૨ ઓકટોબર, ૨૦૧૧ના દિવસે ઇસરો અને ફ્રેન્ચ અવકાશ એજન્સી સીએનઇએસના સંયુક્ત સાહસમાં વિષુવવૃતિય હવામાન અને વાતાવરણના અભ્યાસ માટે ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનો કાર્યકાળ પુરો થઇ ગયો છે અને તે હવે સેવા નિવૃત છે અને કોઇ પણ કામગીરી વિના તે તેની ભ્રમણકક્ષામાં ફરી રહ્યો છે. આ તો આ ઉપગ્રહ હજી ૧૦૦ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં ફરતો રહી શકે તેમ છે પરંતુ અવકાશમાં બિનઉપયોગી ઉપગ્રહો વગેરેનો કાટમાળ ઓછો કરવાની યુએન/આઇએડીસી કાટમાળ નિકાલ માર્ગદર્શીકાના બહેતર પાલન માટે ઇસરો સક્રિય થઇને આ ઉપગ્રહને ફરીથી પૃથ્વી પર લઇ આવવાની કવાયત હાથ ધરી રહ્યું છે. આ ઉપગ્રહને પૃથ્વી પર ફરી ઉતારવા માટે પેસેફિક મહાસાગરમાંની એક વસ્તી વિનાની જગ્યા પસંદ કરવામાં આવી છે.
એમટી૧ ઉપગ્રહને પૃથ્વી પર પરત લાવવા માટેની કામગીરી આમ તો મહિનાઓથી શરૂ થઇ ગઇ છે. ઓગસ્ટ ૨૦૨૨થી તેની ભ્રમણ કક્ષા નીચી કરવા માટે ૧૮ વખત ભ્રમણકક્ષા બદલવાની કામગીરી કરાઇ છે અને પૃથ્વીના વાતાવરણમાં પરત ફરતી વખતે આ ઉપગ્રહને લાગનાર ઘસારો, પૃથ્વી પર ઉતરાણ વખતે થનાર અસર વગેરેનો અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપગ્રહને હવે પૃથ્વી પર ઉતારવા માટેની છેલ્લી વિધી સાતમી માર્ચ મંગળવારના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦થી ૭.૩૦ વચ્ચે કરવામાં આવશે. આ ઉપગ્રહને ઉતારતી વખતે સૌથી મોટો પડકાર તેના ઉપર હજી બચેલું ૧૨૫ કિગ્રા ઇંધણ છે અને જો ઉતારતી વખતે ઉપગ્રહ અકસ્માતે ફાટે તો આ ઇંઘણ મોટું જોખમ ઉભું કરી શકે છે એમ ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.