નવી દિલ્હી: ઈસરોએ (ISRO) આજે શનિવારે સાંજે 5.35 કલાકે ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો છે. જેને GSLV F14 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહની મદદથી આવનાર સમયમાં ભારતને કુદરતિ આફતો અને હવામાનની સચોટ માહિતી પ્રાપ્ત થશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.
ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી આજે શનિવારે સાંજે 5.35 કલાકે INSAT-3DS સેટેલાઇટ લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ અત્યાર સુધી લોન્ચીંગની પ્રોસેસ યોજના મુજબ યોગ્ય રીતે થઈ રહી છે. તેમજ આ સેટેલાઈટની કામગીરી બાદ હવામાન સંબંધિત સચોટ માહિતી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કુદરતી આફતો વિશે પણ આગોતરી માહિતી ઉપલબ્ધ થશે, જેનાથી બચાવ અને રાહત કામગીરીમાં મદદ મળશે.
આ ઉપગ્રહ 170 કિમી પેરીજી અને 36647 કિમી એપોજી સાથે લંબગોળ જીટીઓ ભ્રમણકક્ષામાં ફરશે. ઉપગ્રહનું કુલ વજન 2274 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું છે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર્સ છે. તેમજ 19 ચેનલ સાઉન્ડર હવામાનશાસ્ત્ર પેલોડ્સ ઉપલબ્ધ છે. આ ઉપગ્રહ તેના જૂના ઉપગ્રહો INSAT-3D અને INSAT-3DR સાથે હવામાનની માહિતી આપશે.
આ સેટેલાઇટ શું કામ કરશે?
- વિવિધ સ્પેક્ટ્રલ તરંગલંબાઇ દ્વારા પૃથ્વીની સપાટી, મહાસાગર અને પર્યાવરણનું નિરીક્ષણ કરશે
- વાતાવરણના વિવિધ મોસમી પરિમાણોની ઊભી રૂપરેખાઓ આપશે
- અલગ-અલગ જગ્યાએથી ડેટા એકત્ર કરીને વૈજ્ઞાનિકોને આપશે
- રાહત અને બચાવ કામગીરી દરમિયાન મદદ કરશે
સાતમો ઉપગ્રહ લોન્ચ
INSAT-3 શ્રેણીના ઉપગ્રહોમાં છ વિવિધ પ્રકારના જીઓસ્ટેશનરી ઉપગ્રહો છે. INSAT શ્રેણીના અગાઉના તમામ ઉપગ્રહો 2000 થી 2004 ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યા હતા. જેના દ્વારા સંદેશાવ્યવહાર, ટીવી પ્રસારણ અને હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ હતી. આ ઉપગ્રહોમાં, 3A, 3D અને 3D પ્રાઇમ ઉપગ્રહોમાં આધુનિક હવામાનશાસ્ત્રના સાધનો છે.
હવામાનની ચોક્કસ માહિતી જરૂરી છે
આ સેટેલાઇટ ભારતમાં અને તેની આસપાસ થતા મોસમી ફેરફારો વિશે સચોટ અને સમયસર માહિતી આપે છે. આમાંના દરેક ઉપગ્રહે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રની ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરી છે. આ ઉપગ્રહોનું સંચાલન ISRO તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે. તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય છે.