ભારતીય અવકાશ સંશોધન સંસ્થા જે ઇસરોના ટૂંકા નામે ઓળખાય છે તેણે છેલ્લા કેટલાક વર્ષમાં એવી સિધ્ધીઓ હાંસલ કરી છે કે હવે તે વિશ્વની સૌથી અગ્રણી અવકાશ સંશોધન સંસ્થાઓમાં તો શામેલ થઇ જ ગઇ છે અને બની શકે કે તેની આ જ આગેકૂચ ચાલુ રહે તો તે થોડા વર્ષોમાં અમેરિકાની અવકાશ સંસ્થા નાસાને પણ પાછળ મૂકીને વિશ્વની પ્રથમ ક્રમની અવકાશ સંસ્થા બની શકે છે. હાલ તેણે ઓગસ્ટમાં ચંદ્રયાન-૩ના લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર ઉતરાણ કરાવીને વિશ્વમાં અત્યાર સુધી કોઇએ હાંસલ નહીં કરી હોય તેવી સિદ્ધી તો હાંસલ કરી જ છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)એ ત્યારબાદ સૂર્ય મિશન આદિત્ય એલ-૧ પણ હાથ ધર્યું છે અને તેના આ મિશને તેની કામગીરી શરૂ પણ કરી દીધી છે. વ્યાપારી ધોરણે અન્ય દેશોના નાના-મોટા ઉપગ્રહો અવકાશમાં ચડાવી આપવામાં પણ ઇસરો નિપૂણ બની ગઇ છે. હાલમાં ઇસરોએ એક નવો પ્રયોગ સફળતાપૂર્ણ રીતે પૂરો કર્યો છે. ચંદ્રયાન-૩ના પ્રોપલ્ઝન મોડ્યુલ(પીએમ)ને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આજુબાજુની એક ભ્રમણકક્ષામાં ખસેડવામાં આવ્યું છે, એમ જણાવતા ઇસરોએ આ ઓપરેશનને એક આગવો પ્રયોગ ગણાવ્યો હતો.
ચંદ્રયાન-૩ મિશનનો પ્રાથમિક હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો અને તેના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરના સાધનોનો ઉપયોગ કરીને ત્યાં પ્રયોગો કરવાનો હતો. પ્રોપલ્ઝન મોડ્યુલનો મુખ્ય હેતુ લેન્ડર મોડ્યુલને જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ) પરથી ચંદ્રની છેવટની વર્તુળાકાર ભ્રમણકક્ષામાં લઇ જઇને લેન્ડરને છૂટું કરવાનો હતો.
આ જુદું થયા બાદ પીએમમાંના શેપ નામના પેલોડે પણ કામ કર્યું હતું. ઇસરોએ જણાવ્યું હતું કે પીએમમાં બાકી રહેલા ઇંધણનો ઉપયોગ ભવિષ્યના ચંદ્ર મિશનો માટે વધારાની માહિતી એકત્ર કરવા અને સેમ્પલ રિર્ટન મિશન માટે મિશન ઓપરેશન સ્ટ્રેટેજીઓનું પ્રદર્શન કરવા માટે કરવાનો નિર્ણય લેવાયો હતો. આ શેપ પેલોડને એક અનુકૂળ પ્રૃથ્વી ભ્રમણકક્ષામાં ફરીથી લાવવાનો નિર્ણય લેવો હતો અને આ પ્રોપલ્ઝન મોડ્યુલ ચંદ્રની સપાટી પર તૂટી પડે નહીં અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ૩૬૦૦૦ કિમી પર આવેલ પૃથ્વીની જીઓસિન્ક્રોનસ ઇક્વેટોરિયલ ઓર્બિટ(જીઇઓ)ના પટામાં પ્રવેશે નહીં કે તેથી નીચે ઉતરે નહીં.
તેનું ધ્યાન રાખીને તેની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું હતું. આ પ્રયોગ કરવાથી ચંદ્ર પરથી ભવિષ્યમાં કોઇ યાન પૃથ્વી પર પરત લાવવા માટેની કામગીરી સફળ રીતે કરી શકાય તે માટે કેટલીક ઉપયોગી માહિતી પ્રાપ્ત થઇ છે. ઇસરો હવે આગામી બે વર્ષમાં સ્પેસ મિશનની એક પ્રભાવશાળી શ્રેણી માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં સંશોધન, સંચાર અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આવતા વર્ષે તો ૧૨ મહત્વના પ્રોજેકટો હાથ ધરવાની ઇસરોની યોજના છે.
દરેક ભારતની અવકાશ ક્ષમતાઓની સીમાઓને આગળ વધારવા માટે તૈયાર છે. સૌથી અપેક્ષિત મિશનમાંનું એક નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (નિસાર) છે, જે નાસા અને ઇસરો વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. 2024માં પ્રક્ષેપણ માટે નિર્ધારિત, નિસાર પ્રથમ ડ્યુઅલ-બેન્ડ રડાર ઇમેજિંગ ઉપગ્રહ હશે, જે પૃથ્વી અવલોકન માટે મહત્ત્વપૂર્ણ ડેટા પ્રદાન કરશે. આ મિશન અવકાશ સંશોધનમાં વધતા આંતરરાષ્ટ્રીય સહયોગનું પણ એક ઉદાહરણ બની રહેશે. રિસેટ-1બી અને રિસોર્સ-3 ભારતની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધારવા માટે તૈયાર છે, જ્યારે ટીડીએસ01 અને સ્પેડેક્સ ચંદ્ર મિશનને આગળ ધપાવવા માટે ટેક્નોલોજીકલ સંશોધન અને પ્રયોગો કરશે.
ઓસનસેટ-3એ સમુદ્રશાસ્ત્ર અને વાતાવરણીય અભ્યાસમાં તેના પુરોગામીઓનો વારસો ચાલુ રાખશે. ઇન્ડિયન ડેટા રિલે સેટેલાઇટ સિસ્ટમ (આઈડીઆરએસએસ)નો હેતુ રિમોટ સેન્સિંગ અને વૈજ્ઞાનિક ઉપગ્રહો સાથે રીઅલ-ટાઇમ કોમ્યુનિકેશન લિંક સ્થાપિત કરવાનો છે. આ ઉપરાંત ઇસરો ગગનયાન પ્રોજેક્ટ વડે તેના અવકાશયાત્રીઓને પણ ટૂંક સમય માટે અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહી છે. ઇસરોનો પાયો ભારતના દૂરંદેશ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ નાખ્યો હતો. બાહોશ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇના સૂચનોને આધારે ૧૯૬૨માં નેહરૂજીએ ભારતની અવકાશ સંસ્થાનો પાયો નાખ્યો હતો.
તે સમયે આ સંસ્થા ઇન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ(ઇન્કોસ્પાર) તરીકે ઓળખાતી હતી. તેનો ઘણો સારો વિકાસ થયો અને ૧૯૬૯માં આ સંસ્થાનું નામ ભારતીય અવકાશ સંશોધન સંગઠન અથવા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) કરવામાં આવ્યું. ત્યારબાદ વર્ષો અને દાયકાઓ દરમ્યાન આ સંસ્થા સતત વિકસતી રહી છે અને તેણે એક વિશ્વ કક્ષાની પ્રતિષ્ઠિત અવકાશ સંસ્થા તરીકે ગજું કાઢ્યું છે. તે મહાકાય અવકાશ પ્રોજેક્ટો તો હાથ ધરવા માંડી જ છે પરંતુ વેપારી ધોરણે અન્ય દેશોના ઉપગ્રહો ચડાવી આપવામાં પણ નિપૂણ બની ગઇ છે. અનેક વિકસીત દેશો પણ પોતાના ઉપગ્રહો અવકાશમાં ચડાવવાનું કામ હવે ઇસરોને સોંપે છે. આ બધું જોતા ઇસરો વિશ્વની ટોચની અવકાશ સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે એવી આશા રાખવામાં કશું ખોટું નથી.