રાત્રિના આકાશ તરફ જોતા મન આશ્ચર્યથી ભરાઈ જાય છે. ઝગમગતાં સિતારાઓને જોતી વખતે અનેક સવાલો આવે છે. બાળકોની જિજ્ઞાસાને સંતોષવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)એ દશ વરસથી ઉપરના બાળકો માટે વિના મૂલ્યે ઓનલાઇન કોર્સની સૂચના કરી છે! ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને વિદ્યાર્થીઓ માટે જે ઓનલાઈન કોર્સની જાહેરાત કરી છે, તે કોર્સને ‘ઓવરવ્યુ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ કહેવામાં આવે છે.
જેમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા વિષયો કોર્સના ભાગ રૂપે આવરી લેવામાં આવશે. જેમાં અવકાશ ટેકનોલોજી અને ભારતીય અવકાશ કાર્યક્રમ, અવકાશયાન સિસ્ટમો, ખગોળ શાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન, સેટેલાઇટ, હવામાન શાસ્ત્ર અને તેની એપ્લિકેશનો, પ્લેનેટરી જીઓસાયન્સ, સેટેલાઇટ આધારિત પૃથ્વી અવલોકનો અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજી, સરકારી માળખાના રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સ, શહેરી હેરિટેઝના અભ્યાસ માટે ક્લોઝ રેન્જ ફોટોગ્રામેટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ માહિતી નિષ્કર્ષણ માટે ઉપગ્રહની છબીઓ વાંચવી અને ઓનલાઈન ડેટા રિપોઝીટરીઝમાંથી જીઓડેટા એક્સેસ અને ભૌગોલિક માહિતી સિસ્ટમનો ઉપયોગ કરીને સમસ્યાનું નિરાકરણ જેવાં પ્રયોગો પર પણ અભ્યાસ કરશે. ઓનલાઈન શિક્ષણ સંસાધનો અને જીઓ સ્પેશ્યલ ટેક્નોલોજીમાં કારકિર્દીની તક ઊભી કરશે. આ કોર્સનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને અવકાશ ટેકનોલોજીના વિવિધ પાસાઓથી માહિતગાર કરવાનો છે. જ્ઞાન અને જાગૃતિ આપવાનો છે.
વધુ શીખવાની અને જાણવાની ઇચ્છાને સંતોષ આપવાનો છે. ભારતીય અને વિદેશી શાળાના 10 વરસથી ઉપરના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે આ ઓનલાઈન કોર્સ કરી શકે છે. તે ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ’ દ્વારા ચલાવવામાં આવે છે. તે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ પહેલનો પણ એક ભાગ છે. આ કોર્સ માટે અરજી કરવા માટે પહેલા ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ’ વેબસાઇટ પર જવું પડશે. ત્યાં નામ નોંધાવવું પડશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓના ઈમેલ પર વિગતવાર માહિતી મોકલવામાં આવશે.
જેનાથી તેઓ ઓનલાઈન સત્રોમાં ભાગ લઈ શકશે. એકાઉન્ટની સફળ નોંધણી અને સક્રિયકરણ પછી વિદ્યાર્થીઓને ઈ-ક્લાસ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ માટે તેમના લોગિન ઓળખ પત્રો ઈમેલથી પાઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના ભાવિ સંદર્ભો માટે ઈ-ક્લાસ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પરથી અભ્યાસ સામગ્રીનું PDF સંસ્કરણ પણ ડાઉનલોડ કરી શકે છે. આ કોર્સ આ વર્ષે 6 જૂનથી શરૂ થયો છે, જે 5 જુલાઇ સુધી ચાલશે. આ 10 કલાકનો કોર્સ છે. વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ઓનલાઈન વીડિયો જોઈ શકશે. આ કોર્સના વીડિયો અભ્યાસ માટે વારંવાર જોઈ શકાય છે. તે જોયાં બાદ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો હશે. વિડિયો સેશન પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને ક્વિઝ મૂલ્યાંકનમાં ભાગ લેવાનો છે. વિદ્યાર્થીઓ ચર્ચા મંચમાં તેમની શંકાઓ પણ પોસ્ટ કરી શકે છે. દેશના પ્રતિષ્ઠિત ખગોળશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ ખાસ શાળાના બાળકો માટે બનાવેલ આ કોર્સનું સંચાલન કરશે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
ટેકનિકલ સત્રોમાં વિદ્યાર્થીઓની હાજરી અને ઓનલાઈન ક્વિઝ એસેસમેન્ટમાં મળેલા સ્કોરના આધારે IIRS અને ISRO તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. અભ્યાસક્રમમાં ભાગીદારીનું પ્રમાણપત્ર મેળવવા માટે ક્વિઝમાં ઓછામાં ઓછો 60 % સ્કોર અને વીડિયો સત્રોમાં 70 % હાજરી જરૂરી રહેશે. જેઓ અરજી કરવા ઈચ્છે છે, તેઓએ વધુ માહિતી માટે કોર્સ પુસ્તિકાનો અભ્યાસ પણ જરૂર કરવો. બારીક મુદ્દા સહજ બનશે. ISRO અવારનવાર યુવાનોમાં એરોસ્પેસને પ્રોત્સાહિત કરવા માટે આવા પગલાં લે છે. ISROએ તાજેતરમાં જ તેમને રેસિડેન્શિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે અરજી કરવાનું કહ્યું હતું. સમગ્ર દેશમાં લગભગ એક લાખ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લેવા માટે અરજી કરી હતી.
જેમાંથી 150ની પસંદગી કરવામાં આવી હતી. ISROનો ‘યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ’ 28 મે સુધી ચાલ્યો. જેમાં દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના યુવાનોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ પાંચ ISRO કેન્દ્રો પૈકી તિરૂવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, બેંગ્લોરમાં યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર, અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર, હૈદરાબાદમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને શિલોંગમાં નોર્થ-ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર પર યોજવામાં આવ્યો હતો. તાલીમ સત્રોમાં વર્ગખંડમાં શિક્ષણ, પ્રખ્યાત વૈજ્ઞાનિકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયા, પ્રયોગશાળાની મુલાકાતો, આકાશ અવલોકન, રોબોટિક્સ અને કેનસેટ પરીક્ષણોનો સમાવેશ થાય છે. ISROનો નવો ઓનલાઈન કોર્સ શાળા સ્તરે અવકાશ ટેકનોલોજીમાં રસ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.