નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે હિંસક યુદ્ધ (War) હાલ વધુ ઘાતક બન્યું છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના (Death) મોત થયા છે. તેમજ ઇઝરાયેલી સેના (IDF) એ હમાસના આતંકવાદી (Terrorist) ઠેકાણાઓને (Places) નષ્ટ કરવા માટે હુમલા વધુ ઝડપી કર્યા છે. દરમિયાન ગાઝા પટ્ટીના (Gaza Strip) ખાન યુનિસમાં હમાસની ટનલો (Tunnel) ઉપર થયેલા પ્રચંડ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયેલી ટેન્કોએ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ પર ગોળીબાર અને હવાઈ બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલના આ અભિયાનમાં 24 કલાકમાં લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ચિકિત્સકો અને પેલેસ્ટિનિયન પત્રકારોના જણાવ્યા અનુસાર, IDF એરક્રાફ્ટે મધ્ય ગાઝામાં નુસીરાત કેમ્પ પર પણ અનેક હવાઈ હુમલા કર્યા હતા. જેમાં હવાઈ હુમલાની સાથે ગાઝા પટ્ટીના ખાન યુનુસમાં હમાસની ટનલો ઉપર પણ આર્ટિલરી શેલ છોડવામાં આવ્યા હતા.
જણાવી દઇયે કે ઇઝરાયેલી દળોએ ડિસેમ્બરની શરૂઆતમાં જ ખાન યુનિસના કેટલાક ભાગો પર કબ્જો કરી લીધો હતો. દરમિયાન સમગ્ર મામલે ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે સેના હમાસના કમાન્ડ સેન્ટરો અને હથિયારોના કેંન્દ્રને પણ સતત નિશાન બનાવી રહી છે. તેમજ સૈન્યએ ગાઝા શહેરોમાં નેતા યાહ્યા સિનવરના ઘર સહિતની ભોંયરામાં છુપાયેલી ટનલ અને સમગ્ર સંકુલનો નાશ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે અઢી મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝાના 2.3 મિલિયન લોકો સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં ઘર છોડીને ભાગી રહ્યા છે. દરમિયાન ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 187 પેલેસ્ટાઈનીઓના મોતની પુષ્ટિ થઈ છે. આ સાથે જ 7 ઓક્ટોબરથી મૃત્યુઆંક 21,507 પર પહોંચી ગયો છે. જેનો અર્થ એ થયો કે ગાઝાની કુલ વસ્તીના લગભગ એક ટકા લોકો નાશ પામ્યા છે. તેમજ કાટમાળમાં વધુ હજારો મૃતદેહો દટાયા હોવાની આશંકા છે.
ઇઝરાયેલની સેના પત્રકારોને નિશાન બનાવી રહી છે
યુદ્ધગ્રસ્ત વિસ્તારો પર નજર રાખતી ખાનગી સંસ્થાએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે ઇઝરાયેલ-ગાઝા યુદ્ધના પ્રથમ 10 સપ્તાહ પત્રકારો માટે સૌથી ઘાતક સાબિત થયા હતા. આંકડાની દૃષ્ટિએ ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ દરમિયાન એક જ વર્ષમાં સૌથી વધુ પત્રકારો એક જ સ્થળે માર્યા ગયા છે. અમેરિકન સંસ્થાના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સેના ખાસ કરીને પત્રકારો અને તેમના પરિવારોને નિશાન બનાવી રહી છે.