World

ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ અચાનક જ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયલે ઈરાન પર મોટો હવાઈ હુમલો શરૂ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં જોરદાર ધડાકાઓ સંભળાયા છે. ઈઝરાયલ સરકારે આ કાર્યવાહી ‘પ્રી-એમ્પ્ટિવ સ્ટ્રાઈક’ તરીકે વર્ણવી છે. ઈઝરાયલના રક્ષા મંત્રી Israel Katz એ સમગ્ર દેશમાં તાત્કાલિક રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કર્યો છે. સત્તાવાર નિવેદન મુજબ ઈરાન તરફથી વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કેટલીક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં અમેરિકાની પણ આ હુમલામાં સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે સત્તાવાર પુષ્ટિ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

એક ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei હાલ તેહરાનમાં નથી અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ઈઝરાયલ વાયુસેનાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઈરાની ટેલિવિઝન સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેહરાનમાં અનેક જગ્યાએ વિસ્ફોટોની પુષ્ટિ થઈ છે. ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા હોવાનું કહેવામાં આવે છે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને બંને દેશોમાં હાઈ એલર્ટ જાહેર છે. જો આ અથડામણ વધુ વિકરાળ રૂપ ધારણ કરે તો તેનો પ્રભાવ સમગ્ર મધ્ય પૂર્વ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર પડી શકે છે. હાલ દુનિયાભરની નજર આ વધતા સંઘર્ષ પર ટકેલી છે.

Most Popular

To Top