નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચેનું યુદ્ધ વિરામ થાઇ તેવી કોઇ સંભાવના દેખાતી નથી. કારણ કે ફરી એકવાર ઇઝરાયેલએ ગાઝામાં (Gaza) હુમલો કર્યો હતો. ઇઝરાયેલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરત કેમ્પમાં એક શાળાને નિશાન બનાવી હતી. આ શાળા ઉપર ઇઝરાયેલે હવાઈ હુમલો કરી બોમ્બમારો (Bombardment) કર્યો હતો.
ઇઝરાયેલના આ હુમલામાં ઓછામાં ઓછા 39 પેલેસ્ટાઈનના લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. હમાસના એક ટેલિવિઝને ઇઝરાયેલી સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હોવાની જાણ કરી હતી. પરંતુ આંકડાઓના સ્ત્રોતનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમજ પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
સેનાએ પુરાવા આપ્યા નથી
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું હતું કે તેમના યુદ્ધ વિમાનોએ પેલેસ્ટિનિયનોને સહાય પૂરી પાડતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી દ્વારા સંચાલિત શાળા પર હુમલો કર્યો હતો. આ એજન્સીને ‘UNRWA’ તરીકે ઓળખવામાં આવે છે. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે ‘હમાસ’ અને ‘ઈસ્લામિક જેહાદ’ સંગઠનોએ તેમની પ્રવૃત્તિઓ માટે શાળાનો ઢાળ તરીકે ઉપયોગ કર્યો હતો. જો કે સેનાએ તાત્કાલિક આ દાવાના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે, “હુમલા દરમિયાન નિર્દોષ નાગરિકોને થતા નુકસાનના જોખમને ઘટાડવા માટે હુમલા પહેલા ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.”
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે સ્કૂલ કેમ્પસની અંદર યુદ્ધ પીડિતોને આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારે ઈઝરાયેલે દાવો કર્યો હતો કે મધ્ય ગાઝાના નુસરતમાં યુએન સ્કૂલમાં હમાસની ગુપ્ત કમાન્ડ પોસ્ટ છે. તેમણે કહ્યું કે કમ્પાઉન્ડમાં હમાસના આતંકવાદીઓ હતા કે જેઓ 7 ઓક્ટોબર, 20023ના રોજ ઈઝરાયેલ પરના હુમલામાં સામેલ હતા.
સમગ્ર મામલે હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફનું નિવેદન પણ સામે આવ્યું હતું. ગ્રીન પ્રિન્સ તરીકે ઓળખાતા મોસાબે કહ્યું હતું કે પેલેસ્ટાઈન ઈઝરાયેલના વિનાશ પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પેલેસ્ટાઈનની કોઈ વ્યાખ્યા હોઇ શકે તો કહી શકાય કે પેલેસ્ટાઇન એટલે ઈઝરાયેલનો વિનાશ. મોસાબે કહ્યું કે, જો આપણે ઈસ્લામ સામે નહીં લડીએ તો આ દુનિયા ખતરામાં છે.